Monthly Archives: December 2011

મુક્તક

પંચાતે નહી પેટ ભરાય
લડતાં સૈનિક પાળીયો થાય
પ્રતિભાવની છોડ મમત
શ્રેય સાધીલે પ્રેય છોડ – મૂઢમતે !

Categories: સ્વરચિત | Tags: , | 4 Comments

યોગી કથામૃત – એક યોગીની આત્મકથા ( ૧૫ )

Paramhansa Yogananda


Categories: યોગી કથામૃત | Tags: , , | 1 Comment

ઘમંડ – આજનું ચિંતન – આગંતુક

ઘમંડી વ્યક્તિને : ક્યારેય નીજના દોષ દેખાતા નથી

ઘમંડી વ્યક્તિને : સ્વયમના ગુણો જ દેખાય છે.

ઘમંડી વ્યક્તિ : ઘણી વખત પોતાના દુર્ગુણોને સદગુણ તરીકે ખપાવે છે.

ઘમંડી વ્યક્તિ : પોતાના પર્વત જેવડા દોષને રાય જેવા સમજે છે અને બીજાના રાય જેટલા દોષોને પર્વત જેવડા કહીને વર્ણવે છે.

ઘમંડી વ્યક્તિ : ક્યારેક બીજાના સદગુણોને દુર્ગુણો તરીકે દર્શાવે છે.

ઘમંડી વ્યક્તિને : કોઈ પણ દલીલમાં સામેની વ્યક્તિ દ્વારા તેની ભુલ કબુલાવી શકાતી નથી.

ઘમંડી વ્યક્તિ : સાથેની ચર્ચાઓ નીરર્થક હોય છે (ચર્ચા તેને કહેવાય કે જ્યાં બંને પક્ષે ખુલ્લા દિલે વાતચીત થતી હોય).

ઘમંડી વ્યક્તિ : સાથે મૌન એક માત્ર ઉપાય હોય તેમ નથી લાગતું?

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

મદાલસા સ્તોત્ર (૧૦/૧૦)

વિમલ વિજ્ઞાન વિશ્વેશ્વર વ્યાપક
પારબ્રહ્મ ત્વમસિ જ્ઞાતા |
પ્રાહ મદાલસાSલર્ક સુતં પ્રતિ
શાસ્ત્ર પ્રસિદ્ધા વરમાતા || ૧૦ ||

ઈતિ મદાલસા સ્તોત્ર સંપૂર્ણમ ||

જે માતા સંતાનનું આત્યંતિક કલ્યાણ ઈચ્છતી હોય અને તેના ઘડતર માટે યોગ્ય શ્રમ ઉઠાવતી હોય તેવી માતાને શાસ્ત્ર વરમાતા એટલે કે શ્રેષ્ઠ માતા કહે છે. વેદાંતના સંપૂર્ણ સાર રુપ જીવ માત્રનું વાસ્તવિક સ્વરુપ સમજાવતા વરમાતા મદાલસા પુત્ર અલર્કને કહે છે કે :

વિમલ – મળ રહિત. વસ્ત્ર ઉપર ડાઘ લાગે તો કહીએ છીએ કે વસ્ત્ર મેલું થઈ ગયું. વસ્ત્ર મેલું થઈ શકે છે કારણ કે તે બીજા પદાર્થો ગ્રહણ કરી રાખે છે. આત્મસ્વરુપ તેવું અસંગ છે કે તેને પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ, રજ કે તમ ત્રણમાંથી એકે સ્પર્શી શકે તેમ નથી. સ્વરુપથી જીવ માત્ર વિમલ છે.

