Daily Archives: 02/06/2012

શ્રી વાક્યસુધા (૨૩,૨૪,૨૫,૨૬/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે અંતર ને બહાર બ્રહ્મમાં કરવા યોગ્ય સમાધિને બે પ્રકારે વિભાગ પાડીને સાત શ્લોકો વડે પ્રતિપાદન કરે છે. તેમાં પ્રથમ ચાર શ્લોકો વડે હ્રદયાકાશના આલંબન વાળા સમાધિના ભેદોને કહે છે :

સવિકલ્પોSવિકલ્પશ્ચ સમાધિર્દ્વિવિધો હૃદિ |
દૃશ્યશબ્દાનુવિદ્ધેન સવિકલ્પ: પુનર્દ્વિધા || ૨૩ ||

શ્લોકાર્થ:
હ્રદયમાં બે પ્રકારે સમાધિ છે, સવિકલ્પ ને નિર્વિકલ્પ. પુન: દૃશ્યાનુવિદ્ધ ને શબ્દાનુવિદ્ધ તેમ સવિકલ્પ સમાધિ બે પ્રકારની છે.

ટીકા:
હ્રદયાકાશમાં સ્થિત બ્રહ્મમાં બે પ્રકારે સમાધિ થાય છે, એક સવિકલ્પ ને બીજી નિર્વિકલ્પ.

જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયરૂપ વિકલ્પોનો સારી રીતે વિલય થયા વિના અખંડ સચ્ચિદાનંદસ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા તે સવિકલ્પ સમાધિ કહેવાય છે.

જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયરૂપ વિકલ્પોનો સારી રીતે વિલય થઈને અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપમાં જે ચિત્તની એકાગ્રતા તે નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે.

તેમાં સવિકલ્પ સમાધિના બે પ્રકાર છે : ૧. દૃશ્યાનુવિદ્ધ ને ૨. શબ્દાનુવિદ્ધ.


હવે દૃશ્યાનુવિદ્ધ સમાધિનું સ્વરૂપ કહે છે:

કામાદ્યાશ્ચિત્તગા દૃશ્યાસ્તત્સાક્ષિત્વેન ચેતનમ |
ધ્યાયેદૃશ્યાનુવિદ્ધોSયં સમાધિ: સવિકલ્પક: || ૨૪ ||

શ્લોકાર્થ:
કામ આદિ ચિત્તમાં રહેલું દૃશ્ય છે, તેના સાક્ષીપણા વડે ચેતનનું ધ્યાન કરે. આ દૃશ્યાનુવિદ્ધ સવિક્લ્પ સમાધિ છે.

ટીકા:
દૃશ્ય હોવાથી ને ચિત્તની પેઠે આવિર્ભાવ તિરોભાવ રૂપ ધર્મવાળી હોવાથી કામ ક્રોધાદિ વૃત્તિઓ ચિત્તની જ છે.

વળી જાગ્રતમાં ને સ્વપ્નમાં જ્યારે ચિત્ત હોય ત્યારે તે વૃત્તિઓ હોય છે, ને સુષુપ્તિમાં ચિત્તનો અભાવ હોવાથી તે વૃત્તિઓ હોતી નથી, તેથી પણ સિદ્ધ થાય છે કે કામ ક્રોધાદિ વૃત્તિઓ ચિત્તની જ છે, આત્માની નથી.

આમ હોવાથી તેના સાક્ષિપણા વડે ભેદ પામીને પ્રતીત થતા સ્વપ્રકાશ ચિદાત્માનું ધ્યાન કરે.

આવી રીતે દૃશ્યથી ભિન્ન સાક્ષિનું ધ્યાન કરવું આ દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહેવાય છે.


એવી રીતે સ્થૂલ (દૃશ્યાનુવિદ્ધ) સવિકલ્પ સમાધિને કહીને હવે સૂક્ષ્મ (શબ્દાનુવિદ્ધ) સવિકલ્પ સમાધિને કહે છે :

અસંગ: સચ્ચિદાનન્દ: સ્વપ્રભો દ્વૈતવર્જિત: |
અસ્મીતિ શબ્દવિદ્ધોSયં સમાધિ: સવિકલ્પક: | ૨૫ ||

શ્લોકાર્થ:
અસંગ, સચ્ચિદાનંદ, સ્વપ્રકાશ ને દ્વૈત રહિત હું છું, એવા શબ્દ વડે વિંધાયેલ આ સવિકલ્પ સમાધિ છે.

ટીકા:
કામ ક્રોધાદિ વૃત્તિઓવાળા ચિત્તના સંગથી રહિત, અસત, જડ ને દુ:ખના સંસર્ગથી રહિત સર્વદા જ્ઞાન સ્વભાવયુક્ત ને સમગ્ર દ્વૈતના અવભાસથી રહિત જે અંતરાત્મા છે તે હું છું આવી રીતના શબ્દ વડે બ્રહ્મમાં એકાગ્ર કરેલા ચિત્તની સ્થિતિ આ શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહેવાય છે.


એવી રીતે યત્નથી ક્રમપૂર્વક થતી બે સમાધિને કહીને હવે પછી પોતાની મેળે થનાર નિર્વિકલ્પ સમાધિનો ઉપદેશ કરે છે:

સ્વાનુભૂતિરસાવેશાદદૃશ્યશબ્દાનુપેક્ષિતુ: |
નિર્વિકલ્પ: સમાધિ: સ્યાન્નિર્વાતસ્થલદીપવત || ૨૬ ||

શ્લોકાર્થ:
સ્વાનુભવરૂપ આનંદમાં પ્રવેશ થવાથી દૃશ્યની ને શબ્દની ઉપેક્ષા કરનારાનું ચિત્ત ગતિવાળા વાયુથી રહિત સ્થળમાંના દીવાની પેઠે અચલ રહે તે નિર્વિકલ્પ સમાધિ છે.

ટીકા:
સચ્ચિદાનંદરૂપ પરમાત્મામાં ચિત્તની એકાકારતા થવાથી આગળ કહેલા દૃશ્યનો ને શબ્દનો અનાદર કરનારા મોક્ષ સાધકનું ચિત્ત ગતિવાળા પવનથી રહિત સ્થાનમાં રહેલા દીવાની પેઠે બ્રહ્મમાં અચલ રહે તે – ચિત્તની તે અવસ્થા – નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.