( છંદ:શિખરિણી )
વસે છે જે તારી ભીતર વળી તે બહાર પણ છે,
કરે ક્રીયાઓ જે સકલ કરથી ને ચરણથી–
ચલે, જેના કાયા તમ સરવ છો, એહ ઈશને
ભજો, તોડી પાડો અવર પ્રતિમા ચૂર્ણ કરી દો !
સધાયું જેનામાં ઊંચનીચનું એકત્વ યુગપત
અને જે સાધુ-પતિત પણ એ એક જ તહીં !
અહો એ છે ઈશ, કીટક પણ જે ભાસત વળી,
શકો જોઈ-જાણી, નગદ સત, જે વ્યાપ્ત સઘળે
ભજો તેને, તોડો અવર પ્રતિમા ચૂર્ણ કરી દો !
નથી જેને કોઈ અતીત, નથી ભાવી પણ કંઈ,
નથી જેને મૃત્યુ, જનમ પણ જેને કદી નથી,
અને જેનામાં સૌ સતત વસીએ ને ભળી જશું
ભજો તેને, તોડો અવર પ્રતિમા ચૂર્ણ કરી દો !
અહો, એ મૂઢાત્મા જન અવગણે જે જીવિત આ
પ્રભુને ને તેની પ્રતિછવિ અનંતાથી સભરા
બધી સૃષ્ટિ, છાંડી રઝળી રવડે કલ્પિત તહીં
નરી છાયા પૂંઠે-લઈ સહુ જતી ક્લેશ-કલહે !
ભજો તેને જે ’હ્યાં પ્રતિક્ષણ વસે છે નજરમાં
અને પેલી મૂર્તિ અવર સહુને ચૂર્ણ કરી દો !