વિજ્ઞાન – જ્ઞાન એટલે હું આત્મા છું તેમ જાણવું અને વિજ્ઞાન એટલે હું આત્મા છું તેમ અનુભવવું. જાણકારી કે માન્યતા તે જ્ઞાન નથી – અનુભુતિને જ્ઞાન કહી શકાય. આત્મા વિશે દિર્ઘ કાળ સુધી સાંભળ્યા કરીએ તો આત્માના સ્વરુપની જાણકારી મળે. ધ્યાન દ્વારા અથવા તો અંત:કરણના મળ અને વિક્ષેપ દોષમને દૂર કરેલ સાધકને સદગુરુના તત્વમસી ઉપદેશથી જે અનુભૂતી થાય તે વિજ્ઞાન છે. શ્રીમદ ભગવદ ગીતાન કહે છે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તે જ જ્ઞાન છે અને બાકીનું સઘળું અજ્ઞાન છે.

વિશ્વેશ્વર – જીવની ત્રણ અવસ્થા હોય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. જાગ્રત અવસ્થાના અભીમાનીને વિશ્વ કહે છે. સમષ્ટિ જાગ્રત અવસ્થાના અભીમાનીને વિરાટ કહે છે. સ્વપ્ન અવસ્થાના અભીમાનીને તેજસ કહે છે. સમષ્ટિ સ્વપ્ન અવસ્થાના અભીમાનીને હિરણ્યગર્ભ કહે છે. કારણ અવસ્થાના અભીમાનીને પ્રાજ્ઞ કહે છે. સમષ્ટિ કારણ અવસ્થાના અભીમાનીને ઈશ્વર કહે છે. જ્યારે વ્યષ્ટિ ભાવ તુટી જાય ત્યારે વ્યષ્ટી અને સમષ્ટી તેવા ભેદ રહેતા નથી. ચતુર્થ તુરીય અવસ્થામાં વિશ્વ,તેજસ કે પ્રાજ્ઞ ભાવ ન રહેતા સમષ્ટિ બ્રહ્મ સાથે એકરુપતા અનુભવાતા પોતે જ વિશ્વેશ્વર છે તેવી સ્પષ્ટ પ્રતિતિ થાય છે.

વ્યાપક – સ્થુળ શરીર ઘણું મર્યાદીત છે. એક વ્યક્તિને કેટલી જમીન જોઈએ? ૬ થી ૮ ફૂટ, સુક્ષ્મ શરીર – સ્થુળ શરીર કરતાં ઘણું વ્યાપક છે. તે દેશ દેશાવરના બનાવો / ઘટનાઓ વગેરેનું સેકન્ડના હજારમાં ભાગમાં ચિંતન કરી શકે છે. સમગ્ર બ્રહ્માંડ વિશે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી શકે છે. કારણ શરીર ગહન વ્યાપક અંધકાર છે. જ્યારે કુટસ્થ સાથે એકરુપતા સધાય ત્યારે અનુભવાય કે કુટસ્થ અને સર્વ વ્યાપક બ્રહ્મ વચ્ચે કશો ભેદ નથી.

