Daily Archives: 14/06/2012

આજનું ચિંતન – સત્ય – આગંતુક

સત્ય ત્રણ પ્રકારના હોય છે.

૧. પારમાર્થિક સત્ય:
બ્રહ્મ સત્ય.બ્રહ્મ સર્વ જીવો અને જગતને સત્તા સ્ફુર્તિ આપે છે. સર્વનું અધિષ્ઠાન છે. સર્વને માટે સમાન રીતે અસ્તિત્વ ધરાવે છે. પારમાર્થિક સત્ય નિરપેક્ષ છે. બ્રહ્મને કોઈનો આધાર લેવાની જરૂર નથી તે સર્વનો આધાર છે.

૨. પ્રાતિભાસિક સત્ય:
સ્વપ્ન જગત, ભાવ જગતમાં અનુભવાતા સત્યો પ્રાતિભાસિક હોય છે. સ્વપ્ન અને ભાવમાં જે એક જીવને અનુભવાય તે બીજાને ન અનુભવાય. પ્રાતિભાસિક સત્યને અંગત સત્ય કહી શકાય. પ્રાતિભાસિક સત્યની મહદ અસર જે તે જીવને થાય છે. તેની પરોક્ષ અસર અન્ય જીવને થઈ શકે.

૩. વ્યવહારિક સત્ય:
વ્યવહારિક સત્ય સાપેક્ષ છે. તે વ્યક્તિગત કે સામુહિક હોઈ શકે. વ્યવહારિક સત્ય દેશ, કાળ અને પદાર્થ પર આધારિત હોય છે. એકને માટે આવવું તે બીજા માટે જવું હોઈ શકે. એકને માટે જીતવું તે બીજા માટે હારવું હોઈ શકે. એકનું દુ:ખ બીજાનું સુખ હોઈ શકે. એકનું હાસ્ય બીજાનું રુદન હોઈ શકે.

Categories: ચિંતન | Tags: , , , , , | 3 Comments

શ્રી વાક્યસુધા (૪૧,૪૨/૪૩) – આદિ શંકરાચાર્ય

તે પારમાર્થિક જીવની અદ્વય બ્રહ્મની સાથેના એકપણાની યોગ્યતાને જણાવે છે:

પારમાર્થિકજીવસ્તુ બ્રહ્મૈકં પારમાર્થિકમ |
પ્રત્યેતિ વીક્ષતે નાન્યદ્વીક્ષતે ત્વનૃતાત્મના || ૪૧ ||

શ્લોકાર્થ:
બ્રહ્મ જ એક પારમાર્થિક છે તેમ પારમાર્થિક જીવ જાણે છે. અન્ય જોતો નથી. જો જુએ છે તો મિથ્યારૂપે જુએ છે.

ટીકા:
બ્રહ્મ જ એક પારમાર્થિક વસ્તુ છે તેમ પારમાર્થિક જીવ અભેદ ભાવે જાણે છે. અન્ય પરિચ્છિન્ન વસ્તુને તે સત્યરૂપે જોતો નથી. જો કદાચિત તે અન્ય પરિચ્છિન્ન પદાર્થને જુએ છે તો મિથ્યારૂપે જુએ છે.

કોઈ પ્રતમાં બ્રહ્મૈકં ને સ્થાને બ્રહ્મૈક્યં તેવો પાઠ છે.


વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવ અવિદ્યા વડે કલ્પિત હોવાથી જડ છે, તેથી તેનું જીવપણું ઘટતું નથી, કેમ કે જીવ તો ચેતન રૂપ છે તેમ શંકા થાય તો તેનું દૃષ્ટાંત વડે નિરાકરણ કરે છે:

માધુર્યદ્રવશૈત્યાદિજલધર્માસ્તરંગકે |
અનુગમ્યાપિ તન્નિષ્ઠે ફેનેSપ્યનુગતા યથા ||

શ્લોકાર્થ:
જેમ મધુરપણું, વહન ને શીતપણું આદિ જલના ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુગત છે, તેમ પારમાર્થિક જીવના સચ્ચિદાનંદાદિ સ્વભાવ વ્યાવહારિક ને પ્રાતિભાસિક જીવમાં પણ અનુવર્તે છે.

ટીકા:
જેમ મધુરપણું, વહેવું ને શીતલતા આદિ જલના સ્વાભાવિક ધર્મો તરંગમાં અનુવર્તીને તેમાં રહેલા ફીણમાં પણ અનુવર્તે છે, તેમ સાક્ષીમાં રહેલા સચ્ચિદાનંદાદિ સ્વભાવ પણ વ્યાવહારિક તથા પ્રાતિભાસિક જીવમાં અનુવર્તે છે.


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.