Monthly Archives: April 2013

વૈશાખનો બપોર

મિત્રો,

વાવાઝોડા અને માવઠાની કમોસમી અસર પછી ફરી પાછો વૈશાખ તેનો બળબળતો બપોર લઈને આવી પૂગ્યો છે. વિકસિત દેશો ભલે ચંદ્ર, મંગળ અને ગુરુ પર રોકેટ ઉડાડ્યા કરતાં. શ્રદ્ધાળુઓ ભલે મંદિરમાં ઘંટ વગાડે. વિવેકપંથીઓ ભલેને તેમનો વિવેક સતત બીજાને ભાંડવામાં દાખવ્યાં કરતાં. અધ્યાત્મવાદીઓ ભલે ધ્યાન ધારણામાં રત રહે.

જેમ ભુખે ભજન ન હોય ગોપાલા તેવી રીતે જેમના પેટ ભરાઈ ગયા હોય તેમને જ ઠાલી ચર્ચાઓમાં સમય બગાડવો પોસાય.

કેટલાકને વિકસિત(આ શબ્દ સામે વાંધો ઉઠાવનારાયે છે) દેશોમાં બેઠા બેઠા ચિનાઓ ભાગોળે આવી જશે તેવા સ્વપ્નાઓ આવશે તો કેટલાકની ધૂર્ત દેશોના સૈનિકો આપણાં સૈનિકોના માથા વાઢી જાય છે તેવા દૃશ્યોથી ઉંઘ ઉડી જતી હશે. કેટલાક ગુર્જરવાસીઓ સિંહો મધ્યપ્રદેશમાં પહોંચી જશે તેની યે ચિંતામાં દુબળા પડી ગયાં છે. ક્યાંક વળી ભદ્રંભદ્ર પારસી ટીકીટ બુકિંગ ક્લાર્કના મુક્કાઓ ખાય છે. ક્યાંક વળી ચાલીસાઓની રમઝટેય બોલશે. ક્યાંક તો આખેઆખી નાટક મંડળી આવી પુગી છે તો ક્યાંક કથાવાર્તાઓ હાલશે.

આપણે તો આજે માવજીભાઈની પરબેથી સીધી જ “વૈશાખનો બપોર”ની ઉઠાંતરી કરવાના મુડમાં છીએ.

સાહિત્યમાં મારી જેવા એક અર્ધ ટેકનીકલ માણસને સમજણ ન પડે. છંદ, અછંદ, સ્વચ્છંદ કે કુછંદ તેમાંયે ખાસ સમજણ નહીં. જો કે સીધી સાદી ગુજરાતીમાં આલેખાયેલું શ્રી રામનારાયણ પાઠક્નું આ કાવ્ય મને સ્પર્શી ગયું. તેમના દિકરી શ્રી ભારતીબહેન અમને શ્રી દક્ષિણામુર્તિ શાળામાં ગુજરાતી ભણાવતા તે ય યાદ આવી ગયું.

લ્યો ત્યારે માણો આજે વૈશાખનો બપોર

વૈશાખનો બપોર
(મિશ્ર ઉપજાતિ)

વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો
દહાડો હતો એ કશી કંઈ રજાનો
બપોરની ઊંઘ પૂરી કરીને
પડ્યા હતા આળસમાં હજી જનો
જંપ્યાં હતાં બાળક ખેલતાં એ
ટહૂકવું કોયલ વિસર્યો’તો
સંતાઈ ઝાડે વિહગો રહ્યાં’તાં

ત્યારે મહોલ્લા મંહિં એ શહેરના
શબ્દો પડ્યાં કાન : ‘સજાવવાં છે
ચાકુ, સજૈયા, છરી, કાતરો કે ?’
ખભે લઈને પથરો સરાણનો
જતો હતો ફાટલ પહેરી જોડા
માથે વીંટી ફીંડલું લાલ મોટું
કો મારવાડી સરખો ધીમે ધીમે
ને તેહની પાછળ છેક ટૂંકાં
ધીમાં ભરંતો ડગલાં જતો’તો
મેલી તૂટી આંગડી એક પહેરી
માથે ઉઘાડે પગ એ ઉઘાડે
આઠેકનો બાળક એક દૂબળો

‘બચ્ચા લખા ! ચાલ જરાય જોયેં
એકાદ કૈં સજવા મળેના
અપાવું તો તુર્ત તને ચણા હું.’
ને એ ચણા આશથી બાળ બોલ્યો,
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને.’

