Daily Archives: 10/09/2012

મિત્રને – સ્વામી વિવેકાનંદ

( છંદ:શિખરિણી )

(સ્વામી વિવેકાનંદે રચેલ બંગાળી કાવ્ય ’સખાર પ્રતિ’ ઉપરથી)

જહીં રોગે શાન્તિ, સુખ દુ:ખ મહીં, તેજ તિમિરે,
ઊંધી આવી રીતે અરર ! કરવી શોધ પડતી ;
શિશુના પ્રાણોની મળી વળતી જ્યાં સાક્ષી રુદને,
કરે ત્યાં શી આશા સુખ તણી તું વિદ્વાન થઈને ? – ૧

અહા ! દ્વંદ્વો વચ્ચે રણ સતત આ ઘોર મચતા;
પિતા પુત્રોમાંયે ભરચક ભરી સ્વાર્થમયતા;
અહીં શાન્તિ કેરું શુચિસ્વરૂપ ના, ના, મળી શકે,
સૂતા સંસારીને નરક પણ છે સ્વર્ગ દીસતું. – ૨

ગળે ફાંસી જો છે સતત અહીં કર્મો તણી મહા,
વિચાર્યું તો એક્કે નવ મળી મને રાહ છૂટવા;
નહીં યોગે ભોગે, જપતપ મહીં; અર્જન વિષે,
ગૃહે કે સંન્યાસે, નહીં વળી કંઈ ત્યાગ-વ્રતમાં; – ૩

ન ક્યાંયે છે ભાઈ ! સુખ તણી જરી ગંધ સરખી,
અરે કાયાધારી અફળ ગણતો આ જગ મહીં;
ઊંચું જાતું હૈયું, દુ:ખ પણ વધારે અનુભવે
અહા ! આ સંસારે દુ:ખ, દુ:ખ અને દુ:ખ સઘળે. – ૪

સુહ્રદ! નિસ્વાર્થી તું; ભવમહીં ન છે સ્થાન તુજનું,
પ્રહારો લોઢું જે ઝીલતું મૃદુ હૈયું નહીં સહે;
બને જો તું ભાઈ ! મધુ મુખ, ધરે છો વિષ ઉરે,
તને તો ધારેલું જરૂર મળશે સ્થાન જગમાં. – ૫

વિતાવ્યું અર્ધું મ્હેં જીવન અહીં વિદ્યાર્જનમહીં,
અને ધર્મ પ્રાપ્તિ ચરમ ગણીને સાધન કર્યાં,
વળી ભિક્ષા માગી ઘર ઘર જળેલાં ચિર ધરી,
ફર્યો ગાંડા જેવો નદી તીર અને પર્વત વિષે. – ૬

મને અંતે લાધ્યો સફળ મતનો સાર જ અહીં,
સુણી લ્યો, સંસારે પરમ બસ આ સત્ય ગણજો,
તરંગઘાતોથી ક્ષુભિત ભવને પાર કરવા,
તમારાં હૈયાની અમળ પ્રીત તો નાવ બનશે. – ૭

બીજું સર્વે જે છે પરમ ભ્રમ છે એ મન તણો,
ન તંત્રે મંત્રે કે મત વિવિધમાં સાર કંઈ છે;
પશુ, પક્ષી જીવે, સકળ કીટમાં પ્રેમદીપ છે,
બીજા કોઈયે ના, મહત બસ એ દેવ જ ખરે ! – ૮

સમર્પે મા પ્રાણો, હરણ કરતો ચોર વળી જ્યાં,
બધાં પ્રેમજ્ઞાન અકળ ધ્વનિને વંદન કરે;
નહીં એ કાંઈ છે મનવચને જ્ઞાત જરીએ,
વસે માતૃભાવે પ્રબળ શક્તિ મૃત્યુ રૂપમાં. – ૯

સહુ ધર્માધર્મે, શુભ અશુભથી એ જ પૂજતું,
કહો, એથી બીજું જીવ કરી શકે શું જગતમાં ?
સુખોની આકાંક્ષા સમ નવ બીજો છે ભ્રમ કંઈ,
વળી દુ:ખો ચાહે, પરમ ગણવો પાગલ અહીં. – ૧૦

અહો ! ફેલાયો છે જલધિ ભવનો દુસ્તર મહા,
ભલે બુદ્ધિ દોડે, તદપિ ન કંઈ અંત દિસતો;
સુણો પક્ષી સર્વે ! મળી ન તમને પાંખ ઊડવા,
નહીં કો આ માર્ગે ઊડી શકતું, કહો ક્યાં પછી જશો? – ૧૧

સહ્યા છે આઘાતો, તદપિ ન ત્યજો વ્યર્થ શ્રમને !
તજો વિદ્યાગર્વ, જપતપ તણુંયે બલ તજો,
સહારો લ્યો ભાઈ ! અવિરત તમ પ્રેમ બલનો,
પતંગો અગ્નિમાં મરણ વરીને એ જ શિખવે. – ૧૨

પતંગો તો અંધા, રૂપ મહીં બની મુગ્ધ મરતા,
તમે પ્રેમી વત્સો ! અનલ મહીં બાળો મલિનતા;
વિચારો આવું કે ઉર સુખ ભિક્ષુ તણું ચહે,
કૃપાપાત્ર થાઓ, તદપિ નવ તેમાંય ફળ છે. – ૧૩

સમર્પો, કિન્તુ ના જરીય બદલામાં કંઈ ચહો,
અરે ! બિન્દુ ઈચ્છો ! તજી દઈ તમે સાગર મહા !
સહુ ભૂતો કેરો સુહ્રદ બસ એ પ્રેમ સમજો,
અને બ્રહ્મે, કીટે સકળ અણુ આધાર ગણજો. – ૧૪

સહુનો એ પ્રેમી, પરમ તમ, પ્રેમાસ્પદ બનો,
બધું વારી નાખો, તનમન પ્રભુનાં ચરણમાં;
બહુ રૂપોમાં એ ઈશ અચલ ઊભા તમ કને,
બીજે શોધો શાને? જીવ-પૂજનમાં છે શિવપૂજા. – ૧૫

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.