૧૯મી નવેમ્બર ૧૮૯૪ના રોજ ન્યૂયોર્કથી આલાસિંગા પેરૂમલ પર લખાયેલ પત્રના અંશ અત્રે રજુ કરેલ છે. સંપુર્ણ પત્ર વાંચવા લેખને અંતે આપેલી લિંક પર ક્લિક કરશો.
પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરુરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે. જીવનનો એક જ નિયમ છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે.
ગરીબ, અજ્ઞાની અને કચડાયેલાં માટે લાગણી રાખો; એટલી હદ સુધી લાગણી રાખો કે તમારું હ્રદય બંધ પડી જાય, મગજ ઘૂમ્યા કરે અને તમને લાગે કે તમે પાગલ થઈ જશો; અને પછી ઈશ્વરને ચરણે હ્રદયની વ્યથા ધરી દો. ત્યાર પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ !
પુરુષાર્થ કરો ! જ્યારે સર્વત્ર અંધકાર હતો ત્યારે હું કહેતો કે પુરુષાર્થ કરો; આજે જ્યારે પ્રકાશ આવતો લાગે છે ત્યારે પણ હું કહું છું કે પુરુષાર્થ કરો !
પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં, માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.
વિકાસની શરત છે સ્વતંત્રતા. જેમ માણસને વિચારની કે વાણીની સ્વતંત્ર્યતા હોવી જોઈએ, તે જ રીતે તેને આહારમાં, પહેરવેશમાં, લગ્નમાં અને બીજી બધી બાબતોમાં બીજાને હાનિ ન કરે ત્યાં સુધીની છૂટ હોવી જોઈએ.
આપણે ભૌતિક સંસ્કૃતિ વિરુદ્ધ મૂર્ખાઈભરી વાતો કરીએ છીએ, કેમ કે દ્રાક્ષ ખાટી છે. આ બધી મૂર્ખાઈભરી બડાઈની વાતો છતાં પણ સમગ્ર ભારતમાં માત્ર એક લાખ જેટલાં જ સ્ત્રીપુરુષો સાચી આધ્યાત્મિક વૃત્તિવાળાં છે. હવે માત્ર આટલા જ લોકોના આધ્યાત્મિક વિકાસને ખાતર શું ત્રીસ કરોડને જંગલીપણા અને ભૂખમરામાં ડુબાડવાં ? શા માટે કોઈએ ભૂખે મરવું જોઈએ ?
ગરીબોને કામ આપવા માટે ભૌતિક સંસ્કૃતિ, અરે ભોગવિલાસ સુધ્ધાં જરુરી છે. ’રોટી ! રોટી !’ જે ઈશ્વર આપણને અહીં રોટી આપી શકતો નથી તે સ્વર્ગમાં શાશ્વત સુખ આપશે તેમ હું માનતો નથી.
ભારતને ઉન્નત બનાવવું છે, ગરીબોને રોટલો પહોંચાડવો છે, શિક્ષણનો વિસ્તાર કરવો છે અને પુરોહિતપ્રથાનાં અનિષ્ટને દૂર કરવાં છે. પુરોહિતપ્રથા ન જોઈએ ! સામાજિક જુલમો ન જોઈએ ! વધારે અન્ન, બધા માટે વધારે તક !
જે બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેવા કોઈ સ્વતંત્રતાને પાત્ર નથી.
આ બધી પ્રગતિ આપણે ધીરે ધીરે લાવવાની છે, અને તે પણ આપણા ધર્મ માટેનો આગ્રહ રાખીને સમાજને સ્વતંત્રતા આપીને. પુરાણા ધર્મમાંથી પુરોહિતપ્રથાનો નાશ કરો, એટલે દુનિયામાંનો શ્રેષ્ઠ ધર્મ સાંપડશે. શું તમે ભારતીય ધર્મ સાથે યુરોપીય પદ્ધતિનો સમાજ ઘડી શકશો? હું માનું છું કે તે શક્ય છે અને શક્ય હોવું જોઈએ.
એક મધ્યવર્તી સંસ્થા ઊભી કરો અને સમગ્ર ભારતમાં તેની શાખાઓ સ્થાપતા જાઓ. હમણાં માત્ર ધાર્મિક ભૂમિકા ઉપર શરૂ કરો; બળજબરીપૂર્વકના કોઈ સામાજિક સુધારાનો ઉપદેશ અત્યારે ન કરો. માત્ર મૂર્ખાઈભર્યા વહેમોને ટેકો ન આપો. શંકરાચાર્ય, રામાનુજ અને ચૈતન્ય જેવા પ્રાચીન આચાર્યોએ દોરી આપેલી સહુ માટે મોક્ષ અને સમતાની પ્રાચીન ભૂમિકા ઉપર સમાજનું પુનરુત્થાન કરવા પ્રયાસ કરો.
ઉત્સાહ રાખો અને સૌને પ્રેમ કરો. કામ, બસ કામ કરો ! નેતા હોવા છતાં સૌના સેવક બનો. નિસ્વાર્થ બનો. એક મિત્ર ખાનગીમાં બીજા ઉપર આક્ષેપ કરે તે કદી ન સાંભળો. અખૂટ ધીરજ રાખો; અંતે તમને વિજય મળવાનો જ છે.
સાવચેત રહેજો ! જે કંઈ અસત્ય છે તેનાથી સાવધાન રહેજો. સત્યને વળગી રહેજો, તો આપણે સફળ થઈશું; ભલેને ધીરે ધીરે પણ સફળતા જરૂર આવશે.
મારા બહાદુર શિષ્યોને – સ્વામી વિવેકાનંદ