Monthly Archives: August 2012

ભારતની અધોગતિનું કારણ – સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાં કરેલા કાર્યની પ્રશંસા અર્થે કલકત્તાના ટાઉનહોલમાં, તારીખ પમી સપ્ટેમ્બર, ૧૮૯૪ના રોજ ભરાયેલી સભાના પ્રમુખ રાજા પ્યારીમોહન મુકરજી ઉપર તારીખ ૧૮મી નવેમ્બર ૧૮૯૪ના રોજ લખાયેલ પત્રના અંશ અત્રે પ્રસ્તુત છે. પુરો પત્ર વાંચવા નીચે આપેલ લિંક પર ક્લિક કરશો.


કોઈ પણ વ્યક્તિ કે પ્રજા બીજાના સહકાર વિના પોતાને અલગ રાખીને જીવી શકે નહીં. અને જ્યારે જ્યારે મહત્તા, નીતિમત્તા કે પવિત્રતાના ખોટા ખ્યાલોથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે ત્યારે તેનું પરિણામ અંતે અલગ રહેનારને સર્વદા હાનિકારક નીવડ્યું છે.

મારા ખ્યાલ પ્રમાણે ભારતનાં પતન અને અધોગતિનું એક મહાન કારણ પ્રજાની આસપાસ ઊભી કરવામાં આવેલી રૂઢિની દીવાલ છે; વળી આ દીવાલ બીજાના તિરસ્કારના પાયા ઉપર ચણાઈ હતી.

જો ભારત ફરીથી પોતાને ઉન્નત બનાવવા માગતું હોય તો તેણે પોતાનો જૂનો ખજાનો બહાર લાવીને દુનિયાની પ્રજાઓમાં છૂટે હાથે વહેંચી દેવો જોઈએ, અને બદલામાં બીજાઓ પાસેથી તેઓ જે આપી શકે તે લેવા તૈયાર રહેવું જોઈએ.

વિસ્તાર એ જીવન છે, સંકુચિતતા એ મૃત્યું છે; પ્રેમ એ જીવન છે, ધિક્કાર એ મૃત્યું છે.

આપણે દુનિયાની બધી પ્રજાઓ સાથે ભળવું જોઈએ. જેઓ વહેમો અને સ્વાર્થના પોટલાં જેવા છે, અને જેમના જીવનનું એક માત્ર ધ્યેય ગમાણમાંના કુતરા જેવું લાગે છે, તેવા સેંકડોના કરતાં જે દરેક હિંદુ પરદેશમાં મુસાફરીએ જાય છે તે પોતાના દેશને વધુ ફાયદો કરે છે.

રાષ્ટ્રીય જીવનની જે અદભુત ઈમારત પાશ્ચાત્ય પ્રજાઓએ ઊભી કરી છે તે તેમના ચારિત્ર્યના મજબૂત થાંભલાઓને અધારે ઊભી છે; જ્યાં સુધી આપણે તેવા સંખ્યાબંધ ચારિત્ર્યવાન માણસો પેદા ન કરી શકીએ ત્યાં સુધી આ કે તે સત્તા સામે બખાળા કાઢવા નિરર્થક છે.

જે લોકો બીજાને સ્વતંત્રતા આપવા તૈયાર નથી તેઓ પોતે સ્વતંત્રતાને લાયક છે ખરા ?

નિરર્થક બખાળા કાઢવામાં આપણી શક્તિઓને વેડફી નાખવાને બદલે, શાંતિથી અને હિંમતથી કામે લાગી જઈએ. હું તો સંપૂર્ણપણે એમ માનું છું કે જે જેને માટે યોગ્ય છે તેને તે મેળવતાં દુનિયાની કોઈ પણ સત્તા રોકી શકે નહીં.

ભૂતકાળ જરૂર મહાન હતો, પણ હું અંતરથી માનું છું કે ભવિષ્ય તેથીયે વધુ ઉજ્જ્વળ બનશે.

