Monthly Archives: May 2012

શ્રી વાક્યસુધા (૨૦,૨૧/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે તત્પદ અને ત્વંપદના એકપણાને કહેવાને તત્પદના તથા ત્વંપદના વાચ્યાર્થને તથા લક્ષ્યાર્થને ક્રમપૂર્વક બે શ્લોકો વડે જણાવે છે :

અસ્તિ ભાતિ પ્રિયં રુપં નામ ચેત્યંશપંચકમ |
આદ્યં ત્રયં બ્રહ્મરુપં જગદ્રૂપં તતો દ્વયમ || ૨૦ ||

શ્લોકાર્થ:
છે, સ્ફૂરે છે, પ્રિય, રૂપ ને નામ આ પાંચ અંશવાળું જગત છે. પ્રથમના ત્રણ બ્રહ્મરૂપ છે, ને પછીના બે સંસારરૂપ છે.

ટીકા:
સત્તા (છે), સ્ફૂર્તિ (પ્રતીત થાય છે), સુખરૂપતા, રૂપ ને નામ આ પાંચ અંશોવાળું આ જગત છે.
અર્થાત
આ જગતમાંના પ્રત્યેક પદાર્થમાં એ પાંચ અંશો હોય છે;

જેમ કે ઘડો છે,
ઘડો પ્રતીત થાય છે,
ઘડો પ્રિય છે,
ઘડો મોટા પેટવાળો ને સાંકડા મોઢાવાળો છે,
ને તેનું ઘડો એવું નામ છે.

આ પાંચ અંશોમાંથી છે, પ્રતીત થાય છે, ને પ્રિય છે, આ ત્રણ અંશો સર્વ પ્રાણિપદાર્થમાં સમાન હોવાથી તે બ્રહ્મરૂપ છે,
અને
રૂપ તથા નામ પ્રત્યેકમાં પૃથક પૃથક હોવાથી તે જગદરૂપ છે.


ખવાય્વગ્નિજલોર્વીષુ દેવતિર્યંનરાદિષુ |
અભિન્નાત્સચ્ચિદાનન્દાદ્બિદ્યેતે રુપનામની || ૨૧ ||

શ્લોકાર્થ:
આકાશ, વાયુ, અગ્નિ, જલ ને પૃથિવીમાં તથા દેવ, તિર્યક ને મનુષ્યાદિમાં અભિન્ન સચ્ચિદાનંદથી રૂપ ને નામ ભેદ પામે છે.

ટીકા:
આકાશ, વાયુ, તેજસ, જલ ને પૃથિવી એ પાંચે મહાભૂતોમાં, સર્વ ભૌતિક પદાર્થોમાં તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, પેટે ચાલનારાં પ્રાણીઓ ને જલચરાદિમાં અસ્તિ (છે), ભાતિ (જણાય છે), ને પ્રિયરૂપે રહેલા એક સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મથી પ્રાણીઓનાં ને પદાર્થોનાં રૂપ તથા નામ ભેદ પામે છે.

બ્રહ્મથી ભિન્ન ને તેમાં કલ્પિત તે રૂપ તથા નામ પરસ્પરમાં વ્યભિચારી ને ઈંદ્રિયગ્રાહ્ય હોવાથી મિથ્યા છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૮,૧૯/૪૩) – આદિ શંકરાચાર્ય

એવી રીતે આવરણ શક્તિ પ્રધાન અજ્ઞાનને લીધે આત્માનું સંસારીપણું કહીને હવે વિક્ષેપશક્તિ પ્રધાન અજ્ઞાનને લીધે જ બ્રહ્મનું સંસાર સહિત પણું છે તેમ જણાવે છે :

સર્ગસ્ય બ્રહ્મણસ્તદ્વદ ભેદમાવૃત્ય તિષ્ઠતિ |
યા શક્તિસ્તદ્વશાત બ્રહ્મ વિકૃતત્વેન ભાસતે || ૧૮ ||

શ્લોકાર્થ:
તેમ જે શક્તિ જગતના ને બ્રહ્મના ભેદને ઢાંકીને રહે છે તે શક્તિને લીધે બ્રહ્મ સંસાર સહિત પણા વડે પ્રતીત થાય છે.

