Daily Archives: 24/10/2012

બીજા લોકોના વ્યવહારને કેટલુંક મહત્વ આપવું જોઈએ?

ગઈ કાલે આપણે ધમ્મપદના પ્રથમ બે સૂત્રો વિશે જોયું. શ્રી રાજેશભાઈએ સુચવ્યું કે પરમાત્માને માનવાથી અને તેમની સર્વશક્તિમત્તા સ્વીકારવાથી તથા તેમને આપણાં માતા પિતા માનવાથી સમસ્યા ઉકેલાશે.

જે પરમાત્મા મનસાગોચર હોય તેનો બુદ્ધિ વડે સ્વીકાર કેવી રીતે થઈ શકે? પરમાત્મા આપણી સમક્ષ પ્રગટ થઈને કશું કહેતા નથી અને પ્રગટ થઈને કહે તો આપણી બુદ્ધિ તેમને પરમાત્મા તરીકે સ્વીકારવા તૈયાર નથી થતી.

શ્રી દિપકભાઈ કહે છે કે જે પોતે ખાડામાં પડ્યો હોય તે બીજાને શી રીતે ખાડામાંથી બહાર કાઢી શકે? અથવા તો ખાડાની બહાર રહેલો ખાડામાં પડેલાને બહાર કાઢવાને બદલે પોતે જ ખાડામાં જઈને સુઈ જાય તો કેવી રીતે કોઈનું કલ્યાણ થાય?

આજે હવે આપણે ત્રીજુ અને ચોથું સુત્ર જોઈએ :

ત્રીજું સૂત્ર કહે છે કે : “તેણે મને અપશબ્દો કહ્યાં, તેણે મને ઈજા પહોંચાડી, તેણે મારી ઉપર હકુમત ચલાવી, તેણે મને લુંટી લીધો” જે આવા વિચારોને આશ્રય આપે છે તેનામાંથી ધિક્કાર જતો નથી.

ચોથું સૂત્ર કહે છે કે : “તેણે મને અપશબ્દો કહ્યાં, તેણે મને ઈજા પહોંચાડી, તેણે મારી ઉપર હકુમત ચલાવી, તેણે મને લુંટી લીધો” જે આવા વિચારોને આશ્રય આપતો નથી તેનામાંથી ધિક્કાર ચાલ્યો જાય છે.

આપણાં મનને અશુદ્ધ કરવામાં બીજા લોકોનો વ્યવહાર આપણે કારણરુપ માનતા હોઈએ છીએ. બીજાના વ્યવહારને જો આપણે વધુ પડતું મહત્વ આપી દઈએ તો આપણાં મનની સ્થીરતા ચાલી જાય છે. મન અશુદ્ધ બની જાય છે અને તેમાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે.

હવે આપ જ કહો કે આપણાં મનની શાંતિ ટકાવી રાખવા માટે બીજા લોકોના વ્યવહારને કેટલુંક મહત્વ આપવું જોઈએ?

Categories: ચિંતન | Tags: | 4 Comments

Create a free website or blog at WordPress.com.