Monthly Archives: May 2012

શ્રી વાક્યસુધા (૭/૪૩) – આદિ શંકરાચાર્ય

ચેતનરૂપ આત્માના ને જડરૂપ બુદ્ધિના એકપણાની ભ્રાંતિ કહી તેને દૃષ્ટાંતવડે સ્પષ્ટ કરે છે :-

છાયાહંકારયોરૈક્યં તપ્તાય: પિંડવન્મતં |
તદહંકારતાદાત્મ્યાદેહશ્ચેતનતામિયાત || ૭ ||

શ્લોકાર્થ:

આભાસનું અને અહંકારનું એકપણું તપેલા લોઢાના ગોળાના જેવું માનેલું છે. તે સાભાસ અહંકારની સાથેના એકપણાના ભ્રમથી દેહ ચેતનપણાને પામેલો જણાય છે.

ટીકા:

જેમ અગ્નિના વ્યાપ્તપણાવડે લોઢાનો ગોળો અગ્નિપણાને પામેલો જણાય છે તેમ આત્મચૈતન્યના વ્યાપ્તપણા વડે અહંકાર ચેતનપણાને પામેલો જણાય છે.

એવી રીતે લિંગશરીરમાં આત્માના આભાસથી આત્મામાં કર્તાપણાનો તથા ભોક્તાપણાનો વ્યવહાર પ્રવૃત્ત થાય છે.

સ્થુલશરીરમાં આભાસવાળા લિંગશરીરનું સંક્રમણ થવાથી સ્થૂલશરીર પણ ચેતનયુક્તપણાના વ્યવહારને યોગ્ય થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૬/૪૩) – આદિ શંકરાચાર્ય

જાગ્રદાદિ અવસ્થાઓ અંત:કરણની છે, અસંગ ને અવિકારી આત્માની તે નથી તેમ પ્રતિપાદન કરે છે :

ચિચ્છાયાવેશતો બુદ્ધૌ ભાનં ધીસ્તુ દ્વિધા સ્થિતા |
એકાહંકૃતિરન્યા સ્યાદન્ત:કરણરુપિણી || ૬ ||

શ્લોકાર્થ: ચેતનના આભાસના પ્રવેશથી બુદ્ધિમાં આત્માનું ભાન થાય છે. તે બુદ્ધિ બે પ્રકારે સ્થિત છે, એક અહંકારરૂપ ને બીજી મનોરૂપ છે.

ટીકા:

પ્રત્યગાત્મસ્વરૂપના આભાસનો અંત:કરણમાં પ્રવેશ થાય છે, તેથી આત્માનું વિશેષ ભાન થાય છે.

ચિદાત્મા સ્વરૂપથી પ્રકાશકપણા વડે પોતે સર્વદા ભાસમાન છતાં પણ પોતાના નિર્વિશેષપણાથી વિશેષ ભાસમાન થતો નથી.

તે ચિદાત્મામાં કલ્પિત અનાદિ અનિર્વચનીય અજ્ઞાન જ્યારે કર્મથી ઉઠેલી વાસનાથી અંત:કરણને આકારે થાય છે ત્યારે તેમાં પ્રકાશકપણા વડે અનુગત ચિદાત્મા અંત:કરણને આકારે પ્રતીત થાય છે. આ વેળા અંત:કરણના ને આત્માના એકપણાની પ્રતીતિથી તે વિશેષ વડે આત્મા સવિશેષ ભાસે છે.

