તે પારમાર્થિક જીવની અદ્વય બ્રહ્મની સાથેના એકપણાની યોગ્યતાને જણાવે છે:
પારમાર્થિકજીવસ્તુ બ્રહ્મૈકં પારમાર્થિકમ |
પ્રત્યેતિ વીક્ષતે નાન્યદ્વીક્ષતે ત્વનૃતાત્મના || ૪૧ ||
શ્લોકાર્થ:
બ્રહ્મ જ એક પારમાર્થિક છે તેમ પારમાર્થિક જીવ જાણે છે. અન્ય જોતો નથી. જો જુએ છે તો મિથ્યારૂપે જુએ છે.
ટીકા:
બ્રહ્મ જ એક પારમાર્થિક વસ્તુ છે તેમ પારમાર્થિક જીવ અભેદ ભાવે જાણે છે. અન્ય પરિચ્છિન્ન વસ્તુને તે સત્યરૂપે જોતો નથી. જો કદાચિત તે અન્ય પરિચ્છિન્ન પદાર્થને જુએ છે તો મિથ્યારૂપે જુએ છે.
કોઈ પ્રતમાં બ્રહ્મૈકં ને સ્થાને બ્રહ્મૈક્યં તેવો પાઠ છે.
વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવ અવિદ્યા વડે કલ્પિત હોવાથી જડ છે, તેથી તેનું જીવપણું ઘટતું નથી, કેમ કે જીવ તો ચેતન રૂપ છે તેમ શંકા થાય તો તેનું દૃષ્ટાંત વડે નિરાકરણ કરે છે:
માધુર્યદ્રવશૈત્યાદિજલધર્માસ્તરંગકે |
અનુગમ્યાપિ તન્નિષ્ઠે ફેનેSપ્યનુગતા યથા ||
શ્લોકાર્થ:
જેમ મધુરપણું, વહન ને શીતપણું આદિ જલના ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુગત છે, તેમ પારમાર્થિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવ વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવમાં પણ અનુવર્તે છે.
ટીકા:
જેમ મધુરપણું, વહેવું ને શીતલતા આદિ જલના સ્વાભાવિક ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુવર્તે છે, તેમ સાક્ષીમાં રહેલા સચ્ચિદાનંદાદિ સ્વભાવ પણ વ્યાવહારિક તથા પ્રાતિભાસિક જીવમાં અનુવર્તે છે.