મિત્રો,
વાવાઝોડા અને માવઠાની કમોસમી અસર પછી ફરી પાછો વૈશાખ તેનો બળબળતો બપોર લઈને આવી પૂગ્યો છે. વિકસિત દેશો ભલે ચંદ્ર, મંગળ અને ગુરુ પર રોકેટ ઉડાડ્યા કરતાં. શ્રદ્ધાળુઓ ભલે મંદિરમાં ઘંટ વગાડે. વિવેકપંથીઓ ભલેને તેમનો વિવેક સતત બીજાને ભાંડવામાં દાખવ્યાં કરતાં. અધ્યાત્મવાદીઓ ભલે ધ્યાન ધારણામાં રત રહે.
જેમ ભુખે ભજન ન હોય ગોપાલા તેવી રીતે જેમના પેટ ભરાઈ ગયા હોય તેમને જ ઠાલી ચર્ચાઓમાં સમય બગાડવો પોસાય.
કેટલાકને વિકસિત(આ શબ્દ સામે વાંધો ઉઠાવનારાયે છે) દેશોમાં બેઠા બેઠા ચિનાઓ ભાગોળે આવી જશે તેવા સ્વપ્નાઓ આવશે તો કેટલાકની ધૂર્ત દેશોના સૈનિકો આપણાં સૈનિકોના માથા વાઢી જાય છે તેવા દૃશ્યોથી ઉંઘ ઉડી જતી હશે. કેટલાક ગુર્જરવાસીઓ સિંહો મધ્યપ્રદેશમાં પહોંચી જશે તેની યે ચિંતામાં દુબળા પડી ગયાં છે. ક્યાંક વળી ભદ્રંભદ્ર પારસી ટીકીટ બુકિંગ ક્લાર્કના મુક્કાઓ ખાય છે. ક્યાંક વળી ચાલીસાઓની રમઝટેય બોલશે. ક્યાંક તો આખેઆખી નાટક મંડળી આવી પુગી છે તો ક્યાંક કથાવાર્તાઓ હાલશે.
આપણે તો આજે માવજીભાઈની પરબેથી સીધી જ “વૈશાખનો બપોર”ની ઉઠાંતરી કરવાના મુડમાં છીએ.
સાહિત્યમાં મારી જેવા એક અર્ધ ટેકનીકલ માણસને સમજણ ન પડે. છંદ, અછંદ, સ્વચ્છંદ કે કુછંદ તેમાંયે ખાસ સમજણ નહીં. જો કે સીધી સાદી ગુજરાતીમાં આલેખાયેલું શ્રી રામનારાયણ પાઠક્નું આ કાવ્ય મને સ્પર્શી ગયું. તેમના દિકરી શ્રી ભારતીબહેન અમને શ્રી દક્ષિણામુર્તિ શાળામાં ગુજરાતી ભણાવતા તે ય યાદ આવી ગયું.
લ્યો ત્યારે માણો આજે વૈશાખનો બપોર
વૈશાખનો બપોર
(મિશ્ર ઉપજાતિ)
વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો
દહાડો હતો એ કશી કંઈ રજાનો
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યા હતા આળસમાં હજી જનો
જંપ્યાં હતાં બાળક ખેલતાં એ
ટહૂકવું કોયલ વિસર્યો’તો
સંતાઈ ઝાડે વિહગો રહ્યાં’તાં
ત્યારે મહોલ્લા મંહિં એ શહેરના
શબ્દો પડ્યાં કાન : ‘સજાવવાં છે
ચાકુ, સજૈયા, છરી, કાતરો કે ?’
ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા
માથે વીંટી ફીંડલું લાલ મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમે
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરંતો ડગલાં જતો’તો
મેલી તૂટી આંગડી એક પહેરી
માથે ઉઘાડે પગ એ ઉઘાડે
આઠેકનો બાળક એક દૂબળો
‘બચ્ચા લખા ! ચાલ જરાય જોયેં
એકાદ કૈં સજવા મળેના
અપાવું તો તુર્ત તને ચણા હું.’
