એ બ્રહ્મ સાક્ષાત્કાર રૂપ સમાધિના ફલને મુંડકોપનિષદના વાક્ય વડે જણાવે છે:
ભિદ્યન્તે હૃદયગ્રન્થિશ્ચિદ્યન્તે સર્વસંશયા: |
ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન્દૃષ્ટે પરાવરે || ૩૧ ||
શ્લોકાર્થ:
તે બ્રહ્મનો સાક્ષાત્કાર થવાથી હૃદયની ગાંઠ ભેદાઈ જાય છે, સર્વ સંશયો છેદાઈ જાય છે, ને કર્મો નાશ પામે છે.
ટીકા:
તે સર્વાત્મક બ્રહ્મનો સ્પષ્ટ અનુભવ થવાથી જ્ઞાનીના આત્માના ને અહંકારના એકપણાની ભ્રાંતિરૂપ હૃદયની ગાંઠ ચીરાઈ જાય છે. આત્માદિને લગતા સર્વે સંશયો છેદાઈ જાય છે.
સર્વ સંચિત કર્મો નાશ પામી જાય છે. ક્રિયમાણ કર્મો સ્પર્શ કરી શકતાં નથી તેમ ચકાર વડે દર્શાવ્યું છે. બ્રહ્મજ્ઞાનીના પ્રારબ્ધ કર્મનો ફલભોગ વડે નાશ થાય છે તેમ સમજવું.