મહાપુરુષોને સત્ય પ્રાપ્ત થાય અને જીજ્ઞાસુઓને કે જેમને જાણવામાં રસ હોય તેમને શીખવે તો શીખવવાનો અને શીખવાનો બંનેને આનંદ થાય. ગમે તેવું સત્ય હોય પણ જો જીજ્ઞાસા ન હોય અને પરાણે શીખવવામાં આવે તો તે કહેનારને કે સાંભળનારને કોઈને ય માટે લાભપ્રદ નથી થતું.
શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપ્યાં પછી કહે છે કે જે કોઈ મારો ભક્ત હોય અને જ્ઞાનની જીજ્ઞાસા વાળો હોય તેને જો તું આ રહસ્ય કહેશે તો તેનું કલ્યાણ થશે પણ જે કોઈ મારો નિંદક હોય અને આ વાત સાંભળવા ન ઈચ્છતો હોય તેને તું આ જ્ઞાન કહીશ નહીં.
આ એક મનોવૈજ્ઞાનિક સત્ય છે કે જો જાણવાની ઈચ્છા ન હોય તો કહેવામાં આવેલી વાત ગમે તેટલી ઉપયોગી હોય તો યે તેનો કશો અર્થ સરતો નથી પણ જો જીજ્ઞાસા હોય તો યોગ્ય અનુભવીએ આપેલ માર્ગદર્શન ઉપયોગી થાય છે.