ભગવાન શંકર આપણને પવિત્રતા, ધૈર્ય અને ખંતમાં અચળ રાખો.


ભારતની અધોગતિનું કારણ – સ્વામી વિવેકાનંદ


Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

ભારત મરે ખરું ? – સ્વામી વિવેકાનંદ

મદ્રાસના માનપત્રનો પ્રત્યુત્તર

મદ્રાસના મિત્રો, દેશબંધુઓ અને સહધર્મીઓ !

ભારત મરે ખરું? જે બધું ઉદાત્ત કે નૈતિક કે આધ્યાત્મિક છે તેની આ વૃદ્ધ માતા, જેના પર ઋષિઓના ચરણ ચાલેલા છે તે આ ભૂમિ, જેમાં હજુ ઈશ્વરસમા માનવીઓ જીવંત બેઠેલા છે તે આ ભૂમિ, કદી મરે ખરી? ભાઈ ! હું પેલા કથામાના એથેન્સના ઋષિનું ફાનસ ઉછીનું માગી લાવીનેય આ વિશાળ વિશ્વનાં શહેરોમાં ને ગામડામાં, મેદાનોમાં ને અરણ્યોમાં તારી પાછળ પાછળ ભટકવા તૈયાર છુ; તારાથી બને તો બીજા દેશોમાં આવા મનુષ્યો શોધી બતાવ તો ખરો? અનુભવીઓએ સાચું જ કહ્યું છે કે ઝાડનું પારખું તેના ફળથી થાય. ભારતના દરેકે દરેક આંબાના ઝાડ નીચે જાઓ અને જમીન પર પડેલી અને કીડાએ ખાધેલી કાચી કેરીઓના ગાડાં ભરીને લઈ આવો, તથા તેમાંની એકેએક ઉપર વધુમાં વધુ વિદ્વતાપૂર્ણ સેંકડો ગ્રંથો તમે ભલે લખો, છતાં હું કહીશ કે તમે એક પણ આમ્રફળનું વર્ણન નથી કર્યું. પરંતુ વૃક્ષ પરથી એક સુસ્વાદ, પૂર્ણપક્વ, રસભર્યું ફળ તોડો અને ચાખો, ત્યારે તમે આમ્રફળ શું છે તે વિષેનું બધું જ જાણી લીધું છે એમ કહીશ.

માનપત્રનો પ્રત્યુત્તર આ લેખ સંપૂર્ણ વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો :

ભારત મરે ખરું ? – સ્વામી વિવેકાનંદ

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , , , | Leave a comment

જનતા પ્રત્યેની આપણી ફરજ – સ્વામી વિવેકાનંદ

૨૩મી જૂન, ૧૮૯૪ના રોજ શિકાગોથી મૈસૂરના મહારાજાને લખેલો પત્રનો થોડા અંશો પ્રસ્તૂત છે. સંપૂર્ણ પત્રની લિંક લેખને અંતે આપવામાં આવેલ છે.


ભારતના બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું કામ વધારે સરળ છે.

આપણા નીચલા વર્ગને માટે એક જ સેવા કરવાની છે; ગરીબોને કેળવણી આપવાની અને તેમના ગુમાવેલા વ્યક્તિત્વને પાછું વિકસાવવાની.

બ્રાહ્મણોની સત્તા અને પરદેશી આક્રમણે સૈકાંઓ સુધી તેમને ચગદી રાખ્યા છે; પરિણામે ભારતના ગરીબ લોકો પોતે જીવતા જાગતા મનુષ્યો છે એ હકીકત જ ભૂલી ગયા છે.

દરેક પ્રજાએ, દરેક પુરુષે અને દરેક સ્ત્રીએ પોતાનો ઉદ્ધાર પોતે જાતે જ કરવો જોઈએ. તેમને વિચાર કરતા બનાવો. તેમને એટલી જ સહાયની જરૂર છે; બાકીનું, પરિણામરૂપે આપોઆપ બહાર આવશે જ.

