ભારતને કઈ કેળવણીની જરુર છે – સ્વામી વિવેકાનંદ

તારીખ ૨૪ એપ્રિલ ૧૮૯૭માં દાર્જિલિંગથી શ્રીમતી સરલા ઘોષાલને લખાયેલ પત્રના અંશો અત્રે પ્રસ્તુત છે. પોસ્ટને અંતે આપેલ લિંક પર ક્લિક કરીને પુરો પત્ર વાંચી શકાશે.


કોઈ પણ પ્રજાની આમજનતામાં શિક્ષણ અને બુદ્ધિશક્તિનો જે પ્રમાણમાં ફેલાવો થયો હોય તે પ્રમાણમાં પ્રજા પ્રગતિશીલ હોય.

શિક્ષણ શિક્ષણ અને શિક્ષણ જ ! યુરોપનાં ઘણાં શહેરોમાં મુસાફરી કરતાં કરતાં હું ત્યાંના ગરીબ માણસોનાં પણ સુખસાધનો અને શિક્ષણ નિહાળતો, અને ત્યારે આપણા પોતાના ગરીબ માણસોનો વિચાર મારા મનમાં આવતો અને હું આંસુ સારતો. આવો તફાવત શા કારણે થયો? ઉત્તર મળ્યો : શિક્ષણ ! શિક્ષણ અને પોતાની જાતમાં શ્રદ્ધાથી તેમનો અંતર્ગત બ્રહ્મ જાગ્રત થાય છે, જ્યારે આપણામાં રહેલો બ્રહ્મ ધીમે ધીમે સુષુપ્ત દશાને પામતો જાય છે.

આપણા બાળકોને જે કેળવણી આપવામાં આવે છે તે પણ નિષેધક છે. નિશાળે જતો છોકરો કંઈ શીખતો તો નથી જ; પણ તેનું જે છે તે બધું જ ભાંગી પડે છે. પરિણામ એ આવે છે કે તેની આત્મશ્રદ્ધા ચાલી જાય છે. વેદ અને વેદાંતનો જે પ્રધાન સૂર છે તે શ્રદ્ધા – જેનાથી દુનિયા ચાલી રહી છે તે શ્રદ્ધાનો વિનાશ થાય છે.

અજ્ઞશ્ચાશ્રદધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ | શ્રદ્ધારહિત, અજ્ઞાની અને શંકાશીલ રહ્યાં કરતો મનુષ્ય વિનાશ પામે છે. માટે આપણે વિનાશની આટલા બધા નજીક પહોંચ્યા છીએ. હવે એનો ઉપાય કેળવણીનો પ્રચાર એ જ છે. પ્રથમ આત્મજ્ઞાન. બેશક, તે શબ્દમાં જે ભાવ ગર્ભિત છે, તે જટા, દંડ, કમંડળ અને પહાડોની ગુફા સૂચવવા હું નથી માગતો. ત્યારે હું શું કહેવા માગું છુ? સાંસારિક જીવનમાંથી મુક્તિ અપાવનાર જ્ઞાન શું સામાન્ય ભૌતિક સમૃદ્ધિ પણ ન લાવી શકે? જરૂર તે લાવી શકે જ. મુક્તિ, અનાસક્તિ, ત્યાગ આ બધા શ્રેષ્ઠ આદર્શો છે. પણ સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત |

પશ્ચિમમાં સ્ત્રીઓનું ચલણ છે; સઘળી લાગવગ અને સત્તા તેમની છે. જો તમારા જેવી હિંમતવાળી અને બુદ્ધિશાળી સ્ત્રીઓ વેદાંતમાં નિષ્ણાત બનીને ઉપદેશ આપવા ઈંગ્લેન્ડ જાય, તો મને ખાતરી છે કે દર વર્ષે ભારતનો ધર્મ સ્વીકારી સેંકડો સ્ત્રીપુરુષો ધન્ય બને. આપણા દેશમાંથી બહાર જનાર રમાબાઈ એક જ સ્રી હતી; તે બહેનનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન તથા પાશ્ચાત્ય વિજ્ઞાન અને કલાનું જ્ઞાન મર્યાદિત હતું; છતાંય સહુને તેમણે આશ્ચર્યમાં નાખી દીધાં. તમારા જેવું કોઈ જાય તો તો ઈંગ્લેન્ડ ખળભળી ઊઠે; તો પછી અમેરિકાનું તો પુછવું જ શું? જો ભારતીય પોષાકમાં ભારતીય નારી, ભારતના ઋષિઓના મુખેથી સરી પડેલા ધર્મનો ઉપદેશ કરે – હું તો એક ભવિષ્યદર્શન કરી રહ્યો છું – તો એક એવો મહાન જુવાળ આવે, કે જે સમગ્ર પશ્ચિમ જગતને તરબોળ કરી મૂકે. મૈત્રેયી, ખના, લીલાવતી, સાવિત્રી અને ઉભયભારતીની ભૂમિમાં આવું સાહસ કરનારી શું કોઈ સ્ત્રી નહીં નીકળે?

જીવનનું ચિહ્ન છે વિકાસ; અને આપણા આધ્યાત્મિક આદર્શોથી આપણે જગતમાં પ્રસરવું જોઈએ.

શાકાહારી ખોરાક માટે : જેઓ શ્રમ કરીને પોતાની આજીવિકા મેળવતા નથી, તે ભલે માંસ ન ખાય. પણ રાતદિવસ મજૂરી કરીને જેમને પોતાનો રોટલો રળવો પડતો હોય તેવાઓના ઉપર ફરજિયાત શાકાહાર લાદવો, તે આપણી રાષ્ટ્રિય સ્વતંત્રતા ગુમાવવાનું એક કારણ છે. સારો અને પૌષ્ટિક ખોરાક શું કરી શકે તેનો દાખલો જાપાન છે.

સર્વ શક્તિમાન વિશ્વેશ્વરી તમારા હ્રદયમાં પ્રેરણા કરો !


ભારતને કઈ કેળવણીની જરુર છે – સ્વામી વિવેકાનંદ


Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: