અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

મિત્રો,

ગુજરાતે આજે તેના અનુભવના ભાથામાં એક વર્ષનો વધારો કર્યો છે. કેટલાંક લોકો જીવનમાં વર્ષો ઉમેરતાં હોય છે અને કેટલાક લોકો વર્ષોમાં જીવન ઉમેરતાં હોય છે. ગુજરાતે તેના વર્ષોમાં જીવનને ઉમેર્યું છે અને તેના જીવનની ફીફ્ટી ક્યારનીયે પુરી કરીને હવે તો વન-મહોત્સવ ઉજવી રહ્યું છે. ગુજરાત તે કોઈ સીમાડામાં બંધ પ્રદેશનું નામ નથી. ગુજરાત એટલે એવું સ્થળ કે જ્યાં એક ગુજરાતી વસે છે. પૃથ્વીના કોઈ પણ પટ ઉપર કે જ્યાં એક પણ ગુજરાતી વસતો હોય તો ત્યાં ગુજરાત જય જય ગરવી ગુજરાતનો શંખ ધ્વની ફુંકીને ખડું થઈ જશે. ગાંધી હવે માત્ર ગુજરાતના નથી રહ્યાં તે વિશ્વમાનવી બની ચૂક્યાં છે. તેવી રીતે સરદારને ય માત્ર ગુજરાત સાથે બાંધી ન શકાય તે સમગ્ર ભારતના છે. મારે આજે વાત કરવી છે એક એવા ગુજરાતીની કે જે માત્ર ગુજરાતના નહી, ભારતના નહી, દુનીયાના નહીં પણ સમગ્ર બ્રહ્માંડના છે. આપણે તેમનો રસાસ્વાદ તેમની એક રચના દ્વારા માણવાનો પ્રયાસ કરીએ :

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

આ ભક્ત કવિ નરસિંહ મહેતા વામનમાંથી વિરાટ બનેલા વામન અવતાર કરતાયે જાણે વિરાટ હોય તેમ તેમના પદની પ્રથમ પંક્તિની શરુઆતમાં જ આખાયે બ્રહ્માંડને આવરી લે છે.

જાણે કે ઈશોપનિશદનો મંત્ર ભણતાં હોય કે :

ઈશાવાસ્યમ ઈદં સર્વં યત્કિંચિત જગત્યાં જગત

આ જે કાઈ છે તે ઈશ તત્વથી આચ્છાદિત કરવા લાયક છે. એક માત્ર શ્રી હરિ અખીલ બ્રહ્માંડમાં વીલસી રહ્યો છે અને જુદા જુદા રુપે જાણે કે તેનો અંત જ ન હોય તેવો અનંત ભાસે છે. શ્રી હરિનો ભાસ દેહમાં બીરાજેલ દેવથી શરુ કરીને સુર્ય ચંદ્ર અને તારાઓમાં યે જે તેજ ભરે છે ત્યાં સુધી વિસ્તાર પામે છે અને છેવટે શુન્યમાં થી પ્રગટ થતાં પરમાત્માના નિ:શ્વાસ જેવી વેદની ઋચાઓમાં પ્રગટ થતો અનુભવે છે.

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

પંચ તત્વોમાં તેની તો સત્તા છે. પવન, પાણી, ભૂમિ, આકાશ અને સમગ્ર વનરાજી સર્વમાં તું જ તો છો. એકલા એકલાં તને મજા નહોતી આવતી તો થયું કે લાવને અનેક રુપે અનેક પાત્રોમાં વિભાજીત થઈને અનેક રસ માણું. તેથી તો તે પ્રકૃતિના ત્રણ ગુણોને લઈને તેમાં તારા સંકલ્પ માત્રથી આ બ્રહ્માંડના જીવોની અને બ્રહ્માંડની રચના કરી. શિવમાંથી જીવ થવાનો તારો હેતું તો અનેક પ્રકારના રસનો આનંદ માણવાનો જ હતો ને? એટલે તો તને રસોવૈસ: કહે છે ને?

