Daily Archives: 19/05/2012

શ્રી વાક્યસુધા (૫/૪૩) – આદિ શંકરાચાર્ય

અંત:કરણાદિની સર્વ અવસ્થાઓના સાક્ષિરૂપ ચેતનનું અવિકારીપણું સિદ્ધ કરતા છતા તેનું એકરૂપપણું અને સર્વના પ્રકાશકપણા વડે તથા સર્વત્ર અવ્યભિચારીપણા વડે અદ્વિતીયપણું પ્રતિપાદન કરે છે :-

નોદેતિ નાસ્તમેત્યેષા ન વૃદ્ધિં યાતિ ન ક્ષયમ |
સ્વયં વિભાત્યથાન્યાનિ ભાસયેત્સાધનં વિના || ૫ ||

શ્લોકાર્થ: આ ચેતન જન્મતું નથી, વિનાશ પામતું નથી, વૃદ્ધિને પામતું નથી ને ક્ષીણતાને પામતું નથી; તે પોતે પોતાની મેળે પ્રકાશે છે, તથા અન્યોને સાધન વિના પ્રકાશે છે.

ટીકા:

આ નિરવયવ ચેતન સર્વના સાક્ષિરૂપપણા વડે સર્વવ્યાપક છતાં પણ તે

કોઈ નિમિત્તથી ઉત્પન્ન થતું નથી,
કોઈ પણ હેતુથી તે વિનાશ પામતું નથી,
કોઈ સામગ્રી વડે તે વૃદ્ધિને પામતું નથી,
કોઈ પણ નિમિત્તથી તે ઘટતું નથી,
તે અન્ય પરિણામને પામતું નથી,
અને તે ઉત્પન્ન થવાની યોગ્યતાવાળું પણ નથી.

આવી રીતે છ ભાવવિકારોથી રહિત છે. આ ચેતન પોતે પોતાથી પ્રકાશે છે, અને અસંગ ને અવિકારી રહી કોઈ પણ સાધનવિના ઉપર કહેલા સર્વ વિકારવાળા પદાર્થોને તથા અન્યોને પ્રકાશે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.