હવે જીવના તથા જગતના સ્વરૂપને કહે છે:
જીવો ધીસ્થશ્ચિદાભાસો જગત્સ્યાદ્ભૂતભૌતિકમ |
અનાદિકાલમારભ્ય મોક્ષાત્પૂર્વમિદં દ્વયમ || ૩૬ ||
શ્લોકાર્થ:
બુદ્ધિમાં રહેલો ચિદાભાસ જીવ છે, ને ભૂત ભૌતિક જગત છે. અનાદિકાલથી માંડીને મોક્ષની પૂર્વે આ બંને છે.
ટીકા:
બુદ્ધિમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ તે અવિદ્યાએ કલ્પેલો જીવ છે, અને આકાશાદિ પાંચ ભૂતો તથા એ ભૂતોમાંથી ઉપજેલાં પ્રાણીઓનાં શરીરો તથા જડ પદાર્થો એ જગત છે. આમાં જીવ ભોક્તા છે, ને જગત ભોગ્ય છે. આ બંને અખંડ બ્રહ્મમાં અવિદ્યાવડે કલ્પિત છે. અનાદિ કાલથી માંડીને અવિદ્યાની નિવૃત્તિરૂપ મોક્ષની પૂર્વે આ જીવ ને જગત પ્રતીત થયા કરે છે, બાધ પામતાં નથી.
નોંધ:
કોઈ પ્રતમાં ૩૬-૩૭ શ્લોક નીચે પ્રમાણે જોવામાં આવે છે:
જીવો ધીસ્થશ્ચિદાભાસો ભવેદ્ભોક્તા હિ કર્મકૃત |
ભોગ્યરુપમિદં સર્વં, જગત્સ્યાદ્ભૂતભૌતિકમ || ૩૬ ||
અનાદિકાલમારભ્ય, મોક્ષાર્પૂર્વમિદં દ્વયમ |
વ્યવહારે સ્થિતં તસ્માદુભયં વ્યાવહારિકમ || ૩૭ ||
બુદ્ધિમાં રહેલો ચિદાભાસ જીવ છે, તે કર્મ કરનારો ને ભોક્તા છે. આ ભૂતો અને ભૂતોના કાર્યરૂપ સર્વ જગત ભોગ્યરૂપ છે. અનાદિકાલથી આરંભીને મોક્ષની પૂર્વ અવસ્થા સુધી આ ભોક્તા ને ભોગ્ય બંને વ્યવહારમાં સ્થિત છે, તેથી તે બંને વ્યાવહારિક છે.