Daily Archives: 22/12/2011

મદાલસા સ્તોત્ર (૧૦/૧૦)

વિમલ વિજ્ઞાન વિશ્વેશ્વર વ્યાપક
પારબ્રહ્મ ત્વમસિ જ્ઞાતા |
પ્રાહ મદાલસાSલર્ક સુતં પ્રતિ
શાસ્ત્ર પ્રસિદ્ધા વરમાતા || ૧૦ ||

ઈતિ મદાલસા સ્તોત્ર સંપૂર્ણમ ||

જે માતા સંતાનનું આત્યંતિક કલ્યાણ ઈચ્છતી હોય અને તેના ઘડતર માટે યોગ્ય શ્રમ ઉઠાવતી હોય તેવી માતાને શાસ્ત્ર વરમાતા એટલે કે શ્રેષ્ઠ માતા કહે છે. વેદાંતના સંપૂર્ણ સાર રુપ જીવ માત્રનું વાસ્તવિક સ્વરુપ સમજાવતા વરમાતા મદાલસા પુત્ર અલર્કને કહે છે કે :

વિમલ – મળ રહિત. વસ્ત્ર ઉપર ડાઘ લાગે તો કહીએ છીએ કે વસ્ત્ર મેલું થઈ ગયું. વસ્ત્ર મેલું થઈ શકે છે કારણ કે તે બીજા પદાર્થો ગ્રહણ કરી રાખે છે. આત્મસ્વરુપ તેવું અસંગ છે કે તેને પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજ કે તમ ત્રણમાંથી એકે સ્પર્શી શકે તેમ નથી. સ્વરુપથી જીવ માત્ર વિમલ છે.

વિજ્ઞાન – જ્ઞાન એટલે હું આત્મા છું તેમ જાણવું અને વિજ્ઞાન એટલે હું આત્મા છું તેમ અનુભવવું. જાણકારી કે માન્યતા તે જ્ઞાન નથી – અનુભુતિને જ્ઞાન કહી શકાય. આત્મા વિશે દિર્ઘ કાળ સુધી સાંભળ્યા કરીએ તો આત્માના સ્વરુપની જાણકારી મળે. ધ્યાન દ્વારા અથવા તો અંત:કરણના મળ અને વિક્ષેપ દોષમને દૂર કરેલ સાધકને સદગુરુના તત્વમસી ઉપદેશથી જે અનુભૂતી થાય તે વિજ્ઞાન છે. શ્રીમદ ભગવદ ગીતાન કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તે જ જ્ઞાન છે અને બાકીનું સઘળું અજ્ઞાન છે.

વિશ્વેશ્વર – જીવની ત્રણ અવસ્થા હોય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થાના અભીમાનીને વિશ્વ કહે છે. સમષ્ટિ જાગ્રત અવસ્થાના અભીમાનીને વિરાટ કહે છે. સ્વપ્ન અવસ્થાના અભીમાનીને તેજસ કહે છે. સમષ્ટિ સ્વપ્ન અવસ્થાના અભીમાનીને હિરણ્યગર્ભ કહે છે. કારણ અવસ્થાના અભીમાનીને પ્રાજ્ઞ કહે છે. સમષ્ટિ કારણ અવસ્થાના અભીમાનીને ઈશ્વર કહે છે. જ્યારે વ્યષ્ટિ ભાવ તુટી જાય ત્યારે વ્યષ્ટી અને સમષ્ટી તેવા ભેદ રહેતા નથી. ચતુર્થ તુરીય અવસ્થામાં વિશ્વ,તેજસ કે પ્રાજ્ઞ ભાવ ન રહેતા સમષ્ટિ બ્રહ્મ સાથે એકરુપતા અનુભવાતા પોતે જ વિશ્વેશ્વર છે તેવી સ્પષ્ટ પ્રતિતિ થાય છે.