પારબ્રહ્મ – અંત:કરણમાં ચૈતન્યનું જેટલું પ્રતિબિંબ પડે તેને ચિદાભાસ કહે છે. સમગ્ર શરીર બ્રહ્મનો જેટલો ભાગ રોકે તેને કુટસ્થ કહે છે. માની લ્યો કે નવરાત્રીનો માતાજીનો ગરબો સમુદ્રમાં ડુબાડી રાખ્યો છે. તેની અંદર પાણી છે. બહાર પાણી છે. તે સમુદ્રમાં તરતો જતો હોય તો પાણી બદલાયા કરતું હોય છે. હવે થોડી વાર માટે પાણીને ચૈતન્ય સમજી લઈએ. તો ઘડાની અંદર રહેલ પાણી પોતાને ઘડા જેટલું અલ્પ માનશે. વળી તરતા જતા ઘડાનું પાણી સતત બદલાયા કરે છે તેમ છતાં ઘડા સાથે તાદાત્મ્ય ધરાવતું પાણી પોતાને માત્ર ઘડા જેવડું અને ઘડા સાથે હંમેશા સંકળાયેલું હોય તેમ માનશે. હવે જો ઘડો ફુટી જાય તો તે જ ક્ષણે ઘડાનું પાણી સમુદ્રના પાણી સાથે એકરુપ થઈને સમુદ્રનું અભીમાની બની જશે. વાસ્તવમાં તો તે જ્યારે ઘડામાં હતું ત્યારેય સમુદ્ર સાથે એકાકાર જ હતું પરંતુ ઘડાનું અલ્પ અને ખોટું અથવા તો મિથ્યા અભીમાન કરીને જાણે કે તે ઘડા જેટલું થઈ ગયું હતુ. તેવી રીતે શરીરના જેટલા ભાગમાં ચૈતન્ય છે તે અવિદ્યારુપી ભ્રાંતીથી પોતાને શરીર જેટલું મર્યાદિત માને છે. ધ્યાન અથવા તો જ્ઞાન દ્વારા જ્યારે તેને અનુભવાય કે શરીરે રોકેલ ચૈતન્ય અને પરબ્રહ્મ ચૈતન્યમાં કોઈ ભેદ કે જુદાપણું નથી ત્યારે તે પોતાને બ્રહ્મરુપે અનુભવે છે.

જ્ઞાતા – પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ જેટલાયે પદાર્થો છે તે જડ છે તેમાં કશું જ્ઞાન નથી. જીવોની અંદર જે જ્ઞાન છે તે ચૈતન્યનું છે. ચૈતન્યના જ્ઞાનથી જીવો સઘળું જાણે છે. વાસ્તવિક જ્ઞાન ચૈતન્યમાં છે અથવા તો ચૈતન્ય પોતે જ્ઞાન સ્વરુપ છે.

આવું જ્ઞાન માતા દ્વારા મેળવીને અલર્કના બધા શોક દૂર થાય છે. ત્યાર પછી અલર્કનું શું થયું તે ફરી ક્યારેક જોઈશું.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | Leave a comment

મદાલસા સ્તોત્ર (૯/૧૦)

ભુવિં યાનં યાનોસ્તિ શરીરં
તત્ર તિષ્ઠસિ ભવસ્વામી |
નાસ્તિ શરીરં ન મેSતિ ભુમિ:
ત્વં કુમતિ કથમનુગામી || ૯ ||

ભુવી યાનં – આ પૃથ્વી એક યાન અથવા તો વાહન છે. અદભુત સંકલ્પના છે. પૃથ્વી નીરંતર સ્વયમની ફરતે અને સુર્યની ફરતે ફરતી રહે છે. સ્વયમની ફરતે ફરવામાં તેને એક દિવસ અને સુર્યની ફરતે ફરવામાં ૩૬૫.૨૫ દિવસ લાગે છે. આપણે સહુ આ પૃથ્વી રુપી યાનમાં બેઠેલા સહયાત્રીઓ છીએ.

યાનોસ્તિ શરીરં – શરીર એક યાન અથવા તો વાહન છે. પૃથ્વીને યાન તરીકે સંકલ્પવામાં હજુ આપણને ખાસ તકલીફ નથી પડતી. જે શરીરમાં હું પણું કરી બેઠા છીએ તે શરીરને જ્યારે કોઈ યાન કે વાહન કહે ત્યારે જરાક વાર માટે ચોંકી જઈએ. ખરેખર શરીર એક યાન છે. જ્ઞાનેન્દ્રીયો અને કર્મેન્દ્રીયો રુપી બારી બારણા કહી શકાય. મન બારી બારણાં દ્વારા અંદર બહાર કુદાકુદ કરે છે. શરીર રુપી વાહનને પગ રુપી પૈડાથી ચલાવી શકાય છે. એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે.