જે અંત:કરણમાં આત્માનું એવી રીતે ભાન થાય છે તે અંત:કરણ બે પ્રકારે સ્થિત છે, એક અહંકારરૂપે ને અન્ય મનોરૂપે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૫/૪૩) – આદિ શંકરાચાર્ય

અંત:કરણાદિની સર્વ અવસ્થાઓના સાક્ષિરૂપ ચેતનનું અવિકારીપણું સિદ્ધ કરતા છતા તેનું એકરૂપપણું અને સર્વના પ્રકાશકપણા વડે તથા સર્વત્ર અવ્યભિચારીપણા વડે અદ્વિતીયપણું પ્રતિપાદન કરે છે :-

નોદેતિ નાસ્તમેત્યેષા ન વૃદ્ધિં યાતિ ન ક્ષયમ |
સ્વયં વિભાત્યથાન્યાનિ ભાસયેત્સાધનં વિના || ૫ ||

શ્લોકાર્થ: આ ચેતન જન્મતું નથી, વિનાશ પામતું નથી, વૃદ્ધિને પામતું નથી ને ક્ષીણતાને પામતું નથી; તે પોતે પોતાની મેળે પ્રકાશે છે, તથા અન્યોને સાધન વિના પ્રકાશે છે.

ટીકા:

આ નિરવયવ ચેતન સર્વના સાક્ષિરૂપપણા વડે સર્વવ્યાપક છતાં પણ તે

કોઈ નિમિત્તથી ઉત્પન્ન થતું નથી,
કોઈ પણ હેતુથી તે વિનાશ પામતું નથી,
કોઈ સામગ્રી વડે તે વૃદ્ધિને પામતું નથી,
કોઈ પણ નિમિત્તથી તે ઘટતું નથી,
તે અન્ય પરિણામને પામતું નથી,
અને તે ઉત્પન્ન થવાની યોગ્યતાવાળું પણ નથી.

આવી રીતે છ ભાવવિકારોથી રહિત છે. આ ચેતન પોતે પોતાથી પ્રકાશે છે, અને અસંગ ને અવિકારી રહી કોઈ પણ સાધનવિના ઉપર કહેલા સર્વ વિકારવાળા પદાર્થોને તથા અન્યોને પ્રકાશે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૪/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે નેત્રાદિની પેઠે મન પણ અન્યનું દૃશ્ય છે તેમ જણાવે છે :-

કામ: સંકલ્પસંદેહૌ શ્રદ્ધાશ્રદ્ધે ધૃતીતરે |
હ્રીર્ધીર્ભીરિત્યેવમાદીન ભાસયત્યેકધા ચિત્તિ: || ૪ ||

શ્લોકાર્થ: ઈચ્છા, સંકલ્પ, સંશય, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધીરજ, અધીરજ, લોકલજ્જા, નિશ્ચય ને ભય ઈત્યાદિને એક પ્રકારનું ચેતન પ્રકાશે છે.

ટીકા:
પ્રાણિપદાર્થની પ્રાપ્તિની ઈચ્છા,
પદાર્થોમાં રમણીયપણાની કલ્પના,
સંશય – બે વિરુદ્ધ કોટીને વિષય કરનારી અંત:કરણની વૃત્તિ,
શાસ્ત્રાદિમાં પ્રમાણપણાના નિશ્ચયવાળી વૃત્તિ,
શાસ્ત્રાદિમાં પ્રમાણપણાના નિશ્ચય વિનાની વૃત્તિ,
ધૈર્ય – બુદ્ધિને ક્ષોભરહિત રાખવાનું બલ, અધૈર્ય,
અયોગ્ય કર્મમાં લોકલજ્જા,
કોઈ પણ વિષયના નિશ્ચયવાળી વૃત્તિ,
ભય, ક્રોધ, લોભ, મોહ, મદાદિ
અનેક પ્રકારની વૃત્તિઓવાળા અંત:કરણને સર્વદા એકરૂપે રહેનારું અવસ્થાંતર વિનાનું ને ધર્માંતર વિનાનું ચેતન પ્રકાશે છે.