ટીકા:
જેમ આવરણ શક્તિ આત્માના વાસ્તવિક સ્વરૂપના તથા અંત:કરણાદિના વિલક્ષણપણાને ઢાંકીને રહે છે તેમ જે વિક્ષેપશક્તિ આ જગતના ને બ્રહ્મના વિલક્ષણપણાને ઢાંકીને રહે છે તે શક્તિના મહિમાથી અસંગી બ્રહ્મ જગતની ઉત્પત્તિના, સ્થિતિના ને પ્રલયના કારણરૂપ હોય તેમ પ્રતીત થાય છે.


પૂર્વોક્ત આવરણ દૂર થવાથી બ્રહ્મના ને જગતના ભેદની પણ નિવૃત્તિ થાય છે તેમ જણાવે છે :

અત્રાપ્યાવૃત્તિનાશે ન વિભાતિ બ્રહ્મસર્ગયો: |
ભેદસ્તતો વિકાર: સ્યાત્સર્ગે ન બ્રહ્મણિ ક્વચિત || ૧૯ ||

શ્લોકાર્થ:
અહીં પણ આવરણનો નાશ થવાથી બ્રહ્મનો ને જગતનો ભેદ પ્રતીત થતો નથી, તેથી બ્રહ્મમાં કદી પણ જગત સંબંધી વિકાર નથી.

ટીકા:
બ્રહ્મને આશરે રહેલી આવરણ શક્તિરૂપ અવિદ્યાની નિવૃત્તિ થવાથી બ્રહ્મ જગતનું કારણ છે, ને આ જગત બ્રહ્મનું કાર્ય છે, એવો ભેદ નિવૃત્ત થાય છે. અવિદ્યાની નિવૃત્તિ થવાથી તે વિક્ષેપની પણ નિવૃત્તિ થાય છે. એવી રીતે આ સંસારરૂપ વિકાર (કાર્ય) અજ્ઞાન વડે કલ્પિત છે, તેથી અસંગ ને અવિકારી બ્રહ્મમાં કદી પણ આ જગત સંબંધી (જગતની ઉત્પતિ ને સ્થિતિરૂપ) વિક્રિયા નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૫,૧૬,૧૭/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે આવરણ શક્તિને તથા તેના કાર્યને જણાવે છે :

અન્તર્દૃગ્દૃશ્યયોર્ભેદં બહિશ્ચ બ્રહ્મસર્ગયો: |
યાSSવૃણોત્યપરા શક્તિ: સા સંસારસ્ય કારણં || ૧૫ ||

શ્લોકાર્થ:
જે બીજી શક્તિ અંતરના દૃષ્ટા ને દૃશ્યના વિલક્ષણપણાને તથા બહારના બ્રહ્મના ને સૃષ્ટિના વિલક્ષણપણાને ઢાંકે છે તે સંસારનું કારણ છે.

ટીકા:
વિક્ષેપથી ભિન્ન માયાની બીજી શક્તિ જે આવરણ નામથી પ્રસિદ્ધ છે તે શરીરની અંતર દૃષ્ટારૂપ આત્માના ને દૃશ્યરૂપ અહંકારાદિના વિલક્ષણપણાને ઢાંકે છે, તથા શરીરની બહારના પરિપૂર્ણ બ્રહ્મના ને પ્રતીત થતા જગતના વિલક્ષણપણાને ઢાંકે છે, તે શક્તિ આ સંસારનું કારણ છે.


