પાંચમુ સૂત્ર ઘણું જાણીતું છે : વેરથી ક્યારેય વેર શમતું નથી. અવેર થી વેર શમે છે. આ સનાતન કાયદો છે.
આપણે જોઈએ છીએ કે કેટલાક કુટુંબોમાં પેઢીઓથી વેર ચાલતું હોય છે. કેટલાક દેશો વર્ષોથી એકેબીજા પ્રત્યે દ્વેષ રાખીને યુદ્ધ કરતાં હોય છે. વેરનો બદલો લેવાથી વેર શમવાને બદલે વધે છે. કેટલીક કંપનીઓ પરંપરાગત હરીફ હોય છે. કેટલાક બ્લોગરોએ આવો નિષ્કારણ વેરભાવ ધરાવતા હોય છે. આસ્તિકો અને નાસ્તિકો વચ્ચે વૈચારિક વૈરભાવ કે યુદ્ધ જોવા મળતા હોય છે. એક બીજાની માન્યતાનું ખંડન કરવાથી, એકબીજાને પરાસ્ત કરવાથી, અન્યને ઈજા પહોંચાડવાથી કે અન્ય પર વિજય પ્રાપ્ત કરવાથી વેર શમતું નથી પણ આગળ વધે છે. જ્યારે ધિક્કારને શમાવી દેવામાં આવે ત્યારે જ વેરનો અંત આવે છે.
શમે ના વેરથી વેર, ટળે ના પાપથી પાપ
ઔષધ સર્વ દુ:ખોનું, મૈત્રીભાવ સનાતન