તત્ર તિષ્ઠસિ ભવસ્વામી – આ શરીરમાં ભવસ્વામી / સંસારસ્વામી રહે છે. શરીર પૃથ્વી રુપી યાનમાં રહે છે. પૃથ્વી રુપી યાન સુર્ય ફરતું ફર્યા કરે છે અને સંસારસ્વામી શરીરરુપી યાનમાં બેસીને ફર્યા કરે છે.

ન તે શરીરં – મોટર / સાયકલ / ઘોડા / ખટારા / સ્કુટર / બસ /રીક્ષા / ટ્રેન વગેરે દ્વારા મુસાફરી કરનાર પોતાને મોટર / સાયકલ / ઘોડો / ખટારો / સ્કુટર / બસ /રીક્ષા / ટ્રેન માનતો નથી તો પછી શરીરરુપી વાહનમાં મુસાફરી કરનાર પોતાને શરીર માને તે શું મુર્ખામી નથી?

ન મેSતિ ભુમિ: – ભુમી પરથી ઉપાર્જીત કરેલા પદાર્થોમાંથી બનેલાં ઘરમાં રહેવાથી અને પૃથ્વી પર દિર્ઘકાળથી (જન્મથી) રહેતા હોવાથી ઘણાં લોકોને ઘર અને પૃથ્વી સાથે તાદાત્મ્ય થઈ ગયું હોય છે. જેવી રીતે મોટર /સાયકલ / ટ્રક / રીક્ષા વગેરે વાહનના ધારક મોટર / સાયકલ / ટ્રક / રીક્ષા વગેર વાહન નથી તેવી રીતે ઘર ના ધારક ઘરના માલીક અથવા તો રહેવાસી છે અને પૃથ્વી પર રહેનાર પૃથ્વીવાસી છે પણ કાઈ પૃથ્વી નથી.

ત્વં કુમતિ કથમનુગામી – શરીર વાહન છે. પૃથ્વી વાહન છે. તેમાં બેસીને નીકળનાર શરીરધારી કે પૃથ્વીવાસી છે. મોટર / વિમાન / સાયકલ કે અન્ય કોઈ વાહનમાં બેસવાનો હેતુ શું હોય? એક સ્થળેથી બીજા સ્થળે જવું અથવા તો યાત્રા. જો શરીર અને પૃથ્વી વાહન હોય તો તેને ધારણ કરવાનો કે તેની પર વસવાનો હેતું શું?

શરીરં આદ્યં ખલું ધર્મ સાધનમ – શરીર ધર્મનું આચરણ કરવા માટેનું સાધન માત્ર છે.

શરીર દ્વારા યોગ્ય શુભકર્મો થાય તો તે ભવસ્વામીને ઉર્ધ્વલોકમાં લઈ જશે. જો અશુભ કર્મો શરીર દ્વારા થાય તો તે અધો યોની કે અધોલોકમાં લઈ જશે. શુભાશુભ મીશ્ર કર્મ થાય તો ફરી પાછા પૃથ્વી પર મનુષ્ય શરીરમાં લઈ આવશે. ( સંદર્ભ: ભગવદ ગીતા )

કોઈ કોઈ મહાનુભાવ શરીરરુપી વાહનનો યથાર્થ ઉપયોગ કરીને ભક્તિ / ધ્યાન / યોગ / જ્ઞાન વગેરે દ્વારા સ્વરુપનો આનંદ કે મુક્તિ પ્રાપ્ત કરે તો ત્યાર બાદ શરીરરુપી વાહનની આવશ્યકતા રહેતી નથી. તે સહજતાથી શરીર છુટ્યા પછી વિદેહમુક્તિ અને જીવન દરમ્યાન જીવનમુક્તિનો આનંદ માણે છે.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | Leave a comment

મદાલસા સ્તોત્ર (૮/૧૦)

દસન દર્શન હાસ્યં પ્રાહુર્વસા
કલુષતા નયન પ્રભા |
માંસઘનં સુપયોધરમાહુ:
નિરયસમા વનિતાષુ પ્રભા ||

મદાલસા માતા પુત્રને સાવધ કરતા કહે છે કે વરવામા સુખદાયક છે તે વાત સાચી પણ પત્નિના દેહમાં ભુલેચૂકે ય આસક્ત થઈશ નહીં.