હવે સંસારમાં ભ્રમણ કરનારા જીવનું સ્વરૂપ કહે છે :

સાક્ષિણ: પુરતો ભાતિ લિંગ: દેહેન સંયુત: |
ચિત્તિચ્છાયાસમાવેશાજ્જીવ: સ્યાદ્વયાવહારિક: || ૧૬ ||

શ્લોકાર્થ:
સાક્ષીની આગળ સ્થૂલશરીર સહિત જે સૂક્ષ્મશરીર પ્રતીત થાય છે તે ચેતનના આભાસના પ્રવેશથી વ્યવહારિક જીવ છે.

ટીકા:
સર્વની અંતર રહેલા અંતરાત્માની આગળ અંતરાય રહિત સ્થૂલ શરીર સહિત જે અંત:કરણ તથા પ્રાણાદિવાળું સૂક્ષ્મ શરીર પ્રતીત થાય છે તે સૂક્ષ્મ શરીર ચેતનના આભાસના પ્રવેશથી પોતાને કર્તા, ભોક્તા, મનુષ્ય, કાણો તથા બહેરો માનનાર – એવો વ્યવહાર કરનાર જીવ છે.


અનાત્મામાં અધ્યાસવાળા ચિદાત્માના જીવપણાને કહે છે:

અસ્ય જીવત્વમારોપાત્સાક્ષિણ્યપિ ચ ભાસતે |
આવૃત્તૌ તુ વિનષ્ટાયાં ભેદજાતં પ્રયાતિ તત || ૧૭ ||

શ્લોકાર્થ:
આના જીવપણાના આરોપથી સાક્ષીમાં પણ જીવપણું ભાસે છે, પણ આવરણ વિનાશ પામવાથી તે ભેદસમૂહ બાધ પામે છે.

ટીકા:
પૂર્વોક્ત લિંગશરીરના જીવપણાના અધ્યાસથી (ભ્રાંતિથી) સ્થૂલ-સૂક્ષ્મ સંઘાતથી વિલક્ષણ સાક્ષી પણ સ્થૂલસૂક્ષ્મ શરીર રૂપ સંઘાતની સાથેના એકપણની ભ્રાંતિથી સંસારી જીવ જ પ્રતીત થાય છે. એવી રીતે આત્મસ્વરૂપના અજ્ઞાનથી આત્માને બંધન છે. આત્મસ્વરૂપનું અજ્ઞાન નિવૃત્ત થયે લિંગશરીર, જીવ ને સાક્ષી એવા ભેદો બાધ પામે છે. તે ભેદો મિથ્યા છે એવો દૃઢ નિશ્ચય થાય છે. માત્ર એક સાક્ષી વા ચિદાત્મા જ અવશેષ રહે છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૪/૪૩) – આદિ શંકરાચાર્ય

બ્રહ્મ આ જગતનું વાસ્તવિક ઉપાદાન કારણ નથી, પણ સત્તાસ્ફુર્તિ આપવા વડે તે આ જગતનું વિવર્તોપાદાનકારણ ગણાય છે તેમ કહે છે:

સૃષ્ટિર્નામ બ્રહ્મરુપે સચ્ચિદાનન્દવસ્તુનિ |
અમ્બુફેનાદિવત્સર્વ નામરુપપ્રસારણં || ૧૪ ||

શ્લોકાર્થ:
સૃષ્ટિ એટલે જલમાં ફીણાદિની પેઠે બ્રહ્મરૂપ સચ્ચિદાનંદ વસ્તુમાં સર્વ નામ રૂપનો વિસ્તાર છે.

ટીકા:
જલમાં જોવામાં આવતાં ફીણ તથા પરપોટા આદિ જલથી ભિન્ન નથી, કેમ કે જલવિના તેમના નિરૂપણ કરવા યોગ્ય સ્વરૂપનો અભાવ છે.

તે જલથી અભિન્ન પણ નથી, કેમ કે તેમની જલથી ભિન્ન પ્રતીતિ થાય છે.

તે જલથી ભિન્નાભિન્ન પણ નથી, કેમ કે ભિન્નનો ને અભિન્નનો પરસ્પર વિરોધ છે.