એ બાળકના સ્નિગ્ધ શિખાઉ કાલા
અવાજથી મેડીની બારીઓએ
ડોકાઈને જોયું કંઈ જનોએ
પરંતુ જાપાની અને વિલાયતી
અસ્ત્રા, છરી, કાતર રાખનારા
દેશી સરાણે શી રીતે સજાવે ?

ત્યાં કોકને કૌતુક કૈં થયું ને
પૂછ્યું – ‘અલ્યા તું કહીંનો કહે તો !’
‘બાપુ, રહું હું દૂર મારવાડે.’
દયા બીજાને થઈ ને કહે ‘જુઓ !
આવે જનો દૂર કહીં કહીંથી
જુઓ જુઓ દેશ ગરીબ કેવો ?’
અને કહે કોઈ વળી ભણેલો,
‘આ આપણા કારીગરો બધાએ
હવે નવી શીખવી રીત જોઈએ ;
ચાલે નહીં આવી સરાણ હાવાં !’

ને ટાપશી પૂરી તંહિં બીજાએ
‘નવી સરાણે જન એક જોઈએ
પોષાય ત્યાં બે જણા તે શી રીતે ?’
‘બાપુ સજાવો કંઈ !’ ‘ભાઈ, ના ના
સજાવવાનું નથી કૈં અમારે.’

અને ફરી આગળ એહ ચાલ્યો,
‘સજાવવાં ચપ્પુ છરી’ કહેતો,
ને તેહની પાછળ બાળ તેના
જળે પડેલા પડઘા સમુ મૃદુ
બોલ્યો ‘છરી ચપ્પુ સજાવવાં છે ?’

જોયું જનોએ ફરી ડોકું કાઢી
કિન્તુ સજાવા નવ આપ્યું કોઈએ.
થાકી વદ્યો એ પછી મારવાડી :
‘બચ્ચા લખા ! ધોમ બપોર ટહેલ્યાં
છતાં મળી ના પઈની મજૂરી.’
બોલ્યો : ‘અરે ભાઈ ! ભૂખ્યા છીએ દ્યો
આધાર કૈં થાય જરાક પાણીનો.’

કો બારીથી ત્યાં ખસતો વદ્યો કે,
‘અરે બધો દેશ ભર્યો ગરીબનો,
કોને દઈએ ને દઈએ ન કોને ?’
કોઈ કહે, ‘એ ખરી ફર્જ રાજ્યની.’
ને કો કહે : ‘પ્રશ્ન બધાય કેરો
સ્વરાજ છે એક ખરો ઉપાય !’

ત્યાં એકને કૈંક દયા જ આવતાં,
પત્ની કને જઈ કહ્યું : ‘કંઈ ટાઢું
પડેલું આ બે જણને જરા દ્યો.’
‘જોવા સિનેમા જવું આજ છે ને !
ખાશું શું જો આ દઈ દૌં અત્યારે ?
ભૂલી ગયા છેક જ આવતાં દયા ?’
દયા તણા એહ પ્રમાણપત્રથી
બીજું કશું સૂઝ્યું ન આપવાનું !

ને ત્યાં સિનેમાસહગામી મિત્ર કહે :
‘દયા બયા છે સહુ દંભ ; મિથ્યા
આચાર બુર્ઝવા જન માત્ર કલ્પિત.’
વાતો બધી કૈં સુણી કે સુણી ના,
પરંતુ એ તો સમજ્યો જરૂર ;
મજૂરી કે અન્નની આશા ખોટી.
છતાં વધુ મંદ થતા અવાજે
એ ચાલિયા આગળ બોલતા કે :
‘સજાવવાં કાતર ચપ્પુ કોઈને !’

મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની
ઉઘાડતા ગાંઠ અને પડીકાં
હાલ્લાં, જરા કૈં બટકાવવાને
બોલાવિયા આ પરદેશી બેઉને :
‘અરે જરા ખાઈ પછીથી જજો.’
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાંને બટકુંક નાખ્યું.

દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્ર :
હતી તંહિ કેવળ માણસાઈ !

-રામનારાયણ વિશ્વનાથ પાઠક

અલ્યાં ભઈ બ્લોગજગતમાં તમારો ડંકો વાગતો હોઈ કે નઈ પણ જો આ કાવ્યના શબ્દો તમારા હ્રદય પર થોડી ઘણીએ અસર કરી શક્યાં હોય તો વાસ્તવિક જગતમાં તમે માણહ છો ઈ વાત પાક્કી. પછી ભલેને તમારામાં બુદ્ધિ
કે શ્રદ્ધા હોઈ કે ન હોઈ ઈ ની કાઈ પરવા નથી.


http://www.mavjibhai.com/kavita%20files/vaishakhnobapor.htm


Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , | 6 Comments

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૧0)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૧૨૦ થી ૧૨૬ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું. આ સાથે દ્વિતિય નિબંધનો સાર પૂર્ણ થશે. આ નિબંધો વિસ્તારથી વાંચવા માટે પોસ્ટને અંતે આપેલ લિંક પરના સરનામા પરથી આ પુસ્તક મંગાવી શકશો.

