Monthly Archives: June 2012

શ્રી હરિ મીડે સ્તોત્ર – આદિ શંકરાચાર્ય (૧ થી ૪ / ૪૪)

ક્ર્મ

શ્લોક

શબ્દાર્થ

स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं

यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् ।

यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं

तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥१॥

જગતના કારણરૂપ અનાદિ પરમાત્માની હું ભક્તિ વડે સ્તુતિ કરું છું, જેમાં આ સંસારચક્ર આવી રીતે ભમે છે; જેનો સાક્ષાત્કાર થવાથી તે સંસારચક્ર નાશ પામે છે, સંસારરૂપ અંધકારનો વિનાશ કરનાર તે હરિની (અવિદ્યાની ને તેના કાર્યની નિવૃત્તિ કરનારા પરમાત્માની) હું સ્તુતિ કરું છું.

यस्यैकांशादित्थमशेषं जगदेतत्

प्रादुर्भूतं येन पिनद्धं पुनरित्थम् ।

येन व्याप्तं येन विबुद्धं सुखदुःखै-

स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥२॥

જેના એક અંશમાંથી આ સમગ્ર જગત આવી રીતે પ્રાદુર્ભાવ પામ્યું છે, પુન: જે વડે આવી રીતે બંધાયેલું છે, જે વડે વ્યાપ્ત છે, ને જે વડે તે સુખદુ:ખોથી પ્રકાશિત છે તે સંસારાંધકારની નિવૃત્તિ કરનારા પરમાત્માની હું સ્તુતિ કરું છું.

सर्वज्ञो यो यश्च हि सर्वः सकलो यो

यश्चानन्दोऽनन्तगुणो यो गुणधामा ।

यश्चाऽव्यक्तो व्यस्तसमस्तः सदसद्य-

स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥३॥

જે સર્વજ્ઞ, જે સર્વ, જે સકલ, જે આનંદ, જે અનંતગુણ, જે ગુણધામ, જે અવ્યક્ત, જે વિભાગરૂપ ને સમસ્તરૂપ, કારણરૂપ ને કાર્યરૂપ છે તે સાંસારાંધકારનો વિનાશ કરનાર પરમાત્માનું હું સ્તવન કરું છું.

यस्मादन्यं नास्त्यपि नैवं परमार्थं

दृश्यादन्यो निर्विषयज्ञानमयत्वात् ।

ज्ञातृज्ञानज्ञेयविहीनोऽपि सदा ज्ञ-

स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥४॥

જેનાથી ભિન્ન વાસ્તવિક કાંઈ પણ નથી જ, નિર્વિષયજ્ઞાનમયપણાથી જે દૃશ્યથી ભિન્ન છે, અને જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયથી રહિત છતાં પણ જે સર્વદા જ્ઞાન સ્વરૂપ છે, તે સંસારરૂપ અંધકારનો વિનાશ – બાધ કરનાર પરમાત્માને હું સ્તવું છું.
Categories: અધ્યાત્મ / યોગ, સ્તોત્ર | Tags: , | 2 Comments

શ્રી વાક્યસુધા (૪૩/૪૩) – આદિ શંકરાચાર્ય

એવી રીતે આત્માના ધર્મોના અધ્યારોપનું પ્રતિપાદન કરીને હવે તેના અપવાદના પ્રકારને કહે છે:

પ્રાતિભાસિકજીવસ્ય લયે સ્યુર્વ્યાવહારિકે |
તલ્લયે સચ્ચિદાનન્દા: પર્યવસ્યન્તિ સાક્ષિણિ || ૪૩ ||

ઈતિ શ્રીમત્પરમહંસપતિવ્રાજકાચાર્યશ્રીમચ્છંકરાચાર્યવિરચિતા શ્રીવાક્યસુધા સમ્પૂર્ણા ||

શ્લોકાર્થ:
પ્રાતિભાસિક જીવના સ્વભાવો વ્યવહારિકમાં લય પામે છે, ને તેના સચ્ચિદાનંદસ્વભાવો સાક્ષીમાં અંત પામે છે.

ટીકા:
સ્વપ્નાવસ્થાના પ્રાતિભાસિક જીવના સ્વભાવો જાગ્રદવસ્થાના વ્યાવહારિક જીવમાં લય પામે છે, અને જાગ્રદવસ્થાના વ્યાવહારિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવો સાક્ષિરૂપ જે પારમાર્થિક જીવ તેમાં પર્યવસન પામે છે, એવી રીતે કલ્પિતનો અપવાદ થવાથી અધિષ્ઠાનરૂપ સત જ અવશેષ રહે છે.