ભારતમાં એટલી બધી ગરીબાઈ છે કે એ બિચારા છોકરાઓ નિશાળમાં ભણવા જવાને બદલે ખેતરના કામમાં પોતાના બાપને મદદ કરવા જશે, અગર બીજી રીતે આજીવિકા મેળવવાનો પ્રયાસ કરશે.

પર્વત મહમદ પાસે ન આવે તો મહમદે પર્વત પાસે જવું જોઈએ. જો ગરીબ છોકરો વિદ્યા મેળવવા ન આવી શકે તો વિદ્યાને તેની પાસે પહોંચાડવી જોઈએ.

દેશમાં આને માટે મદદ માગ્યા છતાં ધનાઢ્ય લોકો પાસેથી કંઈ પ્રોત્સાહન ન મળવાથી આપ નામદારની મદદથી હું આ દેશમાં આવ્યો. ભારતના ગરીબ લોકો જીવે કે મરે તેની અમેરિકનોને કશી જ પડી નથી; અને જો આપણા દેશના લોકો જ પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ જોતા નથી, તો અહીંના લોકો શા માટે તેમની પરવા કરે?

ઉદાર રાજવી ! આ જીવન ટૂંકું છે અને તેના તુચ્છ મોજશોખો ક્ષણિક છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના તો જીવતા કરતાં વધુ મરેલા છે.

આપના ઉદાર હ્રદયમાં અજ્ઞાનમાં ડૂબેલા ભારતના લાખો દુ:ખી લોકો માટે તીવ્ર લાગણી ઉદભવે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરતો.

-વિવેકાનંદ


જનતા પ્રત્યેની આપણી ફરજ – સ્વામી વિવેકાનંદ


Categories: પત્રો/પત્ર વ્યવહાર, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | 1 Comment

આપણે શેમાં માનીએ છીએ – સ્વામી વિવેકાનંદ

શિકાગો, ૩જી માર્ચ ૧૮૯૪ના રોજ લખેલ પત્રના થોડા અંશો અત્રે પ્રસ્તુત છે. સમગ્ર પત્ર વાંચવા પત્રને છેડે આપેલી લિંક પર ક્લિક કરશો.


શ્રદ્ધા એક અજબ અંતદૃષ્ટિ છે અને ઉદ્ધાર તે જ કરી શકે છે; પરંતુ તેમાં ધર્માંધતા ઉત્પન્ન કરીને આગળની પ્રગતિને રોકી દેવાનો ભય છે.

જ્ઞાન બરાબર છે, પરંતુ શુષ્ક તર્કવાદ બની જવાનો પણ ભય છે.

પ્રેમ એક મહાન અને ઉદાત્ત ભાવ છે, પરંતુ તેમાં અર્થહીન ઊર્મિલતામાં લુપ્ત થઈ જવાનો ભય રહેલો છે.

આ બધાનો સમન્વય એ જ જરુરી વસ્તુ છે.

જે કંઈ ઉન્નતિને રૂંધે છે કે અધોગતિ લાવે છે તે જ દુર્ગુણ છે; જે કંઈ ઊંચે ચડવામાં અને બીજા સાથે સુમેળ સાધવામાં મદદરૂપ થાય છે તે જ ગુણ છે.

આપણે માનીએ છીએકે દરેક વ્યક્તિ દિવ્ય છે, ઈશ્વર છે. દરેક આત્મા અજ્ઞાનનાં વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો છે; આત્મા વચ્ચેનો ભેદ આ વાદળોનાં થરોની ઘનતાને લીધે છે. આપણે માનીએ છીએ કે સ્પષ્ટ કે અસ્પષ્ટ પણ બધા ધર્મોનો પાયો આ છે. અને ભૌતિક, બૌદ્ધિક કે આધ્યાત્મિક ભૂમિકામાં થયેલી માનવ પ્રગતિના સમગ્ર ઈતિહાસનો અર્થ આ છે – ભિન્ન ભિન્ન ભૂમિકામાં એક જ આત્મા પ્રગટ થાય છે.