૧૨૦. તોલમાપ હોય તેનું મૂલ્ય થાય તે સાચું છે, એટલું એ પણ સાચું છે કે જેનું તોલમાપ હોય છતાં મૂલ્ય નિરર્થક બને એવું તુચ્છ હોય. તેમ જ એ પણ એટલું સાચું છે કે જેનું તોલમાપ ન હોય છતાં મૂલ્ય સર્વાધિક મહત્વનું હોય, એ બહુમૂલ્ય હોય, અને જે મેળવનારના ત્યાગ, સત્ય, પ્રેમ, પ્રામાણિકતા વડે વ્યક્ત થાય.

૧૨૧. સ્થૂળ નાણું એકઠું કરવા માટે જીવાતું સ્વાર્થી જીવન નહીં પણ વ્યાપક ન્યાય માટે સમર્પિત જીવન મૂલ્યવાન છે.

૧૨૨. ન્યાય માટે આગ્રહ સામે નાણાંની સત્તા ચાલતી નથી. ત્યાં ધનસંપત્તિની અધિપત્ય જમાવનરી સત્તા નિષ્ફળ પુરવાર થાય છે.

૧૨૩. અપોષણ ભૂખમરાથી પીડાતા સમાજને બચાવવા માટે ધનપતિ પાસે રહેલ નાણું ધનપતિના હાથમાંથી સરી શકતું નથી, એ સંચિત નાણાંની મર્યાદા છે.

૧૨૪. માણસ પર પ્રભુત્વ બતાવવામાં નાણાંની મર્યાદા ધ્યાન પર લેતાં જણાશે કે પૈસાનો ચળકાટ એ સાચી પ્રભાવશાળી સંપત્તિ નથી. એ સંપત્તિ જો કોઈ છે તો તે સ્વયં માનવજીવન છે, જે સાચી મૂળભૂત સંપત્તિ છે.

૧૨૫. વિશાળ સંખ્યામાં માનવી ભૂખ્યાં, કંગાળ બની જાય, જેથી ધનના ઢગલા વડે તેમના પર અધિકાર ચાલે; તેવી સમૃદ્ધિ માટે મૂડીવાદે, આ અર્થશાસ્ત્રીઓએ વિચાર કર્યો.

૧૨૬. સંપત્તિનો અધિકારવાદી સ્વામિત્વનો ખ્યાલ ભૂલ છે. એ સંપત્તિના ઢગ એક જગ્યાએ બનાવે છે તે સાથે આજુબાજુના સમાજ માટે ગરીબીની ખાઈ સરજે છે. ચારિત્ર્યના ગુણ વડે સમૃદ્ધ જીવન રાષ્ટ્ર માટે સંપત્તિ છે, તે આજનું અર્થશાસ્ત્ર લક્ષ પર લેવાનું ચૂકે છે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

આજનું ચિંતન – મૂલ્યાંકન

મોટાભાગે આપણે અન્ય વ્યક્તિઓનું તેના બાહ્ય દેખાવ, વર્તણુંક, હાવભાવ તથા ચાલ ચલગત પરથી મૂલ્યાંકન કરતાં હોઈએ છીએ. ઈન્ટરનેટ પર અન્ય વ્યક્તિઓને તેના લખાણને આધારે કે તેના ભાવ પ્રતિભાવના આધારે મૂલવતા હોઈએ છીએ. ખરેખર એવું બને કે વ્યક્તિના લખાણો, વિચારો, બાહ્ય દેખાવ, વર્તણુંક કે હાવભાવ કરતાં તે વ્યક્તિ સર્વથા જુદી રીતે જીવતી હોય.

કોઈ પણ વ્યક્તિનું યથાર્થ મૂલ્યાંકન તે કેવી દેખાય છે તેને આધારે નહીં પણ તે કેવી રીતે જીવે છે તેને આધારે થવું જોઈએ.

એક કવિને કે લેખકને તમે વાંચો, સાંભળો અને ખરેખર જીવતા જુઓ તો તેના લખાણ, વાણી અને વ્યવહારમાં ઘણું અંતર હશે. લેખક કે કવિના વિચારો અને તેના જીવનને સર્વથા એકબીજા સાથે સાંકળી ન શકાય.