વ્યાપક – સ્થુળ શરીર ઘણું મર્યાદીત છે. એક વ્યક્તિને કેટલી જમીન જોઈએ? ૬ થી ૮ ફૂટ, સુક્ષ્મ શરીર – સ્થુળ શરીર કરતાં ઘણું વ્યાપક છે. તે દેશ દેશાવરના બનાવો / ઘટનાઓ વગેરેનું સેકન્ડના હજારમાં ભાગમાં ચિંતન કરી શકે છે. સમગ્ર બ્રહ્માંડ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી શકે છે. કારણ શરીર ગહન વ્યાપક અંધકાર છે. જ્યારે કુટસ્થ સાથે એકરુપતા સધાય ત્યારે અનુભવાય કે કુટસ્થ અને સર્વ વ્યાપક બ્રહ્મ વચ્ચે કશો ભેદ નથી.

પારબ્રહ્મ – અંત:કરણમાં ચૈતન્યનું જેટલું પ્રતિબિંબ પડે તેને ચિદાભાસ કહે છે. સમગ્ર શરીર બ્રહ્મનો જેટલો ભાગ રોકે તેને કુટસ્થ કહે છે. માની લ્યો કે નવરાત્રીનો માતાજીનો ગરબો સમુદ્રમાં ડુબાડી રાખ્યો છે. તેની અંદર પાણી છે. બહાર પાણી છે. તે સમુદ્રમાં તરતો જતો હોય તો પાણી બદલાયા કરતું હોય છે. હવે થોડી વાર માટે પાણીને ચૈતન્ય સમજી લઈએ. તો ઘડાની અંદર રહેલ પાણી પોતાને ઘડા જેટલું અલ્પ માનશે. વળી તરતા જતા ઘડાનું પાણી સતત બદલાયા કરે છે તેમ છતાં ઘડા સાથે તાદાત્મ્ય ધરાવતું પાણી પોતાને માત્ર ઘડા જેવડું અને ઘડા સાથે હંમેશા સંકળાયેલું હોય તેમ માનશે. હવે જો ઘડો ફુટી જાય તો તે જ ક્ષણે ઘડાનું પાણી સમુદ્રના પાણી સાથે એકરુપ થઈને સમુદ્રનું અભીમાની બની જશે. વાસ્તવમાં તો તે જ્યારે ઘડામાં હતું ત્યારેય સમુદ્ર સાથે એકાકાર જ હતું પરંતુ ઘડાનું અલ્પ અને ખોટું અથવા તો મિથ્યા અભીમાન કરીને જાણે કે તે ઘડા જેટલું થઈ ગયું હતુ. તેવી રીતે શરીરના જેટલા ભાગમાં ચૈતન્ય છે તે અવિદ્યારુપી ભ્રાંતીથી પોતાને શરીર જેટલું મર્યાદિત માને છે. ધ્યાન અથવા તો જ્ઞાન દ્વારા જ્યારે તેને અનુભવાય કે શરીરે રોકેલ ચૈતન્ય અને પરબ્રહ્મ ચૈતન્યમાં કોઈ ભેદ કે જુદાપણું નથી ત્યારે તે પોતાને બ્રહ્મરુપે અનુભવે છે.

જ્ઞાતા – પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ જેટલાયે પદાર્થો છે તે જડ છે તેમાં કશું જ્ઞાન નથી. જીવોની અંદર જે જ્ઞાન છે તે ચૈતન્યનું છે. ચૈતન્યના જ્ઞાનથી જીવો સઘળું જાણે છે. વાસ્તવિક જ્ઞાન ચૈતન્યમાં છે અથવા તો ચૈતન્ય પોતે જ્ઞાન સ્વરુપ છે.

આવું જ્ઞાન માતા દ્વારા મેળવીને અલર્કના બધા શોક દૂર થાય છે. ત્યાર પછી અલર્કનું શું થયું તે ફરી ક્યારેક જોઈશું.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | Leave a comment

Blog at WordPress.com.