કેળવણી એટલે પૂર્વથી જ માનવમાં રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ.

ધર્મ એટલે પૂર્વથી જ માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.

દરેક સામાજિક બાબતમાં માથું મારીને લાખો લોકોને દુ:ખી કરવાનો પુરોહિતોને શો અધિકાર હતો?

તમે ક્ષત્રિયો માંસાહારી છે એમ કહો છો. તેઓ માંસ ખાય કે ન ખાય, પરંતુ હિંદુ ધર્મમાં જે કંઈ ભવ્ય અને સુંદર છે તે બધાંના સર્જક તેઓ હતા. ઉપનિષદો કોણે લખ્યાં? રામ કોણ હતા? કૃષ્ણ કોણ હતા? બુદ્ધ કોણ હતા? જૈનોના તીર્થંકરો કોણ હતા? જ્યારે જ્યારે ક્ષત્રીઓએ ધર્મનો ઉપદેશ કર્યો છે ત્યારે તેઓએ તે સહુ કોઈને કર્યો છે; અને જ્યારે જ્યારે બ્રાહ્મણોએ કંઈ પણ લખ્યું છે ત્યારે ત્યારે તેઓએ બીજાના કોઈ પણ હક્ક સ્વીકાર્યા નથી. ગીતા કે, વ્યાસના સૂત્રો તમે વાંચો, અગર કોઈ પાસે વંચાવો. ગીતામાં તમામ સ્ત્રીપુરુષો, બધા વર્ણો અને પ્રજાઓ માટે માર્ગ ખૂલ્લો રખાયો છે, પણ બિચારા શૂદ્રોને છેતરવા માટે વ્યાસ, વેદોનો વિકૃત અર્થ કરવાનો પ્રયાસ કરે છે. શું ઈશ્વર તમારા જેવો બીકણ અને મૂર્ખ છે કે તેની દયાની સરિતાનો પ્રવાહ માંસના એક લોચાથી રોકાઈ જાય? જો ઈશ્વર તેવો હોય તો તેની એક કોડીની પણ કિંમત નથી.

નવા આદર્શનો, નવા સિદ્ધાંતનો, નવ જીવનનો ઉપદેશ આપો. કોઈ વ્યક્તિની અગર કોઈ રીતરિવાજની વિરુદ્ધ પ્રચાર કરો નહીં. જ્ઞાતિભેદ અગર બીજા કોઈ સામાજિક દુષણોની તરફેણ કે વિરુદ્ધમાં પ્રચાર કરો નહીં. આ બધાંથી દૂર રહેવાનો જ ઉપદેશ આપો, એટલે બધું આપોઆપ બરાબર થઈ જશે.

મારા બહાદુર, દૃઢ નિશ્ચયી અને પ્રેમાળ આત્માઓ ! તમને સહુને મારા આશીર્વાદ.


આપણે શેમાં માનીએ છીએ – સ્વામી વિવેકાનંદ


Categories: પત્રો/પત્ર વ્યવહાર, સ્વામી વિવેકાનંદ | Tags: , , | 22 Comments

છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ – સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદે ૨૭મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ તે વખતે ભરાયેલી વિશ્વધર્મ પરિષદની છેલ્લી બેઠકમાં આ ભાષણ આપ્યું હતું.

વિશ્વધર્મ પરિષદે જગતને જો કાંઈ આપ્યું હોય તો તે આ છે: પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ જો કોઈ પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન સેવતો હોય, તો મારા હ્રદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે: ’સહાય;પરસ્પર વેર નહીં.’ ’સમન્વય;વિનાશ નહીં.’ ’સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’

Categories: પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ – સ્વામી વિવેકાનંદ

૨૬મી સપ્ટેમ્બર,૧૮૯૩ના રોજ વિશ્વધર્મ પરિષદમાં બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મનો તુલનાત્મક અભ્યાસ રજુ કરતાં સ્વામી વિવેકાનંદે આ પ્રવચન આપ્યું હતું.