આત્મકથા જેવા પુસ્તકો હોય તો આપણને લેખકના વિચારો અને જીવનની એકરુપતા મળે. અન્ય લખાણોમાં તો કલ્પનાઓ, આદર્શો, દિવાસ્વપ્નો, આક્રોશ તેમ જાતજાતના ભાવો, વિચારો અને લાગણીઓનો શંભુમેળો હોય કે જે યથાર્થ જીવન સાથે ક્વચિત જ મેળ ખાતો હોય.

કલાકારો, હીરો વગેરનું યે તેવું જ હોય છે. પડદા ઉપર તેઓ જે દૃશ્ય ભજવે છે તેવા ખરેખર વાસ્તવિક જીવનમાં હોતા નથી.

સમાજ પર લખાણો, ફીલ્મો, વિચારો ની ઘણી અસર થતી હોય છે. આપણે તે સમજતા નથી હોતા કે આમાનું મોટાભાગનું વાસ્તવિક રીતે ચરીતાર્થ થાય તેવું હોતું નથી.

જેમણે સ્વનું જીવન ઘડતર કરવું હોય તેણે તો તેવી વ્યક્તિઓના તેવા જીવનચરીત્રો કે આત્મકથા વાંચવી જોઈએ કે જે તેઓ જીવ્યાં હોય તે જ તેમના પુસ્તકોમાં લખાયું હોય.

Categories: ચિંતન | Tags: , | 2 Comments

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૯)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૧૧૫ થી ૧૧૯ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૧૧૫. સંપત્તિ સાથે ભૌતિકવાદી-ઉપયોગિતાવાદી-મૂડીવાદી માનસનું વલણ નુકસાનકારી છે.

૧૧૬. સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજની આર્થિક પાયમાલી સર્જે છે.

૧૧૭. નફો મહત્તમ કરનાર પેઢીની સમતુલાના અર્થશાસ્ત્રીય સિદ્ધાંત રાષ્ટ્ર માટે નુકસાન કરનાર છે. મોંઘુ વેચનાર સસ્તું ખરીદીને નફો કરે તે સંપત્તિ છે એમ આ સિદ્ધાંત શીખવે છે, તે ભૂલ છે.

૧૧૮. સરાસરી ઉત્પાદન ખર્ચ કરતાં બજાર કિંમત નીચી હોય તે રીતે વ્યાપાર વડે સામાજિક નુકસાન-ગેરલાભ સરજાય છે. દરેક વ્યક્તિગત લાભ તેને પેદા કરનાર સામાજિક ખર્ચ વિના સંભવતો નથી. બંનેને સરભર સરખાં કર્યા વિના જે નફો થાય તેમાં માલની સામાજિક નુકસાનની કિંમત ચૂકવાઈ નથી તેથી તે સસ્તો થાય છે. તે જ રીતે સસ્તું ખરીદનાર વ્યાપારી નીચી સરાસરી પડતર કિંમત કરતાં જેટલા પ્રમાણમાં ઊંચી સીમાંત એકમની વેચાણ કિંમત વડે મૂલ્ય વસૂલ કરે અને એમ નફો કરે તેટલા પ્રમાણમાં વ્યક્તિગત લાભ કુલ સામાજિક ખર્ચ કરતાં વધે. તેમાં અસમાનતા પેદા થાય તે સામાજિક ગરીબી બને છે.

૧૧૯. વ્યવસાય કરનાર વ્યક્તિગત લાભ માટે કોઈ પણ સામાજિક લાભનો ઘટાડો કરે નહીં પણ તે સાચવીને અને વધારીને પોતાનો વ્યક્તિગત લાભ મેળવે તો સમાજમાં ન્યાય પ્રવર્તે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

કાગળ, પેન, લેખ અને હું…

Net_Banking_1

મિત્રો,

હમણાં બ્લોગ-જગતમાં બે લેખ ગુજરાતીમાં વાંચ્યાં.

૧. કાગળ, પેન અને લેખ.

૨. કાગળ, પેન અને હું

પહેલા એવી ઈચ્છા હતી કે ગુજરાતી બ્લોગ જગતમાં બે લેખ વાંચ્યા તેમ લખું પણ પછી થયું કે બ્લોગ-જગતમાં બે લેખ ગુજરાતીમાં વાંચ્યા તેમ લખવું વધારે સાચું રહેશે.

સાહિત્યમાં આમ તો મારી ચાંચ ન ડુબે તેથી આવા લેખો બહુ બહુ તો વાંચી શકું. તેની પર વિદ્વતાભરી સમીક્ષા કે હળવા હાસ્ય-કટાક્ષ કરવાનું મારું ગજું નહીં.

