સાતત્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૮)


ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય
માલી સીંચે કેવડા, ઋતુ આયે ફલ હોય

ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય

વૈજ્ઞાનિકો કહે છે કે અબજો વર્ષથી પ્રકૃતિમાં ચાલી આવતી વિકાસની પ્રક્રીયાને અંતે આજે જીવ આજના મનુષ્યત્વ સુધી પહોંચ્યો છે. વિદ્યાર્થીઓ સતત અને રોજે રોજ અભ્યાસ કરતાં કરતાં એક દિવસ વિદ્યાભ્યાસમાં પારંગત બની જાય છે. બાળક રોજ રોજ વિકસે છે અને ક્યારે યુવાન બની જાય છે તે ખબર નથી પડતી. યુવાન ધીરે ધીરે આધેડ, આધેડ વૃદ્ધ અને છેવટે આ જગને અલવિદા કરી દે છે તે દરમ્યાન પ્રકૃતિ રોજે રોજ તેના શરીરના પરમાણુંઓમાં ફેરફાર કરે છે. પ્રકૃતિ નિરંતર પરિવર્તન પામતી રહે છે. તેના નિયમોમાં સાતત્ય છે.

જે વ્યક્તિ પ્રકૃતિ સાથે તાલમેલ મીલાવી શકે તે પ્રકૃતિ પાસેથી મહત્તમ મેળવી શકે છે. સુર્યોદયથી શરુ કરીને રાત્રીના ગાઢ અંધકાર સુધી પ્રકૃતિમાં કેટલા બધાં પરિવર્તનો આવે છે. સતત પરિવર્તન પામતી હોવા છતાં તેને આશરે રહેલા જીવોને કશીએ અગવડ ન પડે તેમ તે એકધારું કાર્ય કરતી રહે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે. સુર્ય ઉર્જા વહાવતો રહે છે. ગ્રહો ઘુમતા રહે છે. તારલાઓ પોતાના અસ્તિત્વને સસ્મિત ચમકાવતા રહે છે. ઉષાથી લઈને સંધ્યા સુધીમાં પ્રુથ્વીના પરિવર્તનને લીધે સુર્ય જાણે કે અનેક રંગો બદલતો કાંચીડો હોય તેવો ભાસ ઉભો થાય છે. છેવટે ફરતી ફરતી પૃથ્વી સુર્યથી વિમુખ થઈ જાય છે ત્યારે ઘનઘોર રાત્રીમાં અંધકારની ગર્તામાં ડુબેલી ધરાને ચાંદો અને તારાઓ સ્મીત રેલાવતાં કહે છે કે પૃથ્વીબહેન આખા દિવસની તમારી આ ચમક દમક તો સુર્યને લીધે હતી તે સમજી ગયા કે નહીં?

જ્ઞાન મેળવવું હોય કે ધન, ઐશ્વર્ય જોઈતું હોય કે શાણપણ, પ્રતિષ્ઠા જોઈતી હોય કે નીષ્ઠા – કાઈ પણ પ્રાપ્ત કરવું હશે તો સતત એકધારું કાર્ય કરવું પડશે. રાતો રાત કોઈને સિદ્ધિ કે પ્રસિદ્ધિ મળતી નથી.

એક એક જન્મદિવસ ઉમેરાતા જાય તેમ તેમ જીવનમાં એક એક વર્ષ ઉમેરાય છે. જે બાળક નાનો હોય ત્યારે નાનક્ડો દડોયે ફેંકી શકવાની ક્ષમતા ન ધરાવતો હોય તે અભ્યાસથી મોટા વોલીબોલને ફંગોળી શકવાને શક્તિમાન થઈ જાય છે. અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ – અભ્યાસ એક જ સર્વ પ્રગતિનું રહસ્ય છે. કોઈ પણ ક્ષેત્રમાં જો આગળ આવવું હશે તો એકધારા અને સતત અભ્યાસનો કોઈ વિકલ્પ નથી. અભ્યાસ કરતાં કરતાં સાધક સિદ્ધ બની જાય છે, નાનકડો વેપારી મોટો ધનપતિ બની જાય છે. સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયેલ વ્યક્તિ પોતાની નિષ્ઠા અને સાધનાથી રાજ્યનો મુખ્યમંત્રી કે દેશનો વડાપ્રધાન બની શકે છે. તેવી જ રીતે પદ કે પ્રતિષ્ઠા કે સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી જે ગાફેલ રહે છે તેમની અધોગતી થતાંયે વાર નથી લાગતી.

શ્રી રામકૃષ્ણ પરમહંસ રોજ સાંજે ભગવદ ભજનમાં તરબોળ થઈને ભાવમાં લીન થઈ જતાં. તોતાપુરીજી પાસેથી તેમને બ્રહ્મની અદ્વૈત અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી. તેમ છતાં તેઓ સાંજે નિયમિત ભજન કરતાં. એક દિવસ તોતાપુરી કહે છે કે હવે તો તને સર્વોચ્ચ અનુભૂતી થઈ ગઈ છે પછી શા માટે આ તાળી પાડીને રોટલા શેકે છે? ત્યારે શ્રી રામકૃષ્ણ સસ્મિત કહેતા કે લોટાને રોજ રોજ માંજવો જોઈએ નહીં તો તેના પર મેલ જામી જાય. તેવી રીતે સર્વ સફળ મનુષ્યો સફળતા મળ્યાં પછીએ પોતાની સાધના અવિરત ચાલુ રાખતા હોય છે.

જગતમાં જેટલીએ સફળ વ્યક્તિઓ છે તેના જીવનનો અભ્યાસ કરશું તો જણાશે કે તેમણે કરેલો એકધારો સતત પુરુષાર્થ જ તેમને સિદ્ધિ અપાવવામાં સહાયરુપ બન્યો છે.

મિત્રો, આપણે પણ આ સાતત્યના ગુણને આપણાં જીવનમાં ઉતારીને સફળતાં પ્રાપ્ત કરશુંને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: