નબળી પાચન શક્તિ ધરાવતા અતુલભાઈ જેવા મિત્રોનો આક્રોશ એટલો બધો જલદ હશે કે સ્નેહભાવે મિત્રોને મારા વિષે ચિંતા ઉપજી હશે એવું લાગે છે..
આદરણીય બાપુ,
આમ તો વ્હાલને કારણે આપને બાપુ કહીને બોલાવું છું તેવું નથી. નાનપણથી બાપુઓ સાથે રહ્યો છું એટલે બાપુને કેમ ઘણી ખમ્મા કરવી તે શીખ્યો છું. આ તો તમે છેક દૂર બેઠા છો એટલે વળી કાઈક કહેવાની હિંમત કરી શકાય. બાકી તો મારું ઘરમાં કવિતા આગળ પણ કાઈ નથી ચાલતું તો આપ જેવા મહાનુભાવો પાસે તો શું ગજુ?
જ્યારે રાષ્ટ્ર સ્તરે ધૃણાસ્પદ બળાત્કાર વિશે તીવ્ર આક્રોશ વ્યાપી ગયો હોય તેવે વખતે બળાત્કાર અને મહાનુભાવોને જોડવાની વાત હું પચાવી નથી શક્યો તે હકીકત છે. મારી નબળી પાચન શક્તિ માટે ક્ષમા પ્રાર્થું છું.
આપે લસણની ગંધ વિશે લેખ લખેલો ત્યારે મેં આપના બ્લોગ પર કોમેન્ટ લખેલી કે “લસણની ગંધથી સ્ત્રીઓ આકર્ષાઈ ન જાય એટલે કદાચ સાધુ સંતો લસણ નહીં ખાતા હોય. ડુંગળી લસણમાં ઘણા ઔષધિય ગુણો હોય છે. અમે તો ઘરમાં છૂટથી ડુંગળી લસણનો ઉપયોગ કરીએ છીએ.”
હવે આવી સામાન્ય કોમેન્ટને પણ આપ જેવા મહાનુભાવ પચાવી શક્યાં ન હતા અને તે કોમેન્ટ દૂર કરી દીધેલી તો મારી જેવા નબળી પાચન શક્તિ ધરાવતા લોકો આપના આવા ઉમદા વિચારો (બળાત્કારના લેખ વિષેના) કઈ રીતે પચાવી શકે?
આપનો લેખ વાંચ્યા પછી અપચો થવાને લીધે મને તાત્કાલિક ઝાડા ઉલટીની અસર થયેલી. મને આવી ગંભીર બીમારીમાં ક્ષણવારમાં પટકાયેલો જોઈને શ્રી જુ.ભાઈને ખોરાક (આપના લેખ)માં કશીક ગરબડ છે તેમ લાગ્યું હશે તેથી તેમણે આપના લેખની ઉલટ તપાસ કરી. અશોક ભાઈએ તો આપના લેખનો ફકરે ફકરો તપાસીને જાહેર કર્યું છે કે લેખમાં ગરબડ નથી પણ સંપૂર્ણપણે ગરબડથી જ રચાયેલ લેખ છે.
ફરી પાછી મારી નબળી પાચન શક્તિ માટે ક્ષમા માંગીને વિરમું છું.