બદલાતા જતા સમય સાથે સાધનો બદલાય છે. વળી જુની ટેવો ભુલાતી જાય અને નવા સાધનો પ્રમાણે નવા મહાવરાઓ થતા જાય તે આ લેખના કેન્દ્રવર્તી વિચાર હોઈ શકે તેવું મને લાગ્યું.

બંને લેખના શિર્ષકમાં સામાન્ય ’કાગળ, પેન અને’ છે.

શિર્ષકના અંતે પહેલામાં ’લેખ.’ અને બીજામાં ’હું’ છે.

બંને લેખના વાચકો જુદા જુદા છે, Like કરનારા જુદા જુદા છે.

કાગળ અને પેનની મદદથી પહેલા વિચારો અને લાગણીઓ રજૂ કરાતી, કાગળ અને પેનના યે સમય પહેલા કદાચ પત્થર પર શીલાલેખ કોતરાતા હશે. સમય જતા બધું બદલાઈ ગયું છે. કાગળ અને પેનનું સ્થાન ધીરે ધીરે કોમ્પ્ય઼ુટર અને કી-બોર્ડ લઈ રહ્યાં છે.

બેંકો કહે છે કે હજુ તમે ચેક લખો છો? નેટબેંકીગ શા માટે નહીં?

એક બાજુ રખડતી ગાયો નકામા કાગળના ડુચા ખાવા ધસતી હોય અને બીજી બાજુ કાગળ અને પેન હવે આઉટ ઓફ ડેટ થઈ રહ્યાં હોય તેવે સમયે પણ લાગણીઓ અને વિચારો તેમના અભીવ્યક્તિના માધ્યમો તો શોધી જ લેવાના છે.

માધ્યમ બદલાશે તોયે લેખ તો લખાતા રહેશે.

ઘણું બધુ બદલાતું રહેશે.

લાગે છે કે પથ્થર યુગથી શરુ કરીને આજ પર્યંત કે ભવિષ્યમાં યે ન બદલાય તેવું કોઈ હશે તો તે હશે
માત્ર ને માત્ર

’હું.’

Categories: વાંચન આધારિત | Tags: , , , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૮)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૯૧ થી ૧૧૪ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૯૧ થી ૧૦૫. અસમાનતા અન્યાયપૂર્વક ઠોકી બેસાડીને રાષ્ટ્રને અર્થશાસ્ત્રએ ઈજાગ્રસ્ત બનાવી દીધું છે.

૧૦૬. વર્ગસંઘર્ષનાં મૂળ વ્યાપારી અર્થશાસ્ત્ર સંપત્તિની અસમાનતાથી સર્જે છે.

૧૦૭ થી ૧૧૦. વર્ગસંઘર્ષમાં અન્યની સંપત્તિ પર અધિકાર આપનાર વ્યાપારીના નફાની સંપત્તિ વડે સરજાતી અસમાનતા રહેલી છે. તે રાષ્ટ્રમાં વાસ્તવિક ઉત્પાદન ઘટાડનાર નીવડે છે. એથી કુલ સામાજિક વાસ્તવિક સંપત્તિ ઘટે છે. એ સામાજિક નુકસાન છે અને ન્યાયનો ભંગ છે.

૧૧૧. બીજાને ગરીબ બનાવી ધનવાન બનવાની આજના અર્થશાસ્ત્રની રીત વડે સમાજમાં કુલ સંપત્તિ ઘટે છે. જ્યારે ન્યાયપૂર્વક વર્તન વડે કુલ સંપત્તિ વધે તે આ અર્થશાસ્ત્ર બતાવતું નથી, એ તેની ભૂલ છે.

૧૧૨ થી ૧૧૪. સામાજિક ન્યાયના ભોગે વ્યક્તિગત લાભ રાષ્ટ્રીય હિતમાં નથી.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૭)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૮૪ થી ૯૦ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૮૪. ધનસંગ્રહ વડે અલ્પહસ્તકના વ્યક્તિગત સમૃદ્ધિ અને રાષ્ટ્રની ગરીબીનું શાસ્ત્ર વાણિજ્ય અર્થશાસ્ત્ર છે.

૮૫. અન્યની મજૂરી પર હક્ક ને હુકમની આર્થિક સત્તા એટલે નાણું.

૮૬, ૮૭. સંપત્તિ અન્યના શ્રમ પર હક્ક-જોહુકમી આપી શકે તેમ ન હોય તો તે વાણિજ્ય અર્થશાસ્ત્રના સિદ્ધાંત માટે નકામી છે.

૮૮. તે અર્થશાસ્ત્ર અન્યનાં કામ પર સત્તાની મુન્સફી ચલાવી શકાય તે માટે રાષ્ટ્રમાં જેમ ગરીબ લોકોની સંખ્યા વધુ તેમ તે સારું ગણશે.