તે ચેતનને પ્રકાશનારો અન્ય કોઈ પદાર્થ નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૨,૩/૪૩) – આદિ શંકરાચાર્ય

નીલાદિ અનેક પ્રકારના રૂપો છતાં તેને જોનારું નેત્ર એક પ્રકારનું છે તેમ પ્રતિપાદન કરે છે :-

નીલપીતસ્થૂલસૂક્ષ્મહ્રસ્વદીર્ઘાદિભેદત: |
નાનાવિધાનિ રુપાણિ પશ્યેલ્લોચનમેકધા || ૨ ||

શ્લોકાર્થ: નીલ, પીત, સ્થૂલ, સુક્ષ્મ, હ્રસ્વ ને દિર્ઘાદિના ભેદથી નાના પ્રકારનાં રૂપોને એક પ્રકારનું નેત્ર જુએ છે.

ટીકા:

વાદળી, પીળું, રાતું, લીલું, ધોળું, કાળું, જાંબવું, ચળકાટવાળું, ચળકાટરહિત, જાડું, ઝીણું, ટૂંકું, લાંબું, વાંકું ને ગોળ આદિ અનેક પ્રકારનાં પરસ્પર વ્યભિચારી રૂપો જોતું છતાં લોચન એક પ્રકારનું જ રહે છે, વ્યભિચાર પામતું નથી.

રૂપો અનેક પ્રકારનાં ને એકબીજાથી વિપરીત છે તે દૃશ્ય છે, અને તે દૃશ્યની અપેક્ષાએ નેત્ર તે સર્વ રૂપોનું દૃષ્ટા છે.

બહુ દૃશ્યોના દૃષ્ટાપણા વડે નક્કી કરેલા એક નેત્રનું પણ અંતિમ દૃષ્ટાપણું નથી, કેમ કે તેનું પણ એકરૂપપણું રહેતું નથી, તેથી નેત્ર પણ દૃશ્ય જ છે. એ નેત્રાદિનું દૃષ્ટા મન છે તેમ નીચેના શ્લોકથી જણાવે છે :-

આન્ધ્યમાન્ધ્યપટુત્વેષુ નેત્રધર્મેષ્વનેકધા |
સંકલ્પયન્મન: શ્રોત્રત્વગાદૌ યોજ્યતામિતિ || ૩ ||

શ્લોકાર્થ : અંધપણું, મંદપણું ને પટુપણું એવા અનેક પ્રકારના નેત્રના ધર્મોની કલ્પના કરતું છતું મન દૃષ્ટા છે. શ્રોત્ર ને ત્વચા આદિમાં આ પ્રમાણે યોજના કરવી.

ટીકા :

જો કે એક પુરુષમાં એક જ નેત્રેન્દ્રિય છે તો પણ તે એકરૂપવાળું નથી, અનેક રૂપ વાળું છે. અંધપણું, મંદપણું ને સારી રીતે કામ કરવાની યોગ્યતાવાળાપણું, તેમ તેની અવસ્થાના ભેદ વડે તેનું વિકારીપણું જણાય છે.

જે વિકારી હોય તેમા પોતાના વિકારનું દૃષ્ટાપણું સંભવતું નથી, તેનું દૃષ્ટાપણું કોઈ અન્યમાં સંભવે છે.

નેત્રના દૃષ્ટાનો વિચાર કરતાં અંત:કરણમાં તેનું દૃષ્ટાપણું છે તેમ સિદ્ધ થાય છે.

અંધપણું, મંદપણું ને યથાયોગ્યપણું એવા નેત્રના અનેક વ્યભિચારી ધર્મોમાં નેત્રનું અંધપણું, તેનું મંદપણું ને તેનું નિર્દોષપણું તેમ અનેક પ્રકારે તેના સંબધમાં સંકલ્પ કરતું છતું અંત:કરણ તેના દૃષ્ટાપણાને પામે છે.

