૨૩મી જૂન, ૧૮૯૪ના રોજ શિકાગોથી મૈસૂરના મહારાજાને લખેલો પત્રનો થોડા અંશો પ્રસ્તૂત છે. સંપૂર્ણ પત્રની લિંક લેખને અંતે આપવામાં આવેલ છે.
ભારતના બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું કામ વધારે સરળ છે.
આપણા નીચલા વર્ગને માટે એક જ સેવા કરવાની છે; ગરીબોને કેળવણી આપવાની અને તેમના ગુમાવેલા વ્યક્તિત્વને પાછું વિકસાવવાની.
બ્રાહ્મણોની સત્તા અને પરદેશી આક્રમણે સૈકાંઓ સુધી તેમને ચગદી રાખ્યા છે; પરિણામે ભારતના ગરીબ લોકો પોતે જીવતા જાગતા મનુષ્યો છે એ હકીકત જ ભૂલી ગયા છે.
દરેક પ્રજાએ, દરેક પુરુષે અને દરેક સ્ત્રીએ પોતાનો ઉદ્ધાર પોતે જાતે જ કરવો જોઈએ. તેમને વિચાર કરતા બનાવો. તેમને એટલી જ સહાયની જરૂર છે; બાકીનું, પરિણામરૂપે આપોઆપ બહાર આવશે જ.
ભારતમાં એટલી બધી ગરીબાઈ છે કે એ બિચારા છોકરાઓ નિશાળમાં ભણવા જવાને બદલે ખેતરના કામમાં પોતાના બાપને મદદ કરવા જશે, અગર બીજી રીતે આજીવિકા મેળવવાનો પ્રયાસ કરશે.
પર્વત મહમદ પાસે ન આવે તો મહમદે પર્વત પાસે જવું જોઈએ. જો ગરીબ છોકરો વિદ્યા મેળવવા ન આવી શકે તો વિદ્યાને તેની પાસે પહોંચાડવી જોઈએ.
દેશમાં આને માટે મદદ માગ્યા છતાં ધનાઢ્ય લોકો પાસેથી કંઈ પ્રોત્સાહન ન મળવાથી આપ નામદારની મદદથી હું આ દેશમાં આવ્યો. ભારતના ગરીબ લોકો જીવે કે મરે તેની અમેરિકનોને કશી જ પડી નથી; અને જો આપણા દેશના લોકો જ પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ જોતા નથી, તો અહીંના લોકો શા માટે તેમની પરવા કરે?
ઉદાર રાજવી ! આ જીવન ટૂંકું છે અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં વધુ મરેલા છે.
આપના ઉદાર હ્રદયમાં અજ્ઞાનમાં ડૂબેલા ભારતના લાખો દુ:ખી લોકો માટે તીવ્ર લાગણી ઉદભવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરતો.
-વિવેકાનંદ
જનતા પ્રત્યેની આપણી ફરજ – સ્વામી વિવેકાનંદ
એક શબ્દઃ ગ્રેટ!