Daily Archives: 17/05/2012

શ્રી વાક્યસુધા (૨,૩/૪૩) – આદિ શંકરાચાર્ય

નીલાદિ અનેક પ્રકારના રૂપો છતાં તેને જોનારું નેત્ર એક પ્રકારનું છે તેમ પ્રતિપાદન કરે છે :-

નીલપીતસ્થૂલસૂક્ષ્મહ્રસ્વદીર્ઘાદિભેદત: |
નાનાવિધાનિ રુપાણિ પશ્યેલ્લોચનમેકધા || ૨ ||

શ્લોકાર્થ: નીલ, પીત, સ્થૂલ, સુક્ષ્મ, હ્રસ્વ ને દિર્ઘાદિના ભેદથી નાના પ્રકારનાં રૂપોને એક પ્રકારનું નેત્ર જુએ છે.

ટીકા:

વાદળી, પીળું, રાતું, લીલું, ધોળું, કાળું, જાંબવું, ચળકાટવાળું, ચળકાટરહિત, જાડું, ઝીણું, ટૂંકું, લાંબું, વાંકું ને ગોળ આદિ અનેક પ્રકારનાં પરસ્પર વ્યભિચારી રૂપો જોતું છતાં લોચન એક પ્રકારનું જ રહે છે, વ્યભિચાર પામતું નથી.

રૂપો અનેક પ્રકારનાં ને એકબીજાથી વિપરીત છે તે દૃશ્ય છે, અને તે દૃશ્યની અપેક્ષાએ નેત્ર તે સર્વ રૂપોનું દૃષ્ટા છે.

બહુ દૃશ્યોના દૃષ્ટાપણા વડે નક્કી કરેલા એક નેત્રનું પણ અંતિમ દૃષ્ટાપણું નથી, કેમ કે તેનું પણ એકરૂપપણું રહેતું નથી, તેથી નેત્ર પણ દૃશ્ય જ છે. એ નેત્રાદિનું દૃષ્ટા મન છે તેમ નીચેના શ્લોકથી જણાવે છે :-

આન્ધ્યમાન્ધ્યપટુત્વેષુ નેત્રધર્મેષ્વનેકધા |
સંકલ્પયન્મન: શ્રોત્રત્વગાદૌ યોજ્યતામિતિ || ૩ ||

શ્લોકાર્થ : અંધપણું, મંદપણું ને પટુપણું એવા અનેક પ્રકારના નેત્રના ધર્મોની કલ્પના કરતું છતું મન દૃષ્ટા છે. શ્રોત્ર ને ત્વચા આદિમાં આ પ્રમાણે યોજના કરવી.

ટીકા :

જો કે એક પુરુષમાં એક જ નેત્રેન્દ્રિય છે તો પણ તે એકરૂપવાળું નથી, અનેક રૂપ વાળું છે. અંધપણું, મંદપણું ને સારી રીતે કામ કરવાની યોગ્યતાવાળાપણું, તેમ તેની અવસ્થાના ભેદ વડે તેનું વિકારીપણું જણાય છે.

જે વિકારી હોય તેમા પોતાના વિકારનું દૃષ્ટાપણું સંભવતું નથી, તેનું દૃષ્ટાપણું કોઈ અન્યમાં સંભવે છે.

નેત્રના દૃષ્ટાનો વિચાર કરતાં અંત:કરણમાં તેનું દૃષ્ટાપણું છે તેમ સિદ્ધ થાય છે.

અંધપણું, મંદપણું ને યથાયોગ્યપણું એવા નેત્રના અનેક વ્યભિચારી ધર્મોમાં નેત્રનું અંધપણું, તેનું મંદપણું ને તેનું નિર્દોષપણું તેમ અનેક પ્રકારે તેના સંબધમાં સંકલ્પ કરતું છતું અંત:કરણ તેના દૃષ્ટાપણાને પામે છે.

અંત:કરણ જેમ નેત્રનું દૃષ્ટા છે તેમ તે શ્રોત્ર ને ત્વચા આદિ અન્ય ઈંદ્રિયોનું પણ દૃષ્ટા છે તેમ જાણવું.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.