એવી રીતે જગત પણ સચ્ચિદાનંદરૂપ બ્રહ્મથી ભિન્ન નથી, કેમ કે ચૈતન્ય વિના આ જગતનું સ્વતંત્રપણે નિરુપણ થઈ શકતું નથી.

જગત ચૈતન્યથી અભિન્ન પણ નથી, કેમ કે તે પૃથક પ્રતીત થાય છે, ઈંદ્રિયો વડે અનુભવાય છે, જડ છે, સ્થૂલ છે ને અનેક પ્રકારનું છે.

ભિન્નાભિન્નનો વિરોધ હોવાથી તે બ્રહ્મથી ભિન્નાભિન્ન પણ નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૩/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે તત્પદના અર્થને શોધવાનો પ્રારંભ કરે છે:

શક્તિદ્વયં હિ માયાયા: વિક્ષેપાવૃત્તિરુપકં |
વિક્ષેપશક્તિર્લિંગાદિબ્રહ્માણ્ડાન્તં જગત્સૃજેત || ૧૩ ||

શ્લોકાર્થ:
વિક્ષેપરૂપ અને આવરણરૂપ બે શક્તિ પ્રસિદ્ધ માયાની છે. વિક્ષેપશક્તિ સૂક્ષ્મ શરીરથી માંડીને બ્રહ્માંડપર્યંત જગત રચે છે.

ટીકા:
આ જગતના ઉપાદાનકારણ રૂપ માયાની વા પ્રકૃતિની બે શક્તિઓ છે, એક વિક્ષેપશક્તિ અને બીજી આવરણશક્તિ.

તેમાં વિક્ષેપશક્તિ સત્તર તત્વરૂપ લિંગશરીરથી આરંભીને બ્રહ્માંડ એટલે સમષ્ટિ સ્થૂલ શરીર પર્યંતના જગતને રચે છે.

તાર્કિકોએ માનેલાં પરમાણુઓ કે સાંખ્યયોગવાળાએ માનેલું પ્રધાન આ જગતનું ઉપાદાનકારણ નથી.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૨/૪૩) – આદિ શંકરાચાર્ય

મનોહંકૃત્યુપાદાનં લિંગમેકં જડાત્મકં |
અવસ્થાત્રયમન્વેતિ જાયતે મ્રિયતેSપિ વા || ૧૨ ||

શ્લોકાર્થ:
મનનું અને અહંકારનું ઉપાદાન જડરૂપ એક લિંગશરીર છે. તે ત્રણે અવસ્થાને અનુસરે છે. તે લિંગ શરીર કારણ શરીરમાંથી ઉપજે છે, ને કારણ શરીરમાં લીન થાય છે.

ટીકા:
મન અને અહંકાર એ બંને જડરૂપ એક લિંગશરીરમાં-વ્યષ્ટિ-સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં રહેલાં છે. મનુષ્યાદિનું લિંગ શરીર જાગ્રત,સ્વપ્ન ને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાને પામે છે. ક્યારેક મૂર્ચ્છાવસ્થાને પણ પામે છે. તે લિંગ શરીર અવિદ્યાના અંશરૂપ કારણ શરીરમાંથી ઉપજે છે, ને સુષુપ્તિમાં કારણ શરીરમાં લીન થાય છે.

એવી રીતે ત્વંપદનો અર્થ, સર્વ અવસ્થાઓના સાક્ષિપણાથી અવસ્થાઓથી ને અંત:કરણથી વિલક્ષણ, અવિકારી ને નિત્ય પ્રત્યગાત્મા છે તેમ નક્કી કર્યું.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૧/૪૩) – આદિ શંકરાચાર્ય

સ્વપ્ન અને જાગ્રત કેવી રીતે અહંકારના કાર્યરૂપ છે તે કહે છે:

અંત:કરણવૃત્તિસ્તુ ચિત્તિચ્છાયૈક્યમાગતા |
વાસના: કલ્પયેત્સ્વપ્ને બોધેSક્ષૈર્વિષયાન બહિ: || ૧૧ ||

શ્લોકાર્થ:

પ્રસિદ્ધ અંત:કરણની વૃત્તિ ચૈતન્યના આભાસની સાથે એકપણાને પામી સ્વપ્નમાં વાસનાઓને અનુભવે છે, ને જાગ્રતમાં ઈંદ્રિયો વડે બહારના વિષયોને અનુભવે છે.

