પ્યારા ગુજરાતીઓ,
કુંભમાં સ્નાન કરવુ હોય તે ભલે કરે.
સરોવરમાં માછલાં પકડવા હોય તે ભલે પકડે.
અરે ભાઈ વેલણ ટાઈટ દિવસે ગૃહિણીઓ વેલણ ટાઈટ કરીને પતિદેવોને સીધા દોર રાખે તો ભલે રાખે.
નવલોહીયા યુવાનો અને લેખકો ભલે વેલેન્ટાઈન ડે નીમીત્તે જીન્સના આવેગોને ધસમસતા રાખે.
ટુંકમાં જેને જેમ કરવું હોય તેમ ભલે કરે છેવટે તો બધા આનંદ કરવા આવ્યા છે ને? તો ભલેને સહુ કોઈ તેમની મતિ પ્રમાણે આનંદ કરતાં. અલબત્ત કોઈને નુકશાન પહોંચાડ્યા વગર સ્તો.
અમે તો વસંતોત્સવ મનાવશું.
લ્યો ત્યારે સહુને વસંતના વધામણાં.
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ધરતી માં ની લાડકડીની થઇ ચોમેર વધાઇ
કરિયાવરના લીલા પટોળા રહ્યા બધે પથરાઇ
પંખીડાની સ્વાગત રાગે ગુંજી ઉઠી શરણાઇ
ટહુકે કોયલ સૂર લગાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ભીક્ષા યાચે ફુલડે ફુલડે ફરીને ભમરો ન્યારો
પાંખે વાગે ભિખારી કેરો ગુન ગુન ગુન એકતારો
દેતી જ્યાં ત્યાં પાનપાનમાં મસ્તીનો તડકારો
એવું દાન અનેરું લાવી,
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
મધુર એને પગલે પગલે ગુંજે રુમઝુમ ભાષા
સુણી સુતેલા અંતર જાગે છુપી અનોખી આશા
સર્જનહાર ઉમંગે આજે રંગીન રચે તમાશા
નાચે છે નટરાજ નચાવી
ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે…
ગરબો લેતા ઘમ્મર ઘુમે રાત દિવસ રઢિયાળા
વર્ષ તણી પટરાણી કાજે સુંદર ગુંથે માળા
જીવન સાગરમાં છલકાતા રસના ધોધ રૂપાળા
આજ નિરંતર ઉર બહાવી
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે..
આનંદ કેરી લહેરે જાણે હસી ઉઠ્યો કિરતાર
વેર્યાં ફુલડાં અપરંપાર
ઘેલી વસંત આવી રે.. ઘેલી વસંત આવી રે…
શબ્દ સૌજન્ય: મધુવન