તે પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસોના ને પરિવ્રાજકોના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા વાક્યસુધા નામના ગ્રંથરૂપ રત્નની શ્રીનાથશર્મપ્રણીત ભાવાર્થ દીપિકા નામની ટીકા પૂરી થઈ.

નોંધ:
કોઈ પ્રતમાં આ શ્લોકની પૂર્વ નીચેના બે શ્લોકો વધારે જોવામાં આવે છે:

સાક્ષિસ્થા: સચ્ચિદાનન્દા: સમ્બન્ધા વ્યાવહારિકે |
તદદ્વારેણાનુગચ્ચન્તિ તથૈવ પ્રાતિભાસિકે ||
લયે ફેનસ્ય તદ્ધર્મા દ્રવદ્યા: સ્યુસ્તરંગકે |
તસ્યાપિ વિલયે નીરે તિષ્ઠન્ત્યેતે યથા પુરા ||

સાક્ષીમાં રહેલા સત, ચિત ને આનંદરૂપ સ્વભાવો વ્યાવહારિક સંબંધ પામેલા છે, પછી તે દ્વારા પ્રાતિભાસિક જીવમાં તેવી રીતે જ અનુવૃત્તિ પામે છે. જેમ ફીણનો લય થયે તેમાં રહેલા તેના પ્રવાહીપણું વગેરે ધર્મો તરંગમાં સમાય છે, ને તરંગનો પણ જલમાં વિલય થાય છે ત્યારે તે તરંગ ને ફીણ પૂર્વની પેઠે જલરૂપ થઈ જાય છે, તેમ આભાસની નિવૃત્તિ થયે વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવમાં અનુગત થયેલા સત, ચિત ને આનંદરૂપ સ્વભાવો સાક્ષીમાં મળી જાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | 2 Comments

આજનું ચિંતન – સત્ય – આગંતુક

સત્ય ત્રણ પ્રકારના હોય છે.

૧. પારમાર્થિક સત્ય:
બ્રહ્મ સત્ય.બ્રહ્મ સર્વ જીવો અને જગતને સત્તા સ્ફુર્તિ આપે છે. સર્વનું અધિષ્ઠાન છે. સર્વને માટે સમાન રીતે અસ્તિત્વ ધરાવે છે. પારમાર્થિક સત્ય નિરપેક્ષ છે. બ્રહ્મને કોઈનો આધાર લેવાની જરૂર નથી તે સર્વનો આધાર છે.

૨. પ્રાતિભાસિક સત્ય:
સ્વપ્ન જગત, ભાવ જગતમાં અનુભવાતા સત્યો પ્રાતિભાસિક હોય છે. સ્વપ્ન અને ભાવમાં જે એક જીવને અનુભવાય તે બીજાને ન અનુભવાય. પ્રાતિભાસિક સત્યને અંગત સત્ય કહી શકાય. પ્રાતિભાસિક સત્યની મહદ અસર જે તે જીવને થાય છે. તેની પરોક્ષ અસર અન્ય જીવને થઈ શકે.

૩. વ્યવહારિક સત્ય:
વ્યવહારિક સત્ય સાપેક્ષ છે. તે વ્યક્તિગત કે સામુહિક હોઈ શકે. વ્યવહારિક સત્ય દેશ, કાળ અને પદાર્થ પર આધારિત હોય છે. એકને માટે આવવું તે બીજા માટે જવું હોઈ શકે. એકને માટે જીતવું તે બીજા માટે હારવું હોઈ શકે. એકનું દુ:ખ બીજાનું સુખ હોઈ શકે. એકનું હાસ્ય બીજાનું રુદન હોઈ શકે.

Categories: ચિંતન | Tags: , , , , , | 3 Comments

શ્રી વાક્યસુધા (૪૧,૪૨/૪૩) – આદિ શંકરાચાર્ય

તે પારમાર્થિક જીવની અદ્વય બ્રહ્મની સાથેના એકપણાની યોગ્યતાને જણાવે છે:

પારમાર્થિકજીવસ્તુ બ્રહ્મૈકં પારમાર્થિકમ |
પ્રત્યેતિ વીક્ષતે નાન્યદ્વીક્ષતે ત્વનૃતાત્મના || ૪૧ ||

શ્લોકાર્થ:
બ્રહ્મ જ એક પારમાર્થિક છે તેમ પારમાર્થિક જીવ જાણે છે. અન્ય જોતો નથી. જો જુએ છે તો મિથ્યારૂપે જુએ છે.