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

સોનાના દાગીનામાં સોનું ક્યાં છે તેવું જો કોઈ પુછે તો હસવું ન આવે? કોઈ કહે કે અરે આ તો કુંડળ છે, આ હાર છે, આ ઝાંઝર છે, આ નથડી છે, આ વાળી છે પણ આમાં સોનું ક્યાં છે? આવું કોઈ પુછે તો સોની શું કહે? કહે કે અરે ભાઈ આ બધું સોનું જ છે. આ તો સોનાને જુદા જુદા ઘાટ આપ્યાં છે. તેવી રીતે કોઈ કહે કે હું હિંદુ છું, મુસલમાન છું, ઈસાઈ છું, બુદ્ધ છું, જૈન છું, પારસી છું તો હવે મારે આ જગતમાં કેવી રીતે વર્તવું? તેને કહેવું પડે કે ભાઈ આ બધું ભુલી જા અને પહેલા તો સમજી લે કે તું માણસ છો. તારામાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે. પાંચ પ્રાણ છે. તારી અંદર લાલ લોહી વહે છે તેવું જ બધાના શરીરમાં વહે છે. તું ખોરાકમાંથી શક્તિ મેળવે છો તેવી રીતે બધા ખોરાકમાંથી શક્તિ મેળવે છે. તું જેવી રીતે મનથી વિચારે છે તેવી રીતે બધા મનથી વિચારે છે. તું ઓક્સીજન શ્વાસમાં લે છે તેવી રીતે બધાં શ્વાસમાં ઓક્સીજન લે છે. તું જેમ પ્રાણોને ટકાવી રાખવા માટે પાણી પીવે છે તેમ બધાં પાણી પીવે છે. જેવી રીતે ઘરેણાના આકારને લીધે તને સોનાને બદલે ઘરેણાં દેખાય છે તેવી રીતે તારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોવાને લીધે તને મનુષ્યોને બદલે હિંદુ, મુસલમાન, ઈસાઈ, બુદ્ધ, પારસી, જૈન અને બીજા અનેક પ્રકારથી વિભાજીત થયેલ મનુષ્ય દેખાય છે. સોની પાસે કોઈ ઘરેણાનું મુલ્ય કરાવો તો તે ઘરેણાનો ઘાટ જોઈને નહીં પણ સોનાનું વજન જોઈને મૂલ્ય કરશે તેવી રીતે માણસનું મુલ્ય કરવું હોય તો તેનો ધર્મ, જાતી, વેપાર, ઘન સંપત્તિ, પદવી કે સિદ્ધિઓ વગેરે જોઈને નહીં પણ તેનામાં કેટલી માણસાઈ છે તેને આધારે મૂલ્ય થાય.

કબીરા કુવા એક હૈ
પનિહારી અનેક
બરતન સબ ન્યારે ભયે
પાની એક કા એક

બ્રહ્માંડ રુપી કુવામાં ચૈતન્ય રુપી જળ એકનું એક છે. જુદા જુદા મનુષ્યો,પ્રાણીઓ અને વૃક્ષો પનિહારીની જેમ અનેક છે તેમના અંત:કરણ રુપી બરતન અલગ અલગ છે પણ તે સર્વની અંદર જીવરુપે વિલસી રહેલું ચૈતન્ય એકનું એક છે.

ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

જુદા જુદા મહાપુરુષોને જુદા જુદા સમયે તે એક માત્ર ચૈતન્યનો અનુભવ થયો અને તે અનુભવની વાતો પછી ગ્રંથરુપે પ્રગટ થઈ. લોકો આ ગ્રંથને પ્રમાણ માનીને લડાઈ કરી રહ્યાં છે. હિંદુઓ કહેશે કે મારા વેદને માને તો જ તે આસ્તિક અને નહીં તો નાસ્તિક. મુસલમાનો કહેશે કે જે ઈસ્લામના સિદ્ધાંતો માનશે તે જ સાચો અલ્લાહનો બંદો અને નહીં તો તે કાફર છે. ઈસાઈઓ કહેશે કે ઈસુ ખ્રીસ્તને ન માનો તો તમારું કલ્યાણ નહીં થાય. તેવી રીતે સહુ કોઈ મહાપુરુષના અનુયાયીઓ પોત પોતાના ગ્રંથો લઈને વાદ વિવાદ કર્યાં કરશે. આમ ગ્રંથો સઘળા ગરબડ કરનારા છે. સહુ કોઈ પોતાના મન થી માની લે છે કે તેમના ગ્રંથો જ સાચા છે, તે જે કહે છે તે જ સાચું છે તે જે કાઈ કરે છે તે જ સાચું છે અને બીજા બધા જે કાઈ કરે છે તે ગપ ગોળા છે. ખરેખર તો જેને જે ગમે છે તેને પુજ્યાં કરતા હોય છે. વૈજ્ઞાનિકો કોઈ મહાન વૈજ્ઞાનિક ને આદર્શ બનાવશે, વેપારી કોઈ સફળ વેપારીને આદર્શ બનાવશે, યોદ્ધો કોઈ સેનાપતિને આદર્શ બનાવશે. જેને આદર્શ બનાવશે તેના વિચારો સમજીને જીવનમાં ઉતારે તો કલ્યાણ થાય પણ તે તો માત્ર તેની મુર્તીની કે છબીની પુજા કર્યા કરશે. આમ આદર્શો અને ગ્રંથો ગરબડ ઉભી કરે છે અને સર્વની અંદર જે એક માત્ર શ્રી હરિ વિલસી રહ્યાં છે તેની અનુભુતી થવામાં વિક્ષેપરુપ થાય છે.

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ –

હવે નરસૈંયો કહે છે કે જો આ પ્રભુને પામવા હોય તો ગ્રંથને પડતાં મુકો, તમારી માન્યતાઓને કોરાણે મુકો અને આ પ્રકૃતિનું અવલોકન કરો. વૃક્ષમાં બીજ રુપે અને બીજમાં વૃક્ષ રુપે તે જ તો સંતાકુકડી રમી રહ્યો છે. બાહ્ય પ્રકૃતિમાં અવલોકન કરવાથી સમગ્ર બ્રહ્માંડમાં તેનો રાસ અને વિલાસ અનુભવાશે અને પોતાના અંત:કરણમાં ધ્યાન દ્વારા પ્રેમપૂર્વક તેનો અભ્યાસ કરવાથી પોતાની અંદર પણ તે જ શ્રી હરિ બ્રહ્માનંદ રુપે પ્રગટ થશે.

તો આવા એક બ્રહ્માંડ માનવી ભક્ત કવિ નરસિંહ મહેતાને આજે યાદ કરીને આપણાં મનમાં રહેલી સર્વ સંકુચિતતા અને કટ્ટરતાનો ત્યાગ કરીને, ભ્રષ્ટાચારથી દૂર રહીને, શિષ્ટાચાર અપનાવીને, વધુ ને વધુ કર્તવ્ય કર્મો કરતાં કરતાં આપણાં વ્યક્તિત્વના, કુટુંબના, સમાજના, ગુજરાતના, ભારતના અને સમગ્ર વિશ્વના વિકાસમાં અને આંતર જીવો પ્રત્યે પરસ્પર પ્રેમ અને સદભાવ ટકાવી રાખવામાં આપણો યથામતિ અને યથાશક્તિ ફાળો આપવાનો પ્રયાસ કરીએ.

Categories: ચિંતન, પ્રેરણાદાયી સાહિત્ય, ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભારતિય સંસ્કૃતિ, રાષ્ટ્રનો વિકાસ, સાહિત્ય | Tags: , , , , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: