એક વખત શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના કોઈ ગૃહસ્થ ભક્તે કહ્યું કે તમે તો આખો વખત ઈશ્વર સ્મરણમાં રત રહી શકો પણ અમે તો સંસારી છીએ. સંસારના કેટલાયે કામ કરવાના હોય તેમાં ઈશ્વર ચિંતન કેવી રીતે કરીએ?
શ્રી રામકૃષ્ણ સહમત થતાં કહેવા લાગ્યા કે ગૃહસ્થો ઉપર ઘણી મોટી જવાબદારીઓ હોય છે તેમ છતાં તેઓ ધારે તો ઈશ્વર ચિંતન કરી શકે. થોડા ઉદાહરણો આપતાં તેમણે કહ્યું કે :
તમે શાક બકાલું વેચતી સ્ત્રીને જોઈ છે? તે ઘરાક સાથે ભાવતાલ કરતી જાય, શાક તોળતી જાય અને ખોળામાં છોકરાંને સુવરાવીને ધવરાવતીયે જાય. આ બધા કાર્યમાં ધ્યાન આપતી વખતે તેનું મુખ્ય ધ્યાન તો છોકરામાં જ હોય.
તમે ગામડામાં બેડા લઈને પાણી ભરવા જતી સ્ત્રીઓને જોઈ છે? તે માથા પર બેડા ભરીને પાણી લઈને આવતી હોય, સાથે સાથે બીજી સ્ત્રીઓ સાથે અલક મલકની વાતોએ કરતી જતી હોય પણ તેનું સમગ્ર ચિત્ત માથા પરથી બેડું સરી ન પડે તેમાં જ લાગેલું હોય.
તમે ખાંડણીયામાં અનાજ ખાંડતી સ્ત્રીઓને જોઈ છે? તે એક હાથે અનાજ ઓરતી જાય અને બીજા હાથે સાંબેલાથી ખાંડતી જાય, વચ્ચે વચ્ચે સુચનાઓ દેતી જાય. તેનું સમગ્ર ધ્યાન સાંબેલુ હાથ પર વાગી ન જાય તેમાં જ લાગેલું હોય.
આ રીતે સંસારમાં રહીને ય સંસારના દરેક કાર્ય કરતી વખતે જો મન ઈશ્વર ચિંતનમાં જ લાગેલું રહે તો સંસારમાં રહીને ય ઈશ્વર ભજન થઈ શકે. નહીં તો સંસારમાં રહીને ઈશ્વર ભજન કરવું બહુ કઠણ.
સાધનામાં તમે કેવી રીતે સાધના કરો છો તે મહત્વનું નથી પણ તમારું મન કેટલા ટકા સાધન પરત્વે રાખી શકો છો તે જ મહત્વનું છે.
એકદમ સત્ય હકિકત, આપણુ મન ધારે તો બધું જ શક્ય છે.