Daily Archives: 15/05/2012

વિજ્ઞાન નૌકા – આદિ શંકરાચાર્ય

મિત્રો,

આપણે સહુ જાણીએ છીએ કે સાધકોની અને મુમુક્ષુઓની જુદી જુદી યોગ્યતા પ્રમાણે આદિ શંકરાચાર્યજીએ તેમને સાધન પથ પર આગળ ધપવા માટે અનેક સ્તોત્રોની રચના કરી છે. આજે આપણે તેવા એક પરમ શ્રેયસ્કર સ્તોત્ર વિજ્ઞાન નૌકા ને વાંચીએ, તેનો અર્થ જાણીએ અને છેલ્લે સમયની અનુકુળતા અને રુચી હોય તો સાંભળીએ :

અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મના સાક્ષાત્કાર વડે મનુષ્ય આ ભવસાગરનો પાર પામે છે. અંતરાત્માથી અભિન્ન પરબ્રહ્મને અનુભવવું તે વિજ્ઞાન કહેવાય છે. એ વિજ્ઞાન મોક્ષ સાધકને ભવસાગર તારવામાં વહાણનું કામ કરનાર હોવાથી તેને નૌકાની ઉપમા આપી છે. આ વિજ્ઞાનનૌકાના નીચેના પહેલા શ્લોકવડે ચિત્તશુદ્ધિની તથા વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી જે જાણવા યોગ્ય તત્વ છે તે જ મારું વાસ્તવિક સ્વરુપ છે એવી મુમુક્ષુએ ભાવના કરવી જોઈએ :

તપોયજ્ઞદાનાદિભિ: શુદ્ધબુદ્ધિર્વિરક્તો નૃપાદૌ પદે તુચ્છબુદ્ધયા |
પરિત્યજ્ય સર્વં યદાપ્નોતિ તત્વં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૧ ||

તપ, યજ્ઞ ને દાનાદિ વડે શુદ્ધ બુદ્ધિ વાળો અને તુચ્છબુદ્ધિ વડે રાજાદિના પદમાં વૈરાગ્યવાળો મોક્ષ સાધક સર્વનો પરિત્યાગ કરીને જે તત્વને પામે છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું.

દયાલું ગુરું બ્રહ્મનિષ્ઠં પ્રશાન્તં, સમારાધ્ય ભક્ત્યા વિચાર્ય સ્વરુપમ |
યદાપ્નોતિ તત્વં નિદિધ્યાસ્ય વિદ્વાન, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૨ ||

દયાળુ, પરમ શાંત ને બ્રહ્મનિષ્ઠ સદગુરુનું ભક્તિ વડે સારી રીતે આરાધન કરીને, સ્વરૂપને વિચારીને, અને નિદિધ્યાસ કરીને વિદ્વાન જે તત્વને પામે છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું.

યદાનન્દરુપં પ્રકાશસ્વરુપં, નિરસ્તપ્રપન્ચં પરિચ્છેદશૂન્યમ |
અહં બ્રહ્મવૃત્યૈકગમ્યં તુરીયં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૩ ||

જે આનંદરૂપ, પ્રકાશસ્વરૂપ, પ્રપંચરહિત, પરિચ્છેદરહિત, હું બ્રહ્મ છું આવી વૃત્તિ વડે જ જાણી શકાય એવું ને તુરીય નિત્ય પરબ્રહ્મ છે તે જ હું છું.

યદજ્ઞાનતો ભાતિ વિશ્વં સમસ્તં, વિનષ્ટં ચ સદ્યો યદાત્મપ્રબોધે |
મનોવાગતીતં વિશુદ્ધં વિમુક્તં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૪ ||

જેના અજ્ઞાનથી, સમગ્ર જગત પ્રતીત થાય છે, ને જેના સ્વરુપનું જ્ઞાન થયે તે શીઘ્ર બાધ પામે છે, જે મન તથા વાણીથી પર, અત્યંત શુદ્ધ ને નિત્યમુક્ત નિત્ય પરબ્રહ્મ છે તે જ હું છું.