ટીકા:
બ્રહ્મ જ એક પારમાર્થિક વસ્તુ છે તેમ પારમાર્થિક જીવ અભેદ ભાવે જાણે છે. અન્ય પરિચ્છિન્ન વસ્તુને તે સત્યરૂપે જોતો નથી. જો કદાચિત તે અન્ય પરિચ્છિન્ન પદાર્થને જુએ છે તો મિથ્યારૂપે જુએ છે.

કોઈ પ્રતમાં બ્રહ્મૈકં ને સ્થાને બ્રહ્મૈક્યં તેવો પાઠ છે.


વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવ અવિદ્યા વડે કલ્પિત હોવાથી જડ છે, તેથી તેનું જીવપણું ઘટતું નથી, કેમ કે જીવ તો ચેતન રૂપ છે તેમ શંકા થાય તો તેનું દૃષ્ટાંત વડે નિરાકરણ કરે છે:

માધુર્યદ્રવશૈત્યાદિજલધર્માસ્તરંગકે |
અનુગમ્યાપિ તન્નિષ્ઠે ફેનેSપ્યનુગતા યથા ||

શ્લોકાર્થ:
જેમ મધુરપણું, વહન ને શીતપણું આદિ જલના ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુગત છે, તેમ પારમાર્થિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવ વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવમાં પણ અનુવર્તે છે.

ટીકા:
જેમ મધુરપણું, વહેવું ને શીતલતા આદિ જલના સ્વાભાવિક ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુવર્તે છે, તેમ સાક્ષીમાં રહેલા સચ્ચિદાનંદાદિ સ્વભાવ પણ વ્યાવહારિક તથા પ્રાતિભાસિક જીવમાં અનુવર્તે છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

दुर्जन: सज्जनो भूयात – આદિ શંકરાચાર્ય

दुर्जन: सज्जनो भूयात
सज्जन: शांतिमाप्नुयात्।
शान्तो मुच्येत बंधेम्यो
मुक्त: चान्यान् विमोच्येत् ॥

દુર્જન સજ્જન બને
સજ્જન શાંત બને
શાંતજન બંધનોથી મુક્ત થાય
મુક્ત હોય તે અન્યને મુક્ત કરે

Categories: પ્રેરણા / પ્રોત્સાહન, પ્રેરણાદાયી સાહિત્ય, સંસ્કૃત | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૯,૪૦/૪૩) – આદિ શંકરાચાર્ય

પ્રાતિભાસિક જીવના સ્વરૂપને કહી તેનાથી ભિન્ન વ્યાવહારિક જીવને કહે છે:

પ્રાતિભાસિકજીવસ્તુ જગતત્પ્રાત્તિભાસિકમ |
વાસ્તવં મન્યતે યસ્તુ મિથ્યેતિ વ્યાવહારિક: || ૩૯ ||

શ્લોકાર્થ:
પ્રાતિભાસિક જીવ તો તે પ્રાતિભાસિક જગતને વાસ્તવિક માને છે. જે તેને મિથ્યા માને છે તે વ્યાવહારિક જીવ છે.

ટીકા:
સ્વપ્નાવસ્થાવાળો પ્રાતિભાસિક જીવ તો છીપમાં કલ્પાયેલા રૂપાના જેવા કલ્પિત માત્ર પ્રતીત થનારા સ્વપ્નના જગતને સત્ય માને છે.

જે એ સ્વપ્નના જગતને મિથ્યા જાણે છે તે વ્યાવહારિક જીવ કહેવાય છે.


એવી રીતે પ્રાતિભાસિક જીવથી વ્યાવહારિક જીવનો ભેદ કહીને હવે વ્યાવહારિક જીવથી પારમાર્થિક જીવનો ભેદ કહે છે:

વ્યાવહારિકજીવસ્તુ જગત્તદ્વયાવહારિકમ |
સત્યં પ્રત્યેતિ મિથ્યેતિ મન્યતે પારમાર્થિક: || ૪૦ ||

શ્લોકાર્થ:
વ્યાવહારિક જીવ તો તે વ્યાવહારિક જગતને સત્ય જાણે છે, ને જે તે મિથ્યા છે તેમ માને છે તે પારમાર્થિક છે.