અંત:કરણ જેમ નેત્રનું દૃષ્ટા છે તેમ તે શ્રોત્ર ને ત્વચા આદિ અન્ય ઈંદ્રિયોનું પણ દૃષ્ટા છે તેમ જાણવું.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧/૪૩) – આદિ શંકરાચાર્ય

મિત્રો,

હવે આપણે ધીરે ધીરે વેદાંતના થોડા સંસ્કારો પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. આદિ શંકરાચાર્ય કૃત શ્રી વાક્યસુધા નું વાચન તેનો અર્થ તથા શ્રી મન્નથુરામ શર્માજીની ટીકાનો ક્રમે ક્રમે અભ્યાસ કરશું. જ્ઞાન ઉતાવળે પ્રાપ્ત ન થાય. પ્રાપ્ત કરેલ જ્ઞાન મનનથી પચે અને પછી નિદિધ્યાસનથી આપણાં સ્વભાવમાં એકરુપ થાય ત્યાં સુધી ધીરજ ધરવી જરુરી હોય છે. શ્રી વાક્યસુધામાં કુલ ૪૩ શ્લોક છે.

મંગલાચરણ ને ગ્રંથની પ્રતિજ્ઞા
દોહરો
બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુ-પાય;
ટીકા વાક્યસુધા તણી, ગુર્જર-ગિરા લખાય.

આ નામરુપાત્મક જગત નામનો કાદવ આત્માને લાગેલો પ્રતીત થાય છે તે મહાવાક્યરૂપ પરમ પવિત્ર જલ વડે ધોઈ નાખવા યોગ્ય છે. પદાર્થનું જ્ઞાન વાક્યાર્થના જ્ઞાનનું કારણ છે, માટે પ્રથમ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તત્વમસિ (તે બ્રહ્મ તું છે) આ મહાવાક્યમાં ત્વં (તું) એવું જે પદ છે તેના અર્થને ભગવાન ભાષ્યકાર પ્રથમ પાંચ શ્લોકો વડે જણાવે છે.

તેમાં પ્રથમ શ્લોક વડે દૃશ્યનો ને દૃષ્ટાનો વિવેક કરે છે.

રુપં દૃશ્યં લોચનં દૃક તત દૃશ્યં દૃષ્ટ માનસમ |
દૃશ્યા ધીવૃત્તય: સાક્ષી દૃગેવ ન તુ દૃશ્યતે || ૧ ||

શ્લોકાર્થ:
રુપ દૃશ્ય ને નેત્ર દૃષ્ટા,
તે દૃશ્ય ને મન દૃષ્ટા,
બુદ્ધિની વૃત્તિઓ દૃશ્યને સાક્ષી દૃષ્ટા,
તે સાક્ષી દૃશ્ય થતો નથી.

ટીકા:

લીલું, રાતું, ધોળું, પીળું, કાળું, લાંબું, ટુંકુ ને પહોળું ઈત્યાદિ રૂપોને તે રૂપોવાળી સર્વ સ્થૂળ વસ્તુઓ દૃશ્ય છે, ને તે દૃશ્યની અપેક્ષાએ નેત્રો દૃષ્ટા છે.

હમણાં મારા નેત્રો દૂરની વસ્તુઓ જોઈ શકતાં નથી, હમણાં મારાં નેત્રોનું સામર્થ્ય ઘટવા માંડ્યું છે, ને આગળ મારાં નેત્રોમાં બહુ સુક્ષ્મ વસ્તુઓ જોવાનું સામર્થ્ય હતુ, આમ નેત્રોની સ્થિતિનો વિચાર કરવામાં આવે છે ત્યારે નેત્રો દૃષ્ટા મટીને દૃશ્ય થઈ જાય છે, ને તે નેત્રોનું દૃષ્ટા મન છે એમ નક્કી થાય છે.

આ મનને વા અંત:કરણને, તેની વૃત્તિઓના ઉદયને તથા અસ્તને અને તેના શુભાશુભ વેગને જાણનારો અન્ય કોઈ છે એમ જણાય છે. આને જ વાસ્તવિક દૃષ્ટા અથવા સાક્ષી કહેવામાં આવે છે.

