મિત્રો,
હમણાં બ્લોગ-જગતમાં બે લેખ ગુજરાતીમાં વાંચ્યાં.
પહેલા એવી ઈચ્છા હતી કે ગુજરાતી બ્લોગ જગતમાં બે લેખ વાંચ્યા તેમ લખું પણ પછી થયું કે બ્લોગ-જગતમાં બે લેખ ગુજરાતીમાં વાંચ્યા તેમ લખવું વધારે સાચું રહેશે.
સાહિત્યમાં આમ તો મારી ચાંચ ન ડુબે તેથી આવા લેખો બહુ બહુ તો વાંચી શકું. તેની પર વિદ્વતાભરી સમીક્ષા કે હળવા હાસ્ય-કટાક્ષ કરવાનું મારું ગજું નહીં.
બદલાતા જતા સમય સાથે સાધનો બદલાય છે. વળી જુની ટેવો ભુલાતી જાય અને નવા સાધનો પ્રમાણે નવા મહાવરાઓ થતા જાય તે આ લેખના કેન્દ્રવર્તી વિચાર હોઈ શકે તેવું મને લાગ્યું.
બંને લેખના શિર્ષકમાં સામાન્ય ’કાગળ, પેન અને’ છે.
શિર્ષકના અંતે પહેલામાં ’લેખ.’ અને બીજામાં ’હું’ છે.
બંને લેખના વાચકો જુદા જુદા છે, Like કરનારા જુદા જુદા છે.
કાગળ અને પેનની મદદથી પહેલા વિચારો અને લાગણીઓ રજૂ કરાતી, કાગળ અને પેનના યે સમય પહેલા કદાચ પત્થર પર શીલાલેખ કોતરાતા હશે. સમય જતા બધું બદલાઈ ગયું છે. કાગળ અને પેનનું સ્થાન ધીરે ધીરે કોમ્પ્ય઼ુટર અને કી-બોર્ડ લઈ રહ્યાં છે.
બેંકો કહે છે કે હજુ તમે ચેક લખો છો? નેટબેંકીગ શા માટે નહીં?
એક બાજુ રખડતી ગાયો નકામા કાગળના ડુચા ખાવા ધસતી હોય અને બીજી બાજુ કાગળ અને પેન હવે આઉટ ઓફ ડેટ થઈ રહ્યાં હોય તેવે સમયે પણ લાગણીઓ અને વિચારો તેમના અભીવ્યક્તિના માધ્યમો તો શોધી જ લેવાના છે.
માધ્યમ બદલાશે તોયે લેખ તો લખાતા રહેશે.
ઘણું બધુ બદલાતું રહેશે.
લાગે છે કે પથ્થર યુગથી શરુ કરીને આજ પર્યંત કે ભવિષ્યમાં યે ન બદલાય તેવું કોઈ હશે તો તે હશે
માત્ર ને માત્ર
’હું.’