નિષેધે કૃતે નેતિ નેતીતિ વાક્યૈ:, સમાધિસ્થિતાનાં યદાભાતિ પૂર્ણમ |
અવસ્થાત્રયાતીતમદ્વૈતમેકં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૫ ||

આ નહિ, આ નહિ, એવાં વાક્યો વડે નિષેધ કરવાથી, સમાધિમાં સ્થિર થયેલાને જે પૂર્ણ, ત્રણ અવસ્થાઓથી પર, અદ્વૈત ને એક પ્રતીત થાય છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું.

યદાનન્દલેશૈ: સમાનન્દિ વિશ્વં, યદાભાતિ સત્વે તદાભાતિ સર્વમ |
યદાલોચને હેયમન્યત્સમસ્તં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૬ ||

જેના આનંદના લેશ માત્રથી વિશ્વ સારી રીતે આનંદવાળું થાય છે, જેના પ્રકાશના સદભાવ વડે સર્વ પ્રતીત થાય છે, ને જેનો સાક્ષાત્કાર થયે સર્વ ત્યજવા યોગ્ય જણાય છે તે જ નિત્ય પરબ્રહ્મ હું છું.

અનન્તં વિભું સર્વયોનિં નિરીહં, શિવં સંગહીનં યદોંકારગમ્યમ |
નિરાકારમત્યુજ્જ્વલં મૃત્યુહીનં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૭ ||

જે અનંત, વ્યાપક, સર્વની ઉત્પતિના હેતુરૂપ, ઈચ્છારહિત, કલ્યાણસ્વરૂપ, સંગરહિત, ઓંકાર વડે જાણવા યોગ્ય, નિરાકાર, અતિ ઉજ્જ્વલ ને વિનાશરહિત નિત્ય પરબ્રહ્મ છે તે જ હું છું.

યદાનન્દસિન્ધો નિમગ્ન: પુમાન્સ્યાદવિદ્યાવિલાસ: સમસ્તપ્રપન્ચ: |
તદા ન સ્ફુરત્યદ્ભુતં યન્નિમિત્તં, પરં બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ || ૮ ||

પુરુષ જ્યારે આનંદસાગરમાં નિમગ્ન થાય છે ત્યારે અવિદ્યાને તેના કાર્યરૂપ સમગ્ર પ્રપંચ પ્રતીત થતો નથી, અને જે અદભુત નિમિત્તરૂપ નિત્ય પરબ્રહ્મ સ્ફુરે છે તે જ હું છું.

સ્વરુપાનુસન્ધાનરુપાં સ્તુતિં ય:, પઠેદાદરાદભક્તિભાવો મનુષ્ય: |
શૃણોતીહ વા નિત્યમુદ્યુક્તચિત્તો, ભવેદવિષ્ણુરત્રૈવ વેદપ્રમાણાત || ૯ ||

જે ભક્તિભાવવાળો મનુષ્ય આદરથી સ્વરુપાનુસંધાન રુપ સ્તુતિ ભણે છે, અથવા ઉદ્યોગી ચિત્તવાળો થઈ નિત્ય સાંભળે છે તે વેદના પ્રમાણથી અહીં જ વ્યાપક-બ્રહ્મ-થાય છે.

વિજ્ઞાનનાવં પરિગૃહ્ય કશ્ચિત, તરેદ્યદજ્ઞાનમયં ભવાબ્ધિમ |
જ્ઞાનાસિના યો હિ વિચ્છિદ્ય તૃષ્ણાં, વિષ્ણો: પદં યાતિ સ એવ ધન્ય: || ૧૦ ||

વિજ્ઞાન રુપ વહાણને ગ્રહણ કરીને જે કોઈ અજ્ઞાનમય સંસાર-સમુદ્રને તરે, અને જ્ઞાનરૂપ તરવાર વડે જે તૃષ્ણાને પૂર્ણપણે છેદીને પરમાત્માના સ્વરૂપને પામે તે જ ધન્ય છે.

ઈતિ શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્યશ્રીમચ્છંકરાચાર્યવિરચિતં વિજ્ઞાન્નૌકા સ્તોત્રં સંપૂર્ણમ ||


સાંભળવા માટે:
http://audioboo.fm/boos/254260-sanskrit-stotram-vigyan-nauka


Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, ચિંતન, સંસ્કૃત, સ્તોત્ર | Tags: , | Leave a comment

Blog at WordPress.com.