ટીકા:

બહારના પદાર્થોના અનુભવજન્ય સંસ્કારો પ્રાયશ: સ્વપ્નના હેતુઓ છે.

આત્મા અવિકારી ને નિર્ગુણ હોવાથી જાગ્રદવસ્થામાં ઈંદ્રિયો વડે થતો બહારના પદાર્થોનો અનુભવ એ આત્માનો ધર્મ નથી. શરીર, ઈંદ્રિયો ને મનના અચેતનપણાના નિશ્ચયથી તેમનો પણ તે ધર્મ નથી, એ ત્રણેના મિશ્ર થવાથી એ ધર્મ ઉત્પન્ન થાય છે તેમ પણ કહી શકાય નહિ, કેમ કે જે એક એક ચેતનરૂપ ન હોય તે ભેગાં થઈને પણ ચેતનરૂપ થઈ શકે નહિ.

સ્થૂલ શરીર પંચીકૃત પાંચ ભૂતોના કાર્યરૂપ હોવાથી જડ છે, ને ઈંદ્રિયો તથા અંત:કરણ અપંચીકૃત પાંચ ભૂતોના કાર્યરૂપ હોવાથી તે પણ જડ છે. આમ વિચારતાં જાગ્રદવસ્થામાં ઈંદ્રિયો દ્વારા થતો બાહ્ય પદાર્થોનો અનુભવ ભ્રમરૂપ છે. તે ભ્રમ અંત:કરણની ચિદાભાસયુક્ત બાહ્યવૃત્તિમાં ઉપજે છે.

સ્વપ્નના પદાર્થો ને તેનો અનુભવ પણ ભ્રમરૂપ જ છે.

અજ્ઞાનને તથા સુખને વિષય કરનારી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ પણ ભ્રમરૂપ છે.

આવી રીતે ત્રણે અવસ્થાઓ આત્માની નથી, પણ અહંકારથી આત્મામાં કલ્પાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , | Leave a comment

શ્રી વાક્યસુધા (૧૦/૪૩) – આદિ શંકરાચાર્ય

આત્મામાં અંત:કરણની ત્રણ અવસ્થાની પ્રતીતિ તથા તેનું સંસારીપણું અહંકારની સાથેના અધ્યાસે કરેલું છે તેમ પ્રતિપાદન કરવાનો આરંભ કરે છે :

અહંકારલયે સુપ્તૌ ભવેદેહોSપ્યચેતન: |
અહંકારવિકાસાર્ધ: સ્વપ્ન: સર્વસ્તુ જાગર: || ૧૦ ||

શ્લોકાર્થ:

સુષુપ્તિમાં અહંકારનો લય થવાથી શરીર જડ જેવું જ થાય છે. અહંકારના અર્ધા વિકાસથી ઉપજેલું સ્વપ્ન છે, ને સર્વ અહંકારના વિકાસથી થયેલી તે જાગ્રદ અવસ્થા છે.

ટીકા:

પ્રાણીઓના અંત:કરણની સુષુપ્તિ અવસ્થામાં અહંકારનો તેના ઉપાદાનકારણ અજ્ઞાનમાં લય થવાથી પ્રાણીઓનાં શરીરો ઘટાદિ જડ પદાર્થના જેવા પ્રતિત થાય છે.

એ અહંકાર અર્ધજાગ્રત થાય છે ત્યારે પ્રાણીને સ્વપ્નાવસ્થાનો અનુભવ થાય છે.