ને એ ચણા આશથી બાળ બોલ્યો,
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને.’
એ બાળકના સ્નિગ્ધ શિખાઉ કાલા
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા, છરી, કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે ?
ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું – ‘અલ્યા તું કહીંનો કહે તો !’
‘બાપુ, રહું હું દૂર મારવાડે.’
દયા બીજાને થઈ ને કહે ‘જુઓ !
આવે જનો દૂર કહીં કહીંથી
જુઓ જુઓ દેશ ગરીબ કેવો ?’
અને કહે કોઈ વળી ભણેલો,
‘આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ ;
ચાલે નહીં આવી સરાણ હાવાં !’
ને ટાપશી પૂરી તંહિં બીજાએ
‘નવી સરાણે જન એક જોઈએ
પોષાય ત્યાં બે જણા તે શી રીતે ?’
‘બાપુ સજાવો કંઈ !’ ‘ભાઈ, ના ના
સજાવવાનું નથી કૈં અમારે.’
અને ફરી આગળ એહ ચાલ્યો,
‘સજાવવાં ચપ્પુ છરી’ કહેતો,
ને તેહની પાછળ બાળ તેના
જળે પડેલા પડઘા સમુ મૃદુ
બોલ્યો ‘છરી ચપ્પુ સજાવવાં છે ?’
જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડી :
‘બચ્ચા લખા ! ધોમ બપોર ટહેલ્યાં
છતાં મળી ના પઈની મજૂરી.’
બોલ્યો : ‘અરે ભાઈ ! ભૂખ્યા છીએ દ્યો
આધાર કૈં થાય જરાક પાણીનો.’
કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે,
‘અરે બધો દેશ ભર્યો ગરીબનો,
કોને દઈએ ને દઈએ ન કોને ?’
કોઈ કહે, ‘એ ખરી ફર્જ રાજ્યની.’
ને કો કહે : ‘પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય !’
ત્યાં એકને કૈંક દયા જ આવતાં,
પત્ની કને જઈ કહ્યું : ‘કંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દ્યો.’
‘જોવા સિનેમા જવું આજ છે ને !
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે ?
ભૂલી ગયા છેક જ આવતાં દયા ?’
દયા તણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સૂઝ્યું ન આપવાનું !
ને ત્યાં સિનેમાસહગામી મિત્ર કહે :
‘દયા બયા છે સહુ દંભ ; મિથ્યા
આચાર બુર્ઝવા જન માત્ર કલ્પિત.’
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરંતુ એ તો સમજ્યો જરૂર ;
મજૂરી કે અન્નની આશા ખોટી.
છતાં વધુ મંદ થતા અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે :
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને !’
મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની
ઉઘાડતા ગાંઠ અને પડીકાં
હાલ્લાં, જરા કૈં બટકાવવાને
બોલાવિયા આ પરદેશી બેઉને :
‘અરે જરા ખાઈ પછીથી જજો.’
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાંને બટકુંક નાખ્યું.
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્ર :
હતી તંહિ કેવળ માણસાઈ !
-રામનારાયણ વિશ્વનાથ પાઠક
અલ્યાં ભઈ બ્લોગજગતમાં તમારો ડંકો વાગતો હોઈ કે નઈ પણ જો આ કાવ્યના શબ્દો તમારા હ્રદય પર થોડી ઘણીએ અસર કરી શક્યાં હોય તો વાસ્તવિક જગતમાં તમે માણહ છો ઈ વાત પાક્કી. પછી ભલેને તમારામાં બુદ્ધિ
કે શ્રદ્ધા હોઈ કે ન હોઈ ઈ ની કાઈ પરવા નથી.
http://www.mavjibhai.com/kavita%20files/vaishakhnobapor.htm