૮૯. પાસે પૈસો હોવાથી પૈસાદાર બની જવાતું નથી.

૯૦. રાષ્ટ્ર માટે અસમાનતા હિતમાં છે એમ અર્થશાસ્ત્ર કહે છે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

અનટુ ધિસ લાસ્ટ – ચાલો વાંચીએ (૬)

Un_to_This_Last_1

મિત્રો,

અનટુ ધીસ લાસ્ટમાં અર્થ શાસ્ત્રને લગતાં ચાર નિબંધો છે. દરેક નિબંધમાં ફકરાઓ છે. આ ફકરાઓમાં શું છે તેની સંક્ષિપ્ત સાર-સારણી નિબંધ પૂર્વે આપવામાં આવેલ છે.

નિબંધ – ૨, સંપત્તિની ધોરી નસ

કેન્દ્રવર્તી વિચાર : સુખી સમૃદ્ધ જીવન સંપત્તિની ધોરી નસ છે, તે આ નિબંધનો કેન્દ્રવર્તી વિચાર છે.

તેમાં કુલ ૫૧ ફકરા છે.

આજે આપણે દ્વિતિય નિબંધના સળંગ ક્રમમાં આવતા ૭૬ થી ૮૩ ફકરાનો સાર પુસ્તકમાંથી અક્ષરશ: વાંચશું.

૭૬ થી ૭૯ : વાણિજ્ય અર્થશાસ્ત્રના નિયમો અર્થશાસ્ત્રને સંપત્તિના શાસ્ત્ર તરીકે ઓળખાવીને ન્યાય અને નીતિ સાથે સંબંધરહિત, મનોવૈજ્ઞાનિક તથ્ય વિના રજૂ કરે છે.

૮૦ : અર્થશાસ્ત્રની ધનવાન બનવાની કલા બીજાને ગરીબ બનાવી રાખનાર નીવડે છે.

૮૧ : સમાજ જેમ વધુ ને વધુ ગરીબ બને તેમ ધનવાનની સંપત્તિનું મૂલ્ય વધુ થાય. અને આવી સંપત્તિ કારખાનેદાર માલિકનો અલ્પ સંખ્ય સમુદાય આખા રાષ્ટ્રના સમાજને ભોગે કેમ એકઠી કરી શકે, તે વાણિજ્ય અર્થશાસ્ત્ર શીખવે છે.

૮૨ : રાષ્ટ્ર માટે રાજનૈતિક અને વ્યક્તિ માટે વાણિજ્ય-વેપાર વિશેનાં બે અલગ ક્ષેત્ર ધરાવનાર અર્થશાસ્ત્રમાં ભેદ છે.

૮૩ : રાષ્ટ્રીય સુખાકારીનાં હિતનું શાસ્ત્ર રાજનૈતિક અર્થશાસ્ત્ર છે.


પુસ્તક પ્રાપ્તિ માટે નેટ ગુર્જરી પરની પોસ્ટ વાંચો.


Categories: વાંચન | Tags: , , | Leave a comment

સજ્જનમીટર કેવી રીતે બનાવશો?

મિત્રો,

શું તમે સજ્જન છો? તે પોસ્ટમાં આપણે સજ્જનમીટર વીશે વાત કરેલી. તેમાં કેવા કેવા પ્રશ્નો અને કેવા કેવા ઉત્તરો આપી શકાય તેને વીશે થોડી પૂર્વભુમિકા બાંધેલી. શ્રી અશોકભાઈએ આમાં વિકલ્પોને ભારાંક આપવાનું સૂચન કર્યું છે. સજ્જનમીટર દરેકે પોત પોતાનું બનાવવાનું છે. મારું સજ્જનમીટર તમને નહીં માપે અને તમારું સજ્જનમીટર મને નહીં માપે. જે વ્યક્તિ જે પ્રકારનું જીવન જીવતા હોય કે કાર્ય પદ્ધતિ ધરાવતા હોય તે પ્રમાણે સજ્જનમીટર બનાવવું જોઈએ.

સજ્જનમીટરમાં બે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ.

૧. કેવી કેવી બાબતોથી ધીક્કાર જન્મતો હોય છે.
૨. કેવી કેવી બાબતોથી વિસંગતતા જન્મતી હોય છે.

જેટલી જેટલી બાબતોએ આપણાં મનમાં ધિક્કાર જન્મતો હોય તેટલી બાબતોને નોંધીને તેના પ્રશ્નો બનાવો આ ઉપરાંત જેટલી જેટલી બાબતે સમાજમાં વિસંગતતા ફેલાતી જણાય તેવા પ્રશ્નો બનાવો.