અહીં ખરેખર દેહની મલીનતાનું વર્ણન કરેલ છે.

દસન – દાંત દેખાડીને સ્મીત
દર્શન – ચહેરાની સુંદરતાની કલ્પના
હાસ્યં – હસી હસીને વાત ચીત કરવી વગેરે
સ્તન અને નીતંબ યુગ્મ – કે જે શીલ્પિઓને / શૃંગાર રસના કવિઓ અને લેખકોને / વિષય લોલુપ લંપટોને અતિ પ્રિય છે.

આવી વનિતાના શરિરમાં જે કોઈ પતિ અને પતિના શરિરમાં જે કોઈ પત્નિ પાગલ બને છે તે બંનેને ચેતવણી આપે છે.

દાંતમાં કેટકેટલા બેક્ટેરીયા રહેતા હોય છે વળી કાળક્રમે ઘસાઈને સડી જતાં હોય છે. ચહેરો રોજ રોજ ધોવો પડે છે. પરસેવાથી મેલો અને ચીકણો બની જાય છે. નાકમાં શેડા અને ગુંગા થયા કરતા હોય છે. આંખોમાં ચીપડા આવતા હોય છે. કાનમાં મેલ જમા થયા કરતો હોય છે. માથાના વાળ મેલા થઈ જાય અને જો કાળજી ન રાખવામાં આવે તો જુ / લીખ / ટોલા / ખોડો વગેરે થતા હોય છે. આ ચહેરાને સારો દેખાડવા જાત જાતના મેક-અપ કર્યા કરવા પડતા હોય છે. વાસ્તવમાં તેમાં સુંદરતા જેવુ કશું હોતું નથી. સુંદરતા તો જોનારની દૃષ્ટિમાં હોય છે.

સ્તન અને નીતંબ તો માંસના લોચા સીવાય બીજું શું છે?

શૌચની વાત સદાચાર સ્તોત્રમાં શંકરાચાર્યજી મહારાજે આ રીતે કરેલ છે.

અત્યંત મલિનો દેહો – દેહિ ચાત્યંત નિર્મલં
અસંગોહં ઈતિ જ્ઞાત્વા – શૌચ મે તત પ્રવક્ષતે

દેહ અત્યંત મલિન છે, દેહિ – આત્મા અતિશય નિર્મળ છે. આ મલિન દેહથી દેહિ આત્માં સર્વથા સંગ રહિત છે તેમ જાણવું તેને શૌચ કહે છે.

દેહનું ઉત્પતિસ્થાન ગંદુ છે, દેહ વિષ્ટા, મળ, મુત્ર, પરુ, લોહી, હાડ,માંસ વગેરે થી બનેલો છે. આ દેહમાં જે આસક્ત છે તે બિભત્સ રસના આશક હોય છે. આત્મા અત્યંત પવિત્ર અને નીર્મળ છે. આત્મા હંમેશા પ્રકૃતિના જડ દ્રવ્યથી અસંગ રહે છે. ત્રિગુણાત્મક પ્રકૃતિમાંથી બનેલ દેહ અને સત ચિત અને આનંદ સ્વરુપ આત્મા આ બંને વચ્ચે વાસ્તવિક રીતે સંગ થવો શક્ય નથી. બિભત્સ રસથી અલિપ્ત રહેવા માટે યોગીઓ અને જ્ઞાનીઓ આત્મસ્વરુપનું ધ્યાન અને ચિંતન કરતા હોય છે.

