Daily Archives: 10/12/2012

અધકચરા વિચારો

* જગત ઉપર કાબુ મેળવવા જેટલું સામર્થ્ય આપણે ધરાવતા નથી હોતા તે સાચું છે તેમ છતાં સ્વ-નિયંત્રણ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ હોય તો યે શક્ય છે માત્ર તે માટેનો પુરુષાર્થ અને ઈચ્છાશક્તિ હોવા જોઈએ.

* આપણે સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન નથી તે વાત સાચી છે તોયે અલ્પજ્ઞ અને અલ્પ શક્તિમાન છીએ તે વાત પણ એટલી જ સાચી છે. અલ્પ હોવા છતાં શક્તિનો અને જ્ઞાનનો સ્ત્રોત જ્યાંથી ઉદભવે છે તે સ્થાન સુધી જઈ શકીએ તો આપણે આપણાં મુળ સ્વરુપને અનુભવી શકીએ.

* જીવ માત્રનું ધ્યેય નીરતીશય આનંદની પ્રાપ્તિ તથા દુ:ખની આત્યંતીક નિવૃત્તિ હોય છે. આ ધ્યેયને પ્રાપ્ત કરવા તે આજીવન મથે છે. ભાગ્યે જ કોઈક ધ્યેય સુધી પહોંચે છે મોટા ભાગનાની યાત્રા અધવચ્ચે સમાપ્ત થઈ જાય છે.

* જિંદગી એક એવી લાંબી મેરેથોન દોડ છે કે જે દોડનો આરંભ સહુ કોઈ કરે છે પણ લગભગ બધા અંત સુધી પહોંચતા પહેલા જ દમ તોડી દે છે.

* શ્વાસ બાકી હોય અને ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય તે મુક્ત છે. ઈચ્છાઓ બાકી હોય અને શ્વાસ પુરા થઈ જાય તે બદ્ધ છે. મુક્તને ફરી પાછુ જગત રુપી ક્રીડાંગણમાં આવવું હોય તો તે સ્વેચ્છાએ મુક્ત રહીને આવી શકે છે. બદ્ધને પરાધીનપણે ફરી પાછું જગતરુપી મંચ પર અવતરવું પડે છે.

* જન્મથી લઈને મૃત્યું સુધી જીવ માત્રને પરાધીનતા અનુભવવી પડે છે. જન્મ લેવાનું કાર્ય યે જો આપણે સ્વતંત્રપણે ન કરી શકતાં હોઈએ તો બીજી વળી કેટલીક બાબતોમાં આપણે સ્વતંત્ર હઈશું?

* માણસ પોતાનું અભીમાન છોડે તો અડધા દુ:ખો તત્ક્ષણ મટી જાય.

Categories: ચિંતન | Leave a comment

Create a free website or blog at WordPress.com.