વાંચન – વિચારોનું ઈનપુટ
લેખન – વિચારોનું આઊટપુટ
ચિંતન – કોઈ એક વિષય પર વિશેષ વિચારણા
મનન – ફરી ફરીને તેના તે વિચારને વાગોળવો
નિદિધ્યાસન – ચોક્કસ વિચાર સાથે એકરુપ થઈ જવું
અનુભવ – આપણી સાથે ઘટેલી ઘટના
સમાચાર – અન્ય સ્થળે અન્ય લોકો સાથે ઘટેલી ઘટનાની માહિતિ
માન્યતા – આ પ્રમાણે બનશે કે બને છે તેવી ધારણા
હકિકત – આ પ્રમાણે બન્યુ તેવો અનુભવ
એકનો અનુભવ બીજા માટે માન્યતા છે. કોઈ પણ માન્યતાને સ્વાનુભવ દ્વારા પુષ્ટિ ન મળે ત્યાં સુધી તેને હકિકત કહી ન શકાય.
તેમ છતાં
કેટલાક સંજોગોમાં બીજાના અનુભવને પ્રમાણ માનવામાં ડહાપણ રહેલું છે. જેમ કે અગ્નિને અડવાથી કોઈ દાઝી ગયું છે તે સમાચાર મળ્યાં તેથી માન્યતા બંધાણી કે અગ્નિને અડવાથી દાઝી જવાય. આ માન્યતાને હકિકતમાં બદલવાની જરુર ખરી?
કેટલાક સંજોગોમાં બીજાના અનુભવને હકિકત બનાવવાનો પુરુષાર્થ કરવા જેવો હોય છે. જેમ કે કોઈ વ્યક્તિ ધ્યાન દ્વારા સર્વોચ્ચ આનંદ પ્રાપ્ત કરે છે તો તેનો અનુભવ આપણે માટે માન્યતા છે કે ધ્યાનની પરિપક્વ અવસ્થામાં સર્વોચ્ચ આનંદ મળે છે. જ્યાં સુધી આ માન્યતાને આપણે હકિકતમાં ન બદલીએ ત્યાં સુધી માત્ર માન્યતાથી સર્વોચ્ચ આનંદ ન મળે. જેઓ સર્વોચ્ચ આનંદ મેળવવા ઈચ્છે છે તેમને માટે આ માન્યતાને હકિકતમાં બદલવાનો પુરુષાર્થ આવશ્યક છે.
કહેવાનું તાત્પર્ય તે છે કે કઈ માન્યતાને હકિકતમાં બદલવા માટે પુરુષાર્થ કરવો અને કઈ માન્યતાને હકિકતમાં ન બદલવા પુરુષાર્થ કરવો તેને માટે વિવેકબુદ્ધિની આવશ્યકતા છે.
“જેવી વિવેકબુદ્ધિ તેવો પુરુષાર્થ” શું આવું સુત્ર આપી શકાય?