Daily Archives: 11/04/2013

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૩)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૧, પ્રતિષ્ઠાના મૂળ

કેન્દ્રવર્તી વિચાર : સમાજનાં ધારણ-પોષણ અને વિકાસનો માર્ગ વ્યક્તિનાં પ્રેમમય ત્યાગ-પ્રધાન જીવન વડે રચાય છે. આ માર્ગ સ્વીકારીને ચાલતા વ્યવસાય અન્યનું ધન છિનવી લેવાની ગીધવૃત્તિનો ત્યાગ કરે છે અને તે જ સમાજમાં પ્રતિષ્ઠા પામે છે, બીજા નહીં.

તેમાં કુલ ૭૫ ફકરા છે.

આજે આપણે પ્રથમ નિબંધના ૧૧ થી ૨૦ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૧૧. અર્થશાસ્ત્રનો વેતનનો લોખંડી સિદ્ધાંત માનવીય ન્યાયથી વિરુદ્ધ છે. તેમ જ હડતાળ વખતે અનુચિત માગણી પણ સમાજના આર્થિક હિતમાં નથી.

૧૨. માપદંડ છે ન્યાયનો. કેમ કે એ જ સર્વોપરિ મૂલ્ય છે. બજારમાં ઊંચા ભાવ મળે તે રીતે નફા માટે ઉપયોગી પ્રવૃત્તિની વિચારણા કરવા જતાં અનેક પ્રકારના પરસ્પર આધારિત સંકુલ પ્રવૃત્તિઓ વચ્ચે સંબંધ ગોઠવણીના સવાલ પેદા થાય છે. તેના નિયમનું જડ માળખું એકને બચાવવા જતાં અન્યને કચડે. અર્થશાસ્ત્ર વડે સિદ્ધાંતોની રચના બજારમાં ભાવ વધુ મેળવવા માટે નહીં પણ માનવ-માનવ વચ્ચેના સંબંધમાં ન્યાય વધારવા માટે કરવામાં આવે તે જરૂરી છે.

૧૩. મુક્ત અર્થતંત્રમાં સ્પર્ધા વડે નફાની સંપત્તિ મળશે જ એ કોઈ જાણી શકતું નથી, સમાજ માટે તો તે વડે વિનાશ જ મળે છે. જ્યારે ન્યાય બીજાને અને પોતાને શાથી મળશે તેમાં અનિશ્ચિતતા નથી. તેથી ન્યાય માટે વિચાર હિતકર છે.

૧૪ થી ૧૮. ન્યાયનો સિદ્ધાંત પ્રેમ છે. અન્યને ન્યાય મળે તે વલણ અન્ય વ્યક્તિ પ્રતિ પ્રેમ વડે પ્રગટે છે. મૂડીવાદના આર્થિક સિદ્ધાંત બતાવે છે કે શ્રમિકના વેતનદર બજારભાવ મુજબ નીચામાં નીચા હોય તેથી સમાજને વધારે લાભ થશે, તેમાં ન્યાયનો અભાવ છે.

૧૯-૨૦. માનવ તે કેવળ વેતન અને તેની શરતો મુજબ કામ આપનાર મજૂર, નોકર કે નિર્જીવ યંત્ર નથી. તેની સાથે આર્થિક સ્વાર્થ ગૌણ રાખીને પ્રેમ વડે તેનાં કલ્યાણની કાળજી લેવાથી તેના જીવનને સુખ આપનારા વ્યવહાર વડે તેના સંબંધ સંઘર્ષરહિત બનશે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | 1 Comment

Blog at WordPress.com.