મદાલસા પણ શંકરાચાર્યજીની જેમ સાવધાન કરતાં કહે છે કે દેહમાં આસક્ત ન થઈશ પરંતુ દેહી સાથે પરમ મિત્રની જેમ રહેજે. પત્નિના દેહમાં પતિએ કે પતિના દેહમાં પત્નિએ આસક્ત ન થતા એક બીજાને અનુકુળ થઈને રહેવાથી દાંપત્ય જીવનનો આનંદ અને સાથે સાથે પ્રભુ ભજન અથવા તો આત્મ ચિંતનનો કલ્યાણ કારી શ્રેય માર્ગ સહજ સાધ્ય બને છે.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | 1 Comment

મદાલસા સ્તોત્ર (૭/૧૦)

ભવતિ દુ:ખાય વૈરાગ્યમબુદ્ધે:
સુખાય ભવતિ વરવામા |
સતાં સર્વદા મુક્તિ પ્રદાતૃ
પ્રાહ વૈરાગ્યં ઘનશ્યામ: || ૭ ||

મુશ્કેલી આવે કે દુ:ખ આવી પડે ત્યારે ખરેખર તો તે સમયે ધૈર્યપૂર્વક મુશ્કેલ પરિસ્થિતિમાંથી કેમ માર્ગ કાઢવો તેનો વિચાર કરવો જોઈએ. જેવી રીતે સ્મશાને કોઈને અગ્નિદાહ આપીને આવ્યાં પછી ઘણાને સ્માશાન વૈરાગ્ય આવી જાય છે અને સંસારમાં કાઈ સાર નથી છેવટે તો બધાએ અહીં જ આવવાનું છે તેવા નીરાશાજનક ઉદગારો કાઢવા લાગે છે તેવી રીતે દુ:ખ આવે ત્યારે જે અબુદ્ધી એટલે કે મુર્ખ છે તેને ક્ષણીક વૈરાગ્ય આવી જાય છે. જેઓ મુઢ મતિ છે અને ઈશ્વર પ્રાપ્તિ કે જ્ઞાન પ્રાપ્તિની તીવ્ર અભીપ્સા વગર વૈરાગ્ય ધારણ કરે છે તેની હાલત બાવાના બેય બગડ્યા જેવી થાય છે. મનમાંથી વાસનાનો ક્ષય થયો નથી હોતો અને તીવ્ર વૈરાગ્ય વગર ત્યાગ કરીને બેઠા હોય તેવા અબુદ્ધિને વૈરાગ્ય દુ:ખ રુપ નીવડે છે.

જે કુંવારા હોય અથવા કુંવારા રહી ગયા હોય તેમને ગમી જાય એવી ચીની કહેવત : એક દિવસ માટે સુખી થવું હોય તો ભૂંડ મારીને ખાજો. એક અઠવાડિયા માટે સુખી થવું હોય તો લગ્ન કરજો અને જો જિંદગીભર સુખી થવું હોય તો આંગણામાં બાગ બનાવજો!

જો કે મદાલસા અહીં દાંપત્ય જીવનનો મહિમા વર્ણવતા કહે છે કે વરવામા એટલે કે શ્રેષ્ઠ પત્નિ મળે તો જીવન સુખરુપ બને છે. પત્નિઓ અનેક પ્રકારની હોય છે એટલું જ નહી પણ એકની એક પત્નિ અનેક પ્રકારે વર્તન કરતી હોય છે તે આપણાં સહુ પરણેલાનો અનુભવ છે. ન પરણેલાઓએ અનુભવ કર્યા વગર જવું નહી – નહીં તો લીલ પરણાવવાનો વારો આવશે. 🙂

શ્રેષ્ઠ પત્નિ દાંપત્ય જીવનનો સાર છે. તમે ધનાઢ્ય હશો કે ગરીબ પણ જો તમારી પત્નિ સમજદાર અને પ્રેમાળ હશે તો તમારું જીવન ખરેખર સુખમય બની રહેશે. દાંપત્યજીવનને સનાતન ધર્મમાં ક્યાંય વખોડવામાં નથી આવ્યું. મુગ્ધ અને પ્રેમ સભર દાંપત્ય જીવન માણતા માણતા શ્રેયને રસ્તે સહજતાથી અને સરળતાથી જઈ શકાય છે તેના ઘણા બધા ઉદાહરણો આપણી પૌરાણિક આખ્યાયીકાઓમાંથી મળી રહે છે.