હિંદુ ધર્મ કે બૌદ્ધ ધર્મ, કોઈ એકબીજા સિવાય જીવી શકે નહીં. બન્ને વચ્ચે જે તફાવત છે તે જોતાં, બૌદ્ધ ધર્મ બ્રાહ્મણની બુદ્ધિપ્રતિભા અને તત્વજ્ઞાન વિના ચલાવી ન શકે; તેમ જ બ્રાહ્મણને બૌદ્ધ ધર્મની કરુણાની ભાવના વિના ન ચાલે. બૌદ્ધ અને બ્રાહ્મણ વચ્ચેની જુદાઈ હિંદના પતનનું કારણ છે. તેને લીધે જ આજે હિંદમાં ત્રીસ કરોડ ભિખારીઓ છે, અને છેલ્લાં હજાર વર્ષથી તે પરદેશી વિજેતાઓનું ગુલામ બન્યું છે. એટલે આપણે બ્રાહ્મણની અપ્રતિમ બુદ્ધિનો, મહાન વિભૂતિ બુદ્ધની કારુણ્યની ભાવના સાથે, એમના અભિજાત આત્મા સાથે, તેનો અજબ સંયોગ કરવો જોઈએ.

Categories: પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , , , | Leave a comment

હિંદુ ધર્મ વિશે નિબંધ – સ્વામી વિવેકાનંદ

હિંદુ ધર્મ વિશે સમજૂતી આપતા વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મ વિશે નિબંધ રજૂ કર્યો હતો.

ભાઈઓ ! જો કોઈ વિશ્વધર્મ સ્થપાવાનો હોય તો તે સ્થળ અને સમયથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ.

હિંદુ ધર્મ વિશેનો આછેરો પરીચય પ્રાપ્ત કરવા માટે સહુ કોઈએ આ નિબંધ વાંચવા જેવો છે.

અંગ્રેજીમાં આ લેખ પહેલા પ્રગટ થઈ ચૂક્યો છે. અનુકુળતા થવાથી આજે તે ગુજરાતીમાં રજૂ કરી શકાયો છે તેનો આનંદ છે.

આ લેખ અંગ્રેજીમાં વાંચવા નીચેની લિંક પર ક્લીક કરશો.

Paper on Hinduism – સ્વામી વિવેકાનંદ

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , , | 2 Comments

ભેદભાવ શા માટે !

વિશ્વધર્મ પરિષદમાં એક નાનકડી વાર્તા દ્વારા સ્વામી વિવેકાનંદે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે માનવ માનવ વચ્ચેના ભેદભાવ અને અણબનાવનું કારણ સંકુચિતતા, પોતાનો જ દૃષ્ટિકોણ સાચો છે તથા અન્યનો દૃષ્ટિકોણ ખોટો છે તેવી જડ માન્યતાઓ છે. મનુષ્યની બુદ્ધિના વિકાસની સાથે સાથે સમજણ પણ વિકસે કે આ જગત માત્ર આપણી સંકુચિત દૃષ્ટિથી જોઈએ છીએ તેવો નાનક્ડો કુવો નથી પરંતુ અનેક શક્યતાઓથી ભરેલ મહાસમુદ્ર છે અને આપણે સહુ આ મહા સમુદ્રમાં તરતાં નાનકડાં જળચરો છીએ. જે જેટલી વિશાળ જળરાશીમાં તરી શકે તેટલો તેનો આનંદ વધારે અને જે માત્ર પોતાના ખાબોચીયાને જ સર્વસ્વ માને છે તે તો કાદવમાં કુદા કુદ કરીને છેવટે તેના ક્ષુલ્લક ખાબોચીયામાં જ જીવન પુરુ કરે છે.