આ પ્રશ્નોના શક્ય તેટલા વિકલ્પ આપો.

ઉત્તમ અથવા તો આદર્શ વિકલ્પને ૧ અને અન્ય દરેક વિકલ્પને ૦ ગુણ આપો.

૫, ૧૦, ૨૦, ૨૫, ૫૦ કે ૧૦૦ પ્રશ્નો રાખો.

પ્રત્યેક પ્રશ્નને ૧૦૦/પ્રશ્નોની સંખ્યા જેટલો ભારાંક આપો.

કુલ જેટલા ગુણ મળ્યાં હોય તેને ભારાંક વડે ગુણો.

જે જવાબ મળશે તે સજ્જનઆંક થશે.

જેટલા પ્રશ્નમાં ૦ ગુણ મળે તે ગુણ વધારવાનો પ્રયાસ કરવાનો છે.

આ ઉપરાંત નવા નવા પ્રશ્નો સમયાંતરે ઉમેરતા રહો.

સજ્જનમીટરમાં દર અઠવાડીએ સ્વ-મૂલ્યાંકન કરો.

જ્યારે સજ્જનઆંક ૧૦૦ થઈ જાય ત્યારે નવા વધારે જટીલ પ્રશ્નો ઉમેરીને સજ્જનમીટર અપડેટ કરો.

સ્વ-મૂલ્યાંકન કરવાનું હોવાથી પ્રશ્નોના જવાબ પ્રામાણીકતાથી સાચા આપો. તેને લીધે જે તે બાબતે ઉત્પન્ન થતો ધિક્કાર દૂર કરવામાં મદદ મળશે અન્યને જોવાના દૃષ્ટીકોણમાં સુધારો થશે.

જેમ જેમ સજ્જન આંક વધતો જશે તેમ તેમ આપણું મન ઘૃણારહિત થતું જશે અને અન્ય સજીવો પ્રત્યે આત્મિયતા વધતી જશે. આમ અંત:કરણ શુદ્ધ થવાથી પ્રસન્નતા પ્રાપ્ત થશે.

તો બોલો.. ક્યારે તમારું સજ્જનમીટર બનાવો છો?

Categories: કેળવણી, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, વ્યક્તિત્વ વિકાસ, શિક્ષણ | Tags: , | Leave a comment

શું તમે સજ્જન છો?

શું સુર્ય કદી કોઈને ય પ્રકાશ આપવાનો ઈન્કાર કરે?

શું નદી કોઈને ય તેનુ જળ આપવાનો ઈન્કાર કરે ખરી?

શું હવા કદી કહે કે ખબરદાર જો મારામાંથી પ્રાણવાયું શ્વસ્યો છે તો?

પૃથ્વી કોઈને કહે છે કે હું આશરો નહીં આપુ?

શું આકાશ કદી કોઈને ય અવકાશ ન આપે તેવું બને ખરું?

ભેદભાવ અને માલીકી ભાવ સહુથી વધુ કોનામાં છે?

આદીવાસી અને જંગલી પ્રજાઓમાં કે પ્રાણીઓમા?

ના તે તો માત્ર તેમના પ્રાકૃતિક સ્વભાવ પ્રમાણે કુદરતી જીવન ગાળે છે.

માણસ ને માણસથી સહુથી વધુ વિભાજીત કરનારું તત્વ હોય તો તે છે બુદ્ધિ. જેમ માણસ વધારે બુદ્ધિશાળી તેમ તે અન્યનું હિત કે અહિત વધારે કરી શકે. આ જગતનું વધારેમાં વધારે હિત બૌદ્ધિકોએ કર્યુ છે અને સાથો સાથ આ જગતની સર્વ વિસંવાદીતાના મુળમાંયે બૌદ્ધિકોનો ફાળો રહ્યો છે.

આદીવાસી તીર કામઠાંથી એક બે પ્રાણીઓનો શીકાર કરશે જ્યારે બુદ્ધિશાળી દેશો વૈજ્ઞાનિકોની મજુરીથી વિઘાતક શસ્ત્રો દ્વારા અન્ય દેશો પર દાદાગીરી કરશે.

અન્યનું અને સ્વનું અહીત કરનારી એક બીજી ખતરનાક વૃત્તિનું નામ છે ધીક્કાર અથવા તો ધૃણા. જગતની સર્વ વિસંવાદીતાના મુળમાં એક તો સંત્તા અને સંપત્તિની પ્રાપ્તિ કે માલિકી ભાવનાનો ફાળો છે અને એટલો જ ફાળો છે અન્ય પ્રત્યે ધૃણા કે ધીક્કારમાં.

ધૃણા કે ધીક્કારના મુળ ધાર્મિક માન્યતાઓ, પૂર્વગ્રહો અને અન્ય સજીવો પ્રત્યે સંવેદન તથા સંવાદીતાના અભાવમાં રહેલાં છે.

સજ્જન તે છે કે જે સર્જનહારની કોઈ પણ કૃતિને ધીક્કારતો નથી કે નથી કોઈની ધૃણા કરતો. જેમ જેમ જગતમાં ધૃણારહિત સજ્જનો વધતા જશે તેમ તેમ જગતમાં સંવાદીતા આવશે અને આનું આ જગત વધારે જીવવા લાયક બનશે. આ જગતમાં સજ્જન વધારવાનો એક જ ઉપાય છે કે જાતે સજ્જન બનવું. સજ્જનતા માપવાનું સજ્જનમીટર તે છે કે તમે કેટલાં ધૃણા રહિત છો તે ચકાસતા રહેવુ. જેટલા તમે ધૃણારહિત તેટલા તમે વધારે સજ્જન.

થોડાક પ્રશ્નના જવાબ તમારી મેળે આપીને ચકાસી લ્યો કે તમે કેટલા સજ્જન છો?

સવાલ ૧. જો તમે પુરુષ હો તો સ્ત્રીઓને કેવી ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતી ક.ચડીયાતી

અથવા

સવાલ ૧. જો તમે સ્ત્રી હો તો પુરુષને તમારા કરતા કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ઉતરતો ક.ચડીયાતો

સવાલ ૨. તમે જે ધર્મમાં જન્મ લીધો છે તે અથવા તો તમે જે અપનાવ્યો છે તે ધર્મને અન્ય ધર્મ કરતાં કેવો ગણો છો?
વિકલ્પ : અ.સમાન બ.ચડીયાતો ક.ઉતરતો ડ. ધર્મ સાથે મારે કશા લેવા દેવા નથી

સવાલ ૩. જો તમે શીક્ષિત હો તો તમે અશીક્ષીત ને કેવા ગણો છો?
વિકલ્પ : અ.જંગલી ૨.અસભ્ય ૩.સમાન ૪.ચડીયાતા ૫.બીચારા ૬.મુર્ખ ૭.અન્ય

સવાલ ૪. જો તમે અશીક્ષીત હો તો શીક્ષીતને કેવા ગણો છો?
વિકલ્પ: અ.સાહેબ બ.મોટા માણસ ૩.બદમાશ ૪.માન આપવા લાયક ૫.તેનો ડર લાગે તેવા ૬.અન્ય

સવાલ ૫. તમે જે દેશમાં રહો છો તે દેશ સીવાયના અન્ય દેશોના નાગરીકોને કેવા ગણો છો?
વિકલ્પ: અ.ચડીયાતા બ.ઉતરતા. ક.કેટલાક દેશોના ચડીયાતા ને કેટલાક ઉતરતા ડ.અન્ય

સવાલ ૬. તમારી સીવાયના અન્ય મનુષ્યોને તમે કેટલુ મહ્ત્વ આપો છો?
વિકલ્પ: અ.તમારા જેટલું બ.તમારાથી વધારે ક.તમારાથી ઓછું ડ.સંજોગો પ્રમાણે વધારે ઓછું

સવાલ ૭. તમે તમારાથી અલગ મત ધરાવનારા પ્રત્યે કેવો ભાવ રાખો છો?
વિકલ્પ: અ.દુશ્મનાવટનો બ.મિત્રતાનો ક.તટસ્થ ડ.કહી ન શકાય

આ તો માત્ર થોડા પ્રશ્નો છે. વિકલ્પ પણ થોડા છે. આવા પ્રશ્નો જાતે બનાવીને તેના જવાબો ચકાસી જોજો. મુલ્યાંકન પણ તમારી જાતે જ કરજો અને સજ્જનમીટરમાં તમારો આંક કેટલો છે તે જાતે માપજો. આ આંક ૪૦ થી ૬૦ આવે તો તમે મનુષ્ય છો. ૪૦ થી ઓછો આવે તો પશુતુલ્ય છો. ૬૦થી વધારે આવે તો સજ્જન છો. ૮૦ થી વધારે આવે તો મહાત્મા છો અને ૧૦૦ આવે તો ખોટાબોલા છો… 🙂

Categories: અવનવું, ચિંતન, પ્રશ્નાર્થ, વાતચીત, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, હાસ્ય | Tags: , | 7 Comments

Create a free website or blog at WordPress.com.