સૂત્ર ૧૩ : જેવી રીતે નબળી છતમાંથી વરસાદનું પાણી ઘરમાં પ્રવેશી જાય છે તેવી રીતે અવિકસિત મનમાં ઉત્તેજના પ્રવેશી જાય છે.
સૂત્ર ૧૪ : જેવી રીતે મજબૂત છતમાંથી વરસાદનું પાણી ઘરમાં પ્રવેશી શકતું નથી તેવી રીતે સુવિકસિત મનમાં ઉત્તેજના પ્રવેશી શકતી નથી.
એક દંપતિનો એકનો એક પુત્ર વિદેશ ભણવા ગયો. ત્યાં કશાક તોફાનોમાં તેની હત્યા થઈ ગઈ. હત્યા થઈ તે સમયે તેમના ઘરે તેમનો એક કૌંટુબિક મિત્ર મળવા આવ્યો હતો. તેઓ ખુબ આનંદ વ્યક્ત કરતાં કહેતા હતા કે અમારો પુત્ર વિદેશમાં ભણવા ગયો છે. આવી આનંદપૂર્વક જ્યારે વાત કરી રહ્યાં હતા તે વખતે તેમનો પુત્ર અંતિમ ઘડી ગણી રહ્યો હતો પણ તેઓ તે વાતથી અજાણ હતાં. બીજે દિવસે જ્યારે સમાચાર મળ્યાં ત્યારે તેઓ શોકમગ્ન થઈ ગયાં.
કહેવાનું તાત્પર્ય તે છે કે ઘટના ઘટવાથી મન પર કોઈ અસર થતી નથી પરંતુ કોઈ પણ ઘટનાનું મન જ્યારે વિશ્લેષણ કરે છે ત્યારે તેની પર અસર થશે. જેમણે મનને કેળવ્યું હશે તેઓ પ્રત્યેક પરિસ્થિતિમાં સમ રહી શકે પણ જેમણે મનને કેળવ્યું નહીં હોય તે બાહ્ય જગતમાં ઘટતી ઘટનાને આધારે મનમાં વારંવાર ઉત્તેજના અનુભવશે.
ધારોકે જુદા જુદા બ્લોગરોએ જુદા જુદા સમયે બ્લોગ પર પોસ્ટ મુકી. જે સમયે પોસ્ટ મુકાશે તે સમયે વાચકના મનમાં કશી ઉત્તેજના નહીં થાય પરંતુ જે સમયે વાચક પોસ્ટ વાંચશે અને પોસ્ટના વિષય પર વિચાર કરશે તે સમયે તેના મનમાં રાસાયણિક પ્રક્રીયા થશે. કાં તો તે Like પર ક્લિક કરશે, ક્યારેક ઉત્સાહમાં આવીને પ્રતિભાવ આપશે, ક્યારેક વિચારો સાથે અસહમત હશે તો તીખી પ્રતિક્રીયા આપશે. આમ જે નબળા મનના વાચક છે તેમના મન જુદી જુદી પોસ્ટ વાંચીને અનેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા અનુભવશે પણ જે સબળ વાચક છે જેણે મનને કેળવ્યું છે તે પોસ્ટનો ગહનતાથી અભ્યાસ કરશે. તેના વિષય વસ્તુને સમજશે તેમાંથી સાર ગ્રહણ કરશે અને વધારાનો કચરો ફેંકી દેશે. જરુર લાગશે તો સ્વસ્થ ચિત્તે તેનો મત રજૂ કરશે.
આમ મહત્વની વાત મનને ઘડવાની છે.