આ સાક્ષીની અપેક્ષાએ અંત:કરણની વૃત્તિઓ જે આગળ દૃષ્ટરૂપ ગણાતી હતી તે હવે દૃશ્યપણાને પામે છે. આ સાક્ષી અંતિમ-છેવટનો-દૃષ્ટા છે, તે કોઈનો દૃષ્ય થતો નથી. આ દૃષ્ટાનો જો બીજો દૃષ્ટા માનવામાં આવે તો અનવસ્થા દોષની પ્રાપ્રિ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , , , , , , , | Leave a comment

વિજ્ઞાન નૌકા – આદિ શંકરાચાર્ય

મિત્રો,

આપણે સહુ જાણીએ છીએ કે સાધકોની અને મુમુક્ષુઓની જુદી જુદી યોગ્યતા પ્રમાણે આદિ શંકરાચાર્યજીએ તેમને સાધન પથ પર આગળ ધપવા માટે અનેક સ્તોત્રોની રચના કરી છે. આજે આપણે તેવા એક પરમ શ્રેયસ્કર સ્તોત્ર વિજ્ઞાન નૌકા ને વાંચીએ, તેનો અર્થ જાણીએ અને છેલ્લે સમયની અનુકુળતા અને રુચી હોય તો સાંભળીએ :

અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મના સાક્ષાત્કાર વડે મનુષ્ય આ ભવસાગરનો પાર પામે છે. અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મને અનુભવવું તે વિજ્ઞાન કહેવાય છે. એ વિજ્ઞાન મોક્ષ સાધકને ભવસાગર તારવામાં વહાણનું કામ કરનાર હોવાથી તેને નૌકાની ઉપમા આપી છે. આ વિજ્ઞાનનૌકાના નીચેના પહેલા શ્લોકવડે ચિત્તશુદ્ધિની તથા વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી જે જાણવા યોગ્ય તત્વ છે તે જ મારું વાસ્તવિક સ્વરુપ છે એવી મુમુક્ષુએ ભાવના કરવી જોઈએ :

તપોયજ્ઞદાનાદિભિ: શુદ્ધબુદ્ધિર્વિરક્તો નૃપાદૌ પદે તુચ્છબુદ્ધયા |
પરિત્યજ્ય સર્વં યદાપ્નોતિ તત્વં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૧ ||

તપ, યજ્ઞ ને દાનાદિ વડે શુદ્ધ બુદ્ધિ વાળો અને તુચ્છબુદ્ધિ વડે રાજાદિના પદમાં વૈરાગ્યવાળો મોક્ષ સાધક સર્વનો પરિત્યાગ કરીને જે તત્વને પામે છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું.

દયાલું ગુરું બ્રહ્મનિષ્ઠં પ્રશાન્તં, સમારાધ્ય ભક્ત્યા વિચાર્ય સ્વરુપમ |
યદાપ્નોતિ તત્વં નિદિધ્યાસ્ય વિદ્વાન, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૨ ||

દયાળુ, પરમ શાંત ને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું ભક્તિ વડે સારી રીતે આરાધન કરીને, સ્વરૂપને વિચારીને, અને નિદિધ્યાસ કરીને વિદ્વાન જે તત્વને પામે છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું.

યદાનન્દરુપં પ્રકાશસ્વરુપં, નિરસ્તપ્રપન્ચં પરિચ્છેદશૂન્યમ |
અહં બ્રહ્મવૃત્યૈકગમ્યં તુરીયં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૩ ||

જે આનંદરૂપ, પ્રકાશસ્વરૂપ, પ્રપંચરહિત, પરિચ્છેદરહિત, હું બ્રહ્મ છું આવી વૃત્તિ વડે જ જાણી શકાય એવું ને તુરીય નિત્ય પરબ્રહ્મ છે તે જ હું છું.

