ત્વમસી તાત શુદ્ધ બુદ્ધ નિરંજન ભવ માયા વર્જિત જ્ઞાતા
ભવ સ્વપ્નં ચ મોહનિંદ્રાં તજ મદાલસાહં સુત માતા || ૧ ||
મીત્રો,
ઉપરનો શ્લોક મદાલસા સ્તોત્રના દસ શ્લોકમાં નો પ્રથમ શ્લોક છે. રાણી મદાલસાને ચાર પુત્રો હોય છે. પ્રથમ ૩ ને તેની માતા ઘોડીયામાં હાલરડાં ગાતા ગાતા આત્મજ્ઞાનના પાઠ શીખવાડે છે. અને જન્મ્યાં પછી નાની ઉંમરે જ તેઓ સંન્યાસી બનીને આત્મરાજ્યમાં વિહરતાં થઈ જાય છે. રાજાની વિનંતીથી ચતુર્થ પુત્રને તે આત્મજ્ઞાનને બદલે સંસારની વિદ્યા શીખવાડે છે. અને તેને એક તાવીજ આપે છે અને કહે છે કે – ’આ તાવીજનું તું જીવની જેમ જતન કરજે અને ખરેખરી મુશ્કેલીના સમયે તે તું ખોલજે’.
ચોથાં પુત્રનું નામ અલર્ક (હડકાયો કુતરો) છે. તે રાજા બને છે. જ્યારે તેમના ત્રણે ભાઈઓએ જોયું કે આ અલર્ક હવે ખરેખર હડકાયા કુતરાની જેમ સંસારમાં ભમ્યાં કરે છે અને જો આમ ને આમ ચાલશે તો તે કમોતે મરશે. તેથી તેના હિત માટે તેઓ કાશી નરેશની સહાય લઈને એકાએક અલર્કના રાજ્ય પર હુમલો કરે છે. અલર્ક એકાએક થયેલ હુમલાનો સામનો કરી શકે તેમ નથી – કાશી નરેશનું સૈન્ય ઘણું વધારે શક્તિશાળી હતું. તેથી તે જંગલમાં ભાગી જાય છે. સઘળી સંપત્તિ અને રાજ પાટ ગુમાવી બેઠેલ અલર્ક ઘણો શોકાતુર હોય છે. અને એકા એક તેને માતા અને તેની પાસે રહેલું તાવીજ યાદ આવે છે.તાવીજ ખોલીને જુવે છે તો તેની અંદર ૧૦ શ્લોક છે. પ્રથમ શ્લોક ઉપર દર્શાવેલ છે.
માતા કહે છે હે પુત્ર :
તું શુદ્ધ છો.
બુદ્ધ છો.
માયાના અંજનથી રહિત છો.
વળી જ્ઞાન સ્વરુપ છો.
આ સંસાર એક સ્વપ્ન છે.
મોહનિંદ્રાનો ત્યાગ કર.
આ વાત હું તારી માતા મદાલસા તને કહું છું.