Categories: ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , , | 2 Comments

ખરેખર શું સર્વ ત્રાસનો મૃત્યુઘંટ વગ્યો હતો?

૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ શિકાગો – વિશ્વધર્મ પરિષદમાં અપાયેલ આ વક્તવ્ય ઘણું જાણીતું છે. પ્રવચનને અંતે સ્વામી વિવેકાનંદ એવી આશા વ્યક્ત કરે છે કે :

આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતાં જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું.

આજે ય આપણે જોઈએ છીએ કે સ્વામીજીની આશા સંપૂર્ણ પણે ફળીભૂત થઈ નથી. સર્વ પ્રકારની સંકુચિત વૃત્તિઓ અને સર્વ ઝનુનવાદોનો મૃત્યુઘંટ વગાડવા માટે આજની તારીખે ય અથાક પરીશ્રમ અને ભગીરથ પુરુષાર્થની આવશ્યકતા છે.

Categories: પ્રવચન / વ્યાખ્યાન, ભાષણો / પ્રવચનો / વ્યાખ્યાનો, સ્વામી વિવેકાનંદ | Tags: , , | Leave a comment

શું આપણે સફળ અભીનેતા છીએ?

પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં અનેક ભૂમિકા ભજવવાની હોય છે. જન્મ થાય એટલે આપણે બાળક હોઈએ છીએ. બાળક તરીકેની ભુમિકા આપણે સહુ સરળતાથી અને સહજતાથી ભજવીએ છીએ. તેમાં આપણે જેવા હોઈએ તેવા પ્રગટ થઈએ છીએ. રડવું આવે ત્યારે રડી લઈએ છીએ, હસવું આવે ત્યારે ખીલખીલાટ હસી લઈએ છીએ. ભુખ લાગે ત્યારે ખાવા પીવા માટે ધમ પછાડા કરીએ છીએ અને ભુખ ન હોય તો ખાવાનો ઈન્કાર કરી દઈએ છીએ. ઉંઘ આવે ત્યારે સુઈ જઈએ છીએ અને શક્ય તેટલા સ્વૈર વિહારી રહીએ છીએ. કપડાનું બંધન ફગાવી દેવા તત્પર હોઈએ છીએ.

જેમ જેમ મોટા થતાં જઈએ છીએ તેમ તેમ કુટુંબ અને સમાજ આપણને કેળવવાનું શરુ કરે છે અને ત્યારથી આપણી પનોતીની શરુઆત થઈ જાય છે. માતા, પિતા, દાદા, દાદી, શિક્ષકો, સગાં વહાલાઓ અને જે કોઈ વડીલો આપણને મળે તે બધા જ આપણને કેળવવા માટે તત્પર હોય છે. જેમ જેમ આપણે કેળવાતા જઈએ છીએ તેમ તેમ આપણે સ્વાભાવિકતા ગુમાવતા જઈએ છીએ.નીયંત્રણો તથા કેળવણીના બોજ હેઠળ વધુ ને વધુ યાંત્રિક બનતા જઈએ છીએ.

માતા-પિતા અને કુટુંબ દ્વારા આપણી ધર્મ, જાતી, કુળ, રીતી રીવાજો વગેરેની અનેક ભ્રામક માન્યતાઓ અનાયાસે અને અનિચ્છાએ પ્રવેશ પામી જાય છે. આપણે આપણું મનુષ્યત્વ ગુમાવીને હિંદુત્વ, મુસ્લિમત્વ, ઈસાઈત્વ, બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ, ઉચ્ચત્વ, નિચ્ચત્વ, શૈવત્વ, વૈષ્ણવત્વ વગેરે વગેરે અસ્વાભાવિક લેબલોનો આપણી જાત પર આરોપ કરીએ છીએ. ધીરે ધીરે આપણાંમાં પ્રાંતિયતા, ભાષાનું અભીમાન, રાષ્ટ્રીયતા વગેરે અભીમાનો પ્રવેશે છે. જેમ જેમ આપણે વિકસતા જવાનો દંભ મોટો કરતાં જઈએ છીએ તેમ તેમ આપણે જુદી જુદી વિશેષતાઓને આધારે આપણાં અન્ય માનવ સમૂહોથી વીખુટા પડતા જઈએ છીએ અને આપણે મર્યાદિત મનુષ્યોના સમાન આચાર વિચાર ધરાવતાં જૂથોમાં વહેંચાઈ જઈએ છીએ.

