Daily Archives: 17/12/2011

વિચાર વલોણું

એક વખત એક વિચાર વલોણાં ફેરવીને મેલનો જથ્થો એકત્ર કરીને લોકોને દર્શાવતાં ભાઈએ માતાજીના પૂજકો ને જ માત્ર શા માટે વખોડો છો અન્ય ભણેલા ગણેલા પણ અભણ કરતાયે વધુ અંધ શ્રદ્ધાળું હોય છે તેને શા માટે ધોકાવતા નથી? તેવો પ્રશ્ન પુછ્યો. તેથી ભણેલા ગણેલા અંધશ્રદ્ધાળુંઓ હચમચી ગયા અને માતાજીના પૂજકો ગેલમાં આવી ગયાં.

તે લોકોને કોણ સમજાવે કે હે પુજકો ભણેલા ગણેલા ની સામે ધોકો પછાડવાથી કાઈ તમારી અંધશ્રદ્ધાને માન્યતા નથી મળી જતી. તમે ભણેલા હો / અમીર હો / ગરીબ હો કે અભણ હો પણ સમજ્યાં વગર જે કોઈ કાર્ય કરશો તેના પરીણામો માત્ર ને માત્ર તમારે ભોગવવા પડશે બીજા લોકોને તો માત્ર હસવાનું થશે.


એક કહેવત: કાગડા ભાઈને હસવું થાય ને દેડકા ભાઈનો જીવ જાય.


Categories: અવનવું | Tags: | Leave a comment

મદાલસા સ્તોત્ર (૫/૧૦)

વસ્ત્રવિનાશે યથા શરીરે
કસ્યાપિ નાસ્તિ વિનાશમતિ: |
કર્મરચિત ત્રિદેહ વિનાશે
નાસ્તિ તવાત્મનિ કા ચ ક્ષતિ || ૫ ||

જેવી રીતે વસ્ત્રનો વિનાશ થવાથી કોઈ તેમ નથી કહેતું કે મારો વિનાશ થઈ ગયો તેવી રીતે શરીરનો નાશ થવાથી વિનાશ થતો નથી.

જેવી રીતે સુતરના તાણાંવાણાંથી વસ્ત્ર બને છે અને કાળક્રમે ઘસાઈને નાશ પામે છે તે રીતે ત્રીદેહ (સ્થુળ, સુક્ષ્મ અને કારણ શરીરો) કર્મ દ્વારા રચાયેલા છે.

કર્મ ત્રણ પ્રકારના હોય છે. ૧.સંચિત ૨.ક્રીયમાણ ૩. પ્રારબ્ધ.

પૂર્વે કરેલા અને ન ભોગવાયેલા કર્મોને સંચિત કર્મ કહે છે. વર્તમાનમાં થઈ રહેલ કર્મોને ક્રિયમાણ કર્મો કહે છે. જન્મ સમયે સંચિત કર્મના જથ્થામાંથી જેટલો જથ્થો આ જન્મમાં ભોગવવા માટે લઈને આવ્યાં હોઈએ તેને પ્રારબ્ધ કર્મ કહે છે. કર્તાભાવથી કરવામાં આવેલ ક્રીયમાણ કર્મો નવું કર્માશય ઉત્પન્ન કરે છે ને સંચિતમાં જમા થઈને નવા જન્મ માટેના શરીરનું કારણ બને છે. આમ કર્મથી ઉત્પન્ન થયેલ ત્રીદેહ મળ્યાં કરે છે અને વિનાશ પામ્યાં કરે છે અને વળી પાછો મળે છે. દેહના નાશ થવાથી આત્મ તત્વની કશી ક્ષતિ થતી નથી.

ત્રણ શરીરો :

૧. સ્થુળ શરીર : સ્થુળ પાંચ મહાભુતો (આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વિ) નું બનેલું હોય છે.

૨. સુક્ષ્મ શરીર : પાંચ જ્ઞાનેન્દ્રિય (શ્રોત્ર, સ્પર્શ, ચક્ષુ, રસના અને ઘ્રાણ), પાંચ કર્મેન્દ્રિય (હસ્ત, પાદ, વાણી, ઉપસ્થ અને પાયુ) પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન) તથા અંત:કરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) તેમ ૧૯ અંગો વાળુ હોય છે. સ્થુળ શરીરનો નાશ થાય છે. સુક્ષ્મ શરીર અને કારણ શરીર બીજા શરીરો ધારણ કરે છે.

૩. કારણ શરીર : આત્મસ્વરુપના અજ્ઞાનરુપ અવિદ્યા કે જે માયાનો અંશ છે તેમાંથી બને છે. વાસનાઓ રહે છે ત્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે અને વાસનાને અનુરુપ નવા નવા સ્થુળ શરીરો ધારણ કરવા માટેનું કારણ છે.

આત્મતત્વ સદાયે ઉત્પતિ અને વિનાશથી રહિત હોવાથી આ ત્રણે શરીરોની અસર આત્મા પર કશી થતી નથી.


નોંધ: આ વિષય પર વધુ જાણવા માટે આદિ શંકરાચાર્યજી રચિત તત્વબોધ જોવા અનુરોધ છે.


Categories: અધ્યાત્મ / યોગ | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.