ટીકા:
જાગ્રત દશા વાળો વ્યાવહારિક જીવ પ્રતીત થતા આ વ્યાવહારિક જગતને ત્રણે કાલમાં રહેનારું માને છે. જે જીવ આ પ્રતીત થતું જગત મિથ્યા છે તેમ માને છે તે જીવ પારમાર્થિક કહેવાય છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Leave a comment

આજનું ચિંતન – આગંતુક

રચનાત્મક કે પ્રેરણાત્મક બાબતો કરતાં મહદ જન સમુદાયને વિવાદ અને નકારાત્મક બાબતોમાં જ વધારે રસ હોય છે.

Categories: ચિંતન | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૮/૪૩) – આદિ શંકરાચાર્ય

જીવનું તથા જગતનું પ્રાતિભાસિકપણું કેવી રીતે છે તેમ જાણવાની ઈચ્છા થાય તો તેનું સમાધાન કરે છે:

પ્રતીતિકાલ એવૈતે સ્થિતત્વાત્પ્રાતિભાસિકે |
નહિ સ્વપ્નપ્રબુદ્ધસ્ય પુન: સ્વપ્ને સ્થિતિસ્તયો: || ૩૮ ||

શ્લોકાર્થ:
એ બંને પ્રતીતિકાલમાં જ સ્થિત હોવાથી પ્રાતિભાસક છે. સ્વપ્નમાંથી જાગેલાની પુન: સ્વપ્નમાં સ્થિતિ નથી, તેથી તે બંને નથી.

ટીકા:
એ જીવ તથા જગત પ્રતીતિના સમયમાં જ સ્થિત હોવાથી તે બંને પ્રાતિભાસિક એટલે પ્રતીતિના સમયમાં જ પ્રતીત થનાર કહેવાય છે. સ્વપ્નમાંથી જાગેલા પુરુષની પુન: સ્વપ્નમાં સ્થિતિ થતી નથી, તેથી સ્વપ્નનું જગત ને જીવ એ બંને જાગેલાને પ્રતીત થતાં નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૩૭/૪૩) – આદિ શંકરાચાર્ય

જીવ ને જગત જો અનાદિ હોય, તો મોક્ષની પહેલાં તેમની નિવૃત્તિ ન થતી હોય, તો શ્રુતિ સ્મૃતિમાં સૃષ્ટિ પ્રલય તથા સુષુપ્તિ જાગ્રત કહ્યાં છે તે શી રીતે સંભવી શકે તેમ શંકા થાય તો તેના સમાધાનમાં કહે છે:

ચિદાભાસે સ્થિતા નિદ્રા વિક્ષેપાવૃત્તિરુપિણી |
આવૃત્ય જીવજગતી પૂર્વં નૂત્નેન કલ્પયેત || ૩૭ ||

શ્લોકાર્થ:
આવરણ ને વિક્ષેપવાળી નિદ્રા ચિદાભાસમાં રહેલી છે. તે પ્રથમ જીવ જગતને ઢાંકીને નૂતનરૂપે કલ્પે છે.

ટીકા:
આવરણ સ્વભાવવાળી તથા વિક્ષેપસ્વભાવ વાળી વ્યષ્ટિ-અવિદ્યા ચિદાભાસ એટલે જીવમાં રહેલી છે. તે સુષુપ્તિમાં અને પ્રલયમાં જીવનો તથા જગતનો પોતાની સાથે અભેદ કરે છે, ને પછી જાગ્રતમાં તથા જગતની ઉત્પતિના સમયમાં તે જીવને તથા જગતને નૂતનરૂપે પ્રતીત કરાવે છે, પ્રાતિભાસિક જીવના તથા જગતના વ્યવહારને પ્રવર્તાવે છે.

કોઈ પ્રતમાં ઉત્તરાર્ધનું બીજું ચરણ પૂર્વે નૂત્ને તુ કલ્પયેત (તે પૂર્વનાં વ્યાવહારિક જીવ જગતને ઢાંકીને બીજાં નવીન પ્રાતિભાસિક કલ્પે છે.) એવું જોવામાં આવે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

हरिदास और हरिदासी

जातपात पूछे नहीं कोई, हरि को भजे सो हरि का होई

Categories: ભારતિય સંસ્કૃતિ | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.