Daily Archives: 19/12/2011

મદાલસા સ્તોત્ર (૭/૧૦)

ભવતિ દુ:ખાય વૈરાગ્યમબુદ્ધે:
સુખાય ભવતિ વરવામા |
સતાં સર્વદા મુક્તિ પ્રદાતૃ
પ્રાહ વૈરાગ્યં ઘનશ્યામ: || ૭ ||

મુશ્કેલી આવે કે દુ:ખ આવી પડે ત્યારે ખરેખર તો તે સમયે ધૈર્યપૂર્વક મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેમ માર્ગ કાઢવો તેનો વિચાર કરવો જોઈએ. જેવી રીતે સ્મશાને કોઈને અગ્નિદાહ આપીને આવ્યાં પછી ઘણાને સ્માશાન વૈરાગ્ય આવી જાય છે અને સંસારમાં કાઈ સાર નથી છેવટે તો બધાએ અહીં જ આવવાનું છે તેવા નીરાશાજનક ઉદગારો કાઢવા લાગે છે તેવી રીતે દુ:ખ આવે ત્યારે જે અબુદ્ધી એટલે કે મુર્ખ છે તેને ક્ષણીક વૈરાગ્ય આવી જાય છે. જેઓ મુઢ મતિ છે અને ઈશ્વર પ્રાપ્તિ કે જ્ઞાન પ્રાપ્તિની તીવ્ર અભીપ્સા વગર વૈરાગ્ય ધારણ કરે છે તેની હાલત બાવાના બેય બગડ્યા જેવી થાય છે. મનમાંથી વાસનાનો ક્ષય થયો નથી હોતો અને તીવ્ર વૈરાગ્ય વગર ત્યાગ કરીને બેઠા હોય તેવા અબુદ્ધિને વૈરાગ્ય દુ:ખ રુપ નીવડે છે.

જે કુંવારા હોય અથવા કુંવારા રહી ગયા હોય તેમને ગમી જાય એવી ચીની કહેવત : એક દિવસ માટે સુખી થવું હોય તો ભૂંડ મારીને ખાજો. એક અઠવાડિયા માટે સુખી થવું હોય તો લગ્ન કરજો અને જો જિંદગીભર સુખી થવું હોય તો આંગણામાં બાગ બનાવજો!

જો કે મદાલસા અહીં દાંપત્ય જીવનનો મહિમા વર્ણવતા કહે છે કે વરવામા એટલે કે શ્રેષ્ઠ પત્નિ મળે તો જીવન સુખરુપ બને છે. પત્નિઓ અનેક પ્રકારની હોય છે એટલું જ નહી પણ એકની એક પત્નિ અનેક પ્રકારે વર્તન કરતી હોય છે તે આપણાં સહુ પરણેલાનો અનુભવ છે. ન પરણેલાઓએ અનુભવ કર્યા વગર જવું નહી – નહીં તો લીલ પરણાવવાનો વારો આવશે. 🙂

શ્રેષ્ઠ પત્નિ દાંપત્ય જીવનનો સાર છે. તમે ધનાઢ્ય હશો કે ગરીબ પણ જો તમારી પત્નિ સમજદાર અને પ્રેમાળ હશે તો તમારું જીવન ખરેખર સુખમય બની રહેશે. દાંપત્યજીવનને સનાતન ધર્મમાં ક્યાંય વખોડવામાં નથી આવ્યું. મુગ્ધ અને પ્રેમ સભર દાંપત્ય જીવન માણતા માણતા શ્રેયને રસ્તે સહજતાથી અને સરળતાથી જઈ શકાય છે તેના ઘણા બધા ઉદાહરણો આપણી પૌરાણિક આખ્યાયીકાઓમાંથી મળી રહે છે.

આગળ વધીને મદાલસા કહે છે કે સંતો હંમેશા મુક્તિ પ્રદાતા હોય છે. અહીં સાચા સંતોની વાત છે. કપડાં બદલ્યાં હોય પણ મનમાં સંસાર ભરેલો પડ્યો હોય તેવા બગ ભગતોની વાત નથી કરી. એક વાત સારી રીતે સમજી લેવાની જરુર છે કે સંતને અને કપડાને કશું લાગતું વળગતું નથી. સંતત્વ તે આંતરિક ગુણ છે બાહ્ય પરિવેશ નહીં. ભગવદ ગીતામાં જુદા પ્રકારના લોકોનું વર્ણન છે. તેમાં જ્ઞાની નું વર્ણન કરેલ છે. આવા જ્ઞાની હોય તેને સંત કહી શકાય. તો સાચા સંત હંમેશા માનવને શ્રેય અને પ્રેય વચ્ચેનો ભેદ સમજાવીને માનવને શ્રેય તરફ વાળે છે અને છેવટે મુક્તિની અનુભુતી કરાવે છે. મુક્તિ એટલે શું તે જાણવા તત્વબોધ જોઈ જવા અનુરોધ છે.

મદાલસા પોતે જે કાઈ કહે છે તે પોતાની મેળે મેળે નથી કહેતા પણ તેમના ગુરુ કે જેઓ સાક્ષાત વૈરાગ્ય સ્વરુપ હતા તેમના જ્ઞાન ના આધારે આ વાત કહે છે.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | 3 Comments

Create a free website or blog at WordPress.com.