જ્યારે એ અહંકાર સંપૂર્ણ જાગ્રત થાય છે ત્યારે પ્રાણીને જાગ્રદવસ્થાનો અનુભવ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૯/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે કહેલા અહંકારના ચિદાભાસાદિની સાથેના એકપણાની પ્રતીતિઓની નિવૃત્તિના હેતુઓને ક્રમપૂર્વક પ્રતિપાદન કરે છે :-

સંબન્ધિનો: સતોર્નાસ્તિ નિવૃત્તિ: સહજસ્ય તુ |
કર્મક્ષયાત્પ્રબોધાચ્ચ નિવર્તેતે ક્રમાદુભે || ૯ ||

શ્લોકાર્થ:

અહંકારની અને ચિદાભાસની વિદ્યમાનદશામાં તેમના સહજ એકપણાની નિવૃત્તિ થતી નથી. કર્મના ક્ષયથી ને જ્ઞાનથી ક્રમથી બંને નિવૃત્ત થાય.

ટીકા:

જેમ ઊઘાડી જગામાં રહેલા ઊઘાડા જલપાત્રમાં આકાશમાં રહેલા સૂર્યનું પ્રતિબિંબ તે જલપાત્રની સ્થિતિ સુધી પડે છે, ને જલપાત્રની નિવૃત્તિ સાથે તેમાં પ્રતીત થતાં પ્રતિબિંબની પણ નિવૃત્તિ થાય છે, તેમ અહંકારનો સદભાવ હોય ત્યાં સુધી તેમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે, ને અહંકારની નિવૃત્તિ થયે તેમાં પ્રતીત થતા ચેતનના પ્રતિબિંબની નિવૃત્તિ થાય છે, અર્થાત ચિદાભાસમાં અહંકારના ભ્રમની નિવૃત્તિ અહંકારની નિવૃત્તિથી થાય છે.

દેહનો આરંભ કરનારા કર્મોનો ક્ષય થવાથી શરીરની સાથેના અહંકાર ભ્રમની નિવૃત્તિ થાય છે, ને જ્ઞાન થવાથી સાક્ષીની સાથેના અહંકાર ભ્રમની નિવૃત્તિ થાય છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

શ્રી વાક્યસુધા (૮/૪૩) – આદિ શંકરાચાર્ય

હવે કહેલા અહંકારના એકપણાને વિષયના ભેદવડે વિભાગ કરીને પ્રતિપાદન કરે છે :-

અહંકારસ્ય તાદાત્મ્યં ચિચ્છાયાદેહસાક્ષિભિ: |
સહજં કર્મજં ભ્રાન્તિજન્યં ચ ત્રિવિધં ક્રમાત || ૮ ||

શ્લોકાર્થ:

ચિદાભાસ, સ્થૂલશરીર ને સાક્ષીની સાથે અહંકારનું એકપણું સહજ, કર્મજ ને ભ્રમજ તેમ ક્રમથી ત્રણ પ્રકારનું છે.

ટીકા:

ચિદાભાસની સાથે અહંકારનું એકપણું સહજ એટલે ઉત્પતિ વિશિષ્ટ છે, – ચિદાભાસની પ્રતીતિ અહંકારની ઉત્પતિની સાથે જ છે, તેથી હું જાણું છું એવો અનુભવ થાય છે.

સ્થુલશરીરની સાથે અહંકારનું એકપણું પૂર્વના ધર્માધર્મથી ઉપજેલું છે. તેથી હું મનુષ્ય છું એવો અનુભવ થાય છે.

સાક્ષીની સાથે અહંકારનું એકપણું ભ્રમમાત્રથી સિદ્ધ છે, તેથી હું છું એવો અનુભવ થાય છે.

એવી રીતે અહંકારનું ત્રિવિધપણું છે.

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, શ્રીવાક્યસુધા | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.