મિત્રો,
લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ ધર્મમાં માનતી હોય છે. આ ઉપરાંત જુદી જુદી વ્યક્તિઓને જુદા જુદા લોકો આદર્શ લાગતા હોય છે. પ્રત્યેક વ્યક્તિ કાઈ ને કાઈ માન્યતા ધરાવતી હોય છે.
જે ધર્મમાં માનતા હો તેના આદર્શો અને નીતીઓ જીવનમાં આચરણમાં મુકાવા જોઈએ કે તેને માટે ઝગડો કરવો જોઈએ? ધારોકે હું ભગવદગીતાને આદર્શ આધ્યાત્મિક પુસ્તક ગણતો હોઉ તો મારે તેના સિદ્ધાંતો મારા જીવનમાં અમલમાં મુકવા જોઈએ કે કોઈ ભગવદગીતાને વખોડે તો તેની સાથે લડાઈ શરુ કરવી જોઈએ? ભગવદ ગીતાના સિદ્ધાંતોમાં સામર્થ્ય હશે તો તે પોતાની મેળે જ પોતાનો માર્ગ મેળવી લેવાના છે તેને માટે મારે તેનો ઝનુન પૂર્વક પ્રચાર કરવાનીયે આવશ્યકતા ન હોવી જોઈએ. તેવી રીતે બીજી વ્યક્તિ ઈસુ ખ્રીસ્તમાં માનતી હોય કે મહંમદ સાહેબ, મહાવીર સ્વામી કે ગૌતમ બુદ્ધ કે અન્ય મહાપુરુષના સિદ્ધાંતોમાં માનતી હોય તો તે સિદ્ધાંતો તેમણે તેમના જીવનમાં ઉતારવા જોઈએ કે તેને માટે વાદ-વિવાદ કરવા જોઈએ?
લોકો ઘણી વ્યક્તિને તેમના આદર્શ માનતી હોય છે. જેમ કે કોઈ સ્વામી વિવેકાનંદને, કોઈ કાર્લ માર્ક્સને, કોઈ ગાંધીજીને, કોઈ બક્ષી બાબુને, કોઈ રામકૃષ્ણ પરમહંસને, કોઈ અમીતાભ બચ્ચનને વગેરે. જેમને આદર્શ માને તેમના વિચારો અને આદર્શો તેમના જીવનમાં ઉતારવા જોઈએ કે તેના કોઈ વખાણ કરે તો ફુલાવું જોઈએ અને કોઈ વખોડે તો જાણે બાપે માર્યા વેર હોય તેમ ટંટા ફીસાદ શરુ કરવા જોઈએ?
દરેક વ્યક્તિ કશીક વિચારસરણીમાં માન્યતા ધરાવતી હોય છે. જેમ કે કોઈ સમાજવાદી હોય, કોઈ રેશનાલીસ્ટ હોય, કોઈ ઈશ્વરમાં માનતું હોય, કોઈ ઈશ્વરમાં ન માનતુ હોય, કોઈક પ્રકૃતિના પૂજક હોય, કોઈ સૌંદર્યનાપૂજક હોય, કોઈ વૈજ્ઞાનિક અભીગમ ધરાવતા હોય, કોઈ ધાર્મિક અભીગમ ધરાવતા હોય, કોઈ ભૌતિક્વાદી હોય, કોઈ અધ્યાત્મવાદી હોય વગેરે વગેરે. હવે જેમાં જે માનતું હોય તેવી માન્યતાને અનુરુપ તેમનું જીવન ઘડે તો કશો વાંધો નહીં પણ હું જ સાચો અને બીજા બધા ખોટા કે અધૂરા તેવા દાવા દલીલો કરવાની શું જરુર હશે?
સાહિત્ય ક્ષેત્રે જરા નહીં પણ સંપૂર્ણપણે હટકે લખનાર હોવાની છાપ ધરાવતાં બક્ષી બાબુને શ્રદ્ધાંજલી…