યદજ્ઞાનતો ભાતિ વિશ્વં સમસ્તં, વિનષ્ટં ચ સદ્યો યદાત્મપ્રબોધે |
મનોવાગતીતં વિશુદ્ધં વિમુક્તં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૪ ||

જેના અજ્ઞાનથી, સમગ્ર જગત પ્રતીત થાય છે, ને જેના સ્વરુપનું જ્ઞાન થયે તે શીઘ્ર બાધ પામે છે, જે મન તથા વાણીથી પર, અત્યંત શુદ્ધ ને નિત્યમુક્ત નિત્ય પરબ્રહ્મ છે તે જ હું છું.

નિષેધે કૃતે નેતિ નેતીતિ વાક્યૈ:, સમાધિસ્થિતાનાં યદાભાતિ પૂર્ણમ |
અવસ્થાત્રયાતીતમદ્વૈતમેકં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૫ ||

આ નહિ, આ નહિ, એવાં વાક્યો વડે નિષેધ કરવાથી, સમાધિમાં સ્થિર થયેલાને જે પૂર્ણ, ત્રણ અવસ્થાઓથી પર, અદ્વૈત ને એક પ્રતીત થાય છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું.

યદાનન્દલેશૈ: સમાનન્દિ વિશ્વં, યદાભાતિ સત્વે તદાભાતિ સર્વમ |
યદાલોચને હેયમન્યત્સમસ્તં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૬ ||

જેના આનંદના લેશ માત્રથી વિશ્વ સારી રીતે આનંદવાળું થાય છે, જેના પ્રકાશના સદભાવ વડે સર્વ પ્રતીત થાય છે, ને જેનો સાક્ષાત્કાર થયે સર્વ ત્યજવા યોગ્ય જણાય છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું.

અનન્તં વિભું સર્વયોનિં નિરીહં, શિવં સંગહીનં યદોંકારગમ્યમ |
નિરાકારમત્યુજ્જ્વલં મૃત્યુહીનં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૭ ||

જે અનંત, વ્યાપક, સર્વની ઉત્પતિના હેતુરૂપ, ઈચ્છારહિત, કલ્યાણસ્વરૂપ, સંગરહિત, ઓંકાર વડે જાણવા યોગ્ય, નિરાકાર, અતિ ઉજ્જ્વલ ને વિનાશરહિત નિત્ય પરબ્રહ્મ છે તે જ હું છું.

યદાનન્દસિન્ધો નિમગ્ન: પુમાન્સ્યાદવિદ્યાવિલાસ: સમસ્તપ્રપન્ચ: |
તદા ન સ્ફુરત્યદ્ભુતં યન્નિમિત્તં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૮ ||

પુરુષ જ્યારે આનંદસાગરમાં નિમગ્ન થાય છે ત્યારે અવિદ્યાને તેના કાર્યરૂપ સમગ્ર પ્રપંચ પ્રતીત થતો નથી, અને જે અદભુત નિમિત્તરૂપ નિત્ય પરબ્રહ્મ સ્ફુરે છે તે જ હું છું.

સ્વરુપાનુસન્ધાનરુપાં સ્તુતિં ય:, પઠેદાદરાદભક્તિભાવો મનુષ્ય: |
શૃણોતીહ વા નિત્યમુદ્યુક્તચિત્તો, ભવેદવિષ્ણુરત્રૈવ વેદપ્રમાણાત || ૯ ||

જે ભક્તિભાવવાળો મનુષ્ય આદરથી સ્વરુપાનુસંધાન રુપ સ્તુતિ ભણે છે, અથવા ઉદ્યોગી ચિત્તવાળો થઈ નિત્ય સાંભળે છે તે વેદના પ્રમાણથી અહીં જ વ્યાપક-બ્રહ્મ-થાય છે.

