Daily Archives: 23/05/2012

શ્રી વાક્યસુધા (૯/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે કહેલા અહંકારના ચિદાભાસાદિની સાથેના એકપણાની પ્રતીતિઓની નિવૃત્તિના હેતુઓને ક્રમપૂર્વક પ્રતિપાદન કરે છે :-

સંબન્ધિનો: સતોર્નાસ્તિ નિવૃત્તિ: સહજસ્ય તુ |
કર્મક્ષયાત્પ્રબોધાચ્ચ નિવર્તેતે ક્રમાદુભે || ૯ ||

શ્લોકાર્થ:

અહંકારની અને ચિદાભાસની વિદ્યમાનદશામાં તેમના સહજ એકપણાની નિવૃત્તિ થતી નથી. કર્મના ક્ષયથી ને જ્ઞાનથી ક્રમથી બંને નિવૃત્ત થાય.

ટીકા:

જેમ ઊઘાડી જગામાં રહેલા ઊઘાડા જલપાત્રમાં આકાશમાં રહેલા સૂર્યનું પ્રતિબિંબ તે જલપાત્રની સ્થિતિ સુધી પડે છે, ને જલપાત્રની નિવૃત્તિ સાથે તેમાં પ્રતીત થતાં પ્રતિબિંબની પણ નિવૃત્તિ થાય છે, તેમ અહંકારનો સદભાવ હોય ત્યાં સુધી તેમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે, ને અહંકારની નિવૃત્તિ થયે તેમાં પ્રતીત થતા ચેતનના પ્રતિબિંબની નિવૃત્તિ થાય છે, અર્થાત ચિદાભાસમાં અહંકારના ભ્રમની નિવૃત્તિ અહંકારની નિવૃત્તિથી થાય છે.

દેહનો આરંભ કરનારા કર્મોનો ક્ષય થવાથી શરીરની સાથેના અહંકાર ભ્રમની નિવૃત્તિ થાય છે, ને જ્ઞાન થવાથી સાક્ષીની સાથેના અહંકાર ભ્રમની નિવૃત્તિ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.