શિક્ષણ અને વ્યવસાયને આધારે આપણે ડોક્ટર, એંજીનીયર, શિક્ષક, મેનેજર, કર્મચારી, વેપારી, વકીલ, સરકારી ઓફીસર વગેરે અનેક પ્રકારે કાર્યના આધારે વિભાજીત થઈ જઈએ છીએ. દરેકના કાર્યો જુદા, જવાબદારીઓ જુદી, લાભાલાભ જુદા, સવલતો જુદી, સમસ્યાઓ જુદી.

નાગરીક તરીકે આપણાં કર્તવ્યો જુદા હોય છે. માતા-પિતા તરીકે આપણાં કર્તવ્યો જુદા. સંતાન તરીકે આપણાં કર્તવ્યો જુદા, કાર્યક્ષેત્રને આધારે આપણાં કર્તવ્યો જુદાં, પતિ કે પત્નિ તરીકે આપણાં કર્તવ્યો જુદા. જુદા જુદા સંબધો અને જુદા જુદા વ્યવહારો દરમ્યાન આપણે સતત જુદી જુદી ભૂમિકા ભજવવાની હોય છે.

આ પ્રત્યેક ભૂમિકા આપણે જેટલી યથાર્થ રીતે ભજવીએ તેટલા આપણે સફળ અભીનેતા ગણાઈએ અને જે જગ્યાંએ આપણે આપણી યોગ્ય ભૂમિકા ભજવવામાં ઉણાં ઉતરીએ તે સ્થળે આપણે પરિસ્થિતિ સાથે તાલમેલ ગુમાવ્યો કહેવાય. આવી અનેક ભૂમિકાઓ ભજવતાં ભજવતાં મનુષ્ય ભુલી જાય છે કે ખરેખર તે કોણ છે? અહીં શા માટે આવ્યો છે? છેવટે આવી અનંત ભૂમિકાઓ ભજવતો ભજવતો તે અંતિમ ભૂમિકા મૃત્યું શૈયા પર પોઢવાની ભજવે છે. તેને જવું નથી હોતું છતાં કાળ તેને પોતાની ગોદમાં ઉંચકીને લઈ જાય છે. આ સઘળી ભૂમિકાઓથી મુક્ત કરીને આરામ આપવા માટે.

આ જગતમાં બાળક ધન્ય છે અને બીજો તે કે જેણે જીવનનો અંત આવે તે પહેલાં અભિનેતાનો સ્વાંગ છોડીને સ્વરુપસ્થિતિ કરી લીધી તે જીવ ધન્ય છે.

સ્વરુપસ્થિતિ કરનારા બે પ્રકારના હોય છે. ૧. સ્વરુપસ્થિત કર્મયોગી અને ૨. સ્વરુપસ્થિત જ્ઞાનયોગી.

કર્મયોગી કર્મ કરતો કરતો એટલે કે અભીનય કરતો કરતો આ જગતથી અલિપ્ત હોય છે. જ્યારે જ્ઞાનયોગીએ તો અભીનય પણ છોડી દીધો હોય છે.

આપણે સહુ નટ તો છીએ જ પણ જો નટ થવું હોય તો યોગેશ્વર કૃષ્ણ જેવા કર્મયોગી નટવર કે યોગીરાજ શિવજી જેવા જ્ઞાનયોગી નટરાજ થવું જોઈએ.

શું આપણે સફળ અભીનેતા છીએ?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ, વિચાર વિમર્શ | Tags: , , , , , | Leave a comment

Blog at WordPress.com.