વિજ્ઞાનનાવં પરિગૃહ્ય કશ્ચિત, તરેદ્યદજ્ઞાનમયં ભવાબ્ધિમ |
જ્ઞાનાસિના યો હિ વિચ્છિદ્ય તૃષ્ણાં, વિષ્ણો: પદં યાતિ સ એવ ધન્ય: || ૧૦ ||

વિજ્ઞાન રુપ વહાણને ગ્રહણ કરીને જે કોઈ અજ્ઞાનમય સંસાર-સમુદ્રને તરે, અને જ્ઞાનરૂપ તરવાર વડે જે તૃષ્ણાને પૂર્ણપણે છેદીને પરમાત્માના સ્વરૂપને પામે તે જ ધન્ય છે.

ઈતિ શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્યશ્રીમચ્છંકરાચાર્યવિરચિતં વિજ્ઞાન્નૌકા સ્તોત્રં સંપૂર્ણમ ||


સાંભળવા માટે:
http://audioboo.fm/boos/254260-sanskrit-stotram-vigyan-nauka


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , | Leave a comment

Results of Jan Lokpal Survey

12 May (1 day ago)

We had sent a survey questionnaire to you last week in which we asked four questions:

Parliament has 162 MPs with criminal backgrounds. Out of 4,200 MLAs in the country, 1,170 have criminal backgrounds. In addition, there are several with serious corruption charges. Do you think such MPs and such MLAs will ever pass Jan Lokpal Bill?

Out of 34 Central Cabinet Ministers, 16 have serious corruption charges against them. Do you think such a Cabinet will ever pass JanLokpal Bill?

Do you agree that only if people with clean image come to Parliament and Assemblies, JanLokpal Bill will be passed?

Do you agree that Anna should support good candidates with clean image in the elections? (Team Anna will not stand in election – only support good candidates)

We received a sizeable response to our survey. We would like to thank all those who took out time for giving their valuable feedback. The results of the survey can be accessed:

https://www.box.com/shared/static/77fe51069737db72460d.pdf.

In future also, we would be sending you similar mails to seek your opinion. We hope you would continue to support us!

Warm regards,
India Against Corruption Team
Ph: 9718500606
E-mail: indiaagainstcorruption.2012@gmail.com

Categories: ભ્રષ્ટાચાર સામે લડત | Tags: , , | Leave a comment

જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ – સરળ ગીતા

મિત્રો,

કેટલાંક લોકો માને છે કે વેદાંતના પ્રખર પ્રચારક અને વૈદિક સંસ્કૃતિને પુન: સંસ્થાપિત કરનાર શ્રી શંકરાચાર્યજી મહારાજ ભક્ત ન હતાં. આ ષટપદી સાબીત કરે છે કે શ્રી શંકરાચાર્યજી પ્રભુના પરમ ભક્ત હતાં. એક શ્લોકમાં તો તેઓ ત્યાં સુધી કહે છે કે પ્રભુ સમુદ્રનો જ તરંગ હોય કદી સમુદ્ર તરંગનો ન હોય તેવી રીતે હું આપનો છું આપ મારા નથી.

શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી ભગવાન કહે છે કે ચાર પ્રકારના ભક્ત મને ભજે છે.

૧. આર્ત – દુ:ખી
૨. અર્થાર્થી – ધન,વૈભવની ઈચ્છાવાળો
૩. જિજ્ઞાસુ – તત્વને અને મને જાણવાની જિજ્ઞાસાવાળો
૪. જ્ઞાની – કે જે મારા સ્વરુપને સારી રીતે જાણી ચૂક્યો છે.

આ ચારેય પ્રકારના ભક્ત પ્રભુને પ્રિય છે પણ ગીતા અંતર્ગત તેઓ કહે છે કે જ્ઞાની તો મારી સાથે એકરુપ બની ગયો છે એટલે કે મારી અને તેની વચ્ચે ભેદ ન રહેતા તે મારામાં જ ભળી જાય છે.

આજે જોઈએ શ્રી શંકરાચાર્યજી ષટપદી સ્તોત્રમાં પ્રભુને કેવી રીતે પ્રાર્થે છે :

||विष्णुषट्पदी ||

अविनयमपनय विष्णो दमय मनः शमय विषयमृगतृष्णां |
भूतदयां विस्तारय तारय संसारसागरतः ||१||

હે વિષ્ણો ! મારા અવિનયને દૂર કરો, મારા મનને દમો, મારી વિષયસુખની તૃષ્ણાને શમાવો, મારામાં ભૂતદયાને વિસ્તારો, ને મને સંસાર-સાગરથી તારો.

दिव्यधुनीमकरन्दे परिमलपरिभोगसच्चिदानन्दे |
श्रीपतिपदारविन्दे भवभयखेदच्छिदे वन्दे ||२||

દેવનદીરૂપ પુષ્પરસવાળાં, સચ્ચિદાનંદરૂપ સુગંધ ને પ્રસન્નતાવાળાં ને સંસારના ભયનો તથા ખેદનો વિનાશ કરનારાં શ્રીપતિનાં ચરણકમલને હું નમું છું.

सत्यपि भेदापगमे नाथ तवाहं न मामकीनस्त्वं |
सामुद्रो हि तरङ्गः क्वचन समुद्रो न तारङ्गः ||३||

હે નાથ ! ભેદની નિવૃત્તિ થયે પણ હું આપશ્રીનો છું, આપ મારા નથી, તરંગ સમુદ્રનો છે, પણ સમુદ્ર કદી પણ તરંગનો નથી.

उद्धृतनग नगभिदनुज दनुजकुलामित्र मित्रशशिदृष्टे |
दृष्टे भवति प्रभवति न भवति किं भवतिरस्कारः ||४||

હે પર્વતને ઉપાડનારા ! હે ઈંદ્રના નાના ભાઈ ! હે દનુજકુલના શત્રો ! ને હે સૂર્યચંદ્રરૂપ નેત્રવાળા ! સદાદિરૂપવાળા આપનો સાક્ષાત્કાર થયે શું સંસારનો તિરસ્કાર નથી થતો ?

मत्स्यादिभिरवतारैरवतारवताऽवता सदा वसुधां |
परमेश्वर परिपाल्यो भवता भवतापभीतोऽहं ||५||

હે પરમેશ્વર ! મત્સ્યાદિ અવતારો વડે અવતારવાળા ને સમગ્ર પૃથ્વિનું પાલન કરનારા આપશ્રી વડે સંસારદુ:ખોથી ભય પામેલો હું પરિપાલન કરવા યોગ્ય છું.

दामोदर गुणमन्दिर सुन्दरवदनारविन्द गोविन्द |
भवजलधिमथनमन्दर परमं दरमपनय त्वं मे ||६||

હે દામોદર ! હે ગુણમંદિર ! હે સુંદરવદનારવિંદ ! હે ગોવિંદ ! હે ભવસાગરના મથનમાં મંદર ! તમે મારા પરમભયને દૂર કરો.

नारायण करुणामय शरणं करवाणि तावकौ चरणौ |
इति षट्पदी मदीये वदनसरोजे सदा वसतु ||७||

હે નારાયણ ! હે કરુણામય ! આપશ્રીના ચરણોનું હું શરણ ગ્રહણ કરું છું. આ ષટપદી મારા મુખકમલમાં સર્વદા વસો.

||इति श्रीमद् शङ्कराचार्यविरचितं विष्णुषट्पदीस्तोत्रं संपूर्णम् ||

Categories: અધ્યાત્મ / યોગ, ચિંતન, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , , , , | 2 Comments

પ્રેમની અદભુત શક્તિ – સ્વામી જગદાત્માનંદ

નોંધ: આ લેખ શ્રી રામકૃષ્ણ જ્યોત મે-૨૦૧૨ ના અંકમાંથી લેવામાં આવેલ છે.


Categories: શ્રી રામકૃષ્ણ મીશન, શ્રીરામકૃષ્ણ જ્યોત, સાહિત્ય | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.