આગળ વધીને મદાલસા કહે છે કે સંતો હંમેશા મુક્તિ પ્રદાતા હોય છે. અહીં સાચા સંતોની વાત છે. કપડાં બદલ્યાં હોય પણ મનમાં સંસાર ભરેલો પડ્યો હોય તેવા બગ ભગતોની વાત નથી કરી. એક વાત સારી રીતે સમજી લેવાની જરુર છે કે સંતને અને કપડાને કશું લાગતું વળગતું નથી. સંતત્વ તે આંતરિક ગુણ છે બાહ્ય પરિવેશ નહીં. ભગવદ ગીતામાં જુદા પ્રકારના લોકોનું વર્ણન છે. તેમાં જ્ઞાની નું વર્ણન કરેલ છે. આવા જ્ઞાની હોય તેને સંત કહી શકાય. તો સાચા સંત હંમેશા માનવને શ્રેય અને પ્રેય વચ્ચેનો ભેદ સમજાવીને માનવને શ્રેય તરફ વાળે છે અને છેવટે મુક્તિની અનુભુતી કરાવે છે. મુક્તિ એટલે શું તે જાણવા તત્વબોધ જોઈ જવા અનુરોધ છે.

મદાલસા પોતે જે કાઈ કહે છે તે પોતાની મેળે મેળે નથી કહેતા પણ તેમના ગુરુ કે જેઓ સાક્ષાત વૈરાગ્ય સ્વરુપ હતા તેમના જ્ઞાન ના આધારે આ વાત કહે છે.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | 3 Comments

મદાલસા સ્તોત્ર (૬/૧૦)

માતા પિતા સખા મે સંતિ
ભિન્નશ્ચ નાસ્તિ મમ બંધુ: |
મુક્ત્વા છિન્નમતિં ભાવય
ત્વમહં સર્વદા સુખસિંધુ: || ૬ ||

માતા, પિતા, સખા, બંધુ, પુત્ર, પરિવાર આ બધાં આપણને જુદા જુદા લાગે છે અને પ્રત્યેક સાથે આપણે જુદો જુદો વ્યવહાર કરીએ છીએ. મુળમાં જઈએ તો બધા માણસો છે. માત્ર તેમની ઉપાધીને આધારે આપણે તેમની સાથે જુદો જુદો વ્યવહાર કરીએ છીએ. દરેક વ્યક્તિ પોતે પોતાની જાત પર એક Label મારે છે અને પ્રત્યેક વ્યક્તિ જેની સાથે સંપર્કમાં આવે તેની ઉપર એક Label મારે છે. કોઈ પણ વ્યક્તિ હંમેશા સારી કે ખરાબ હોતી નથી. જુદા જુદા સમયે તેના કાર્યો, પરિસ્થિતિ અને વિચારસરણીના આધારે તે જુદી જુદી હોય છે. વ્યક્તિ પર એક વખત Label મારી દીધા પછી તેના હાલના કાર્યો ગમ્મે તેવા હોય પણ પૂર્વના Label ના આધારે તેની સાથે વ્યવહાર થતો હોય છે.

એક વખત મનમાં કોઈને માટે સારો કે ખરાબ ભાવ બાંધી લીધા પછી મનની ગાંઠો છોડવી માણસને માટે ઘણી કઠીન હોય છે. ઘણી વખત તો ખોટી અને કાલ્પનિક માન્યતાઓ સામેની વ્યક્તિને મહાન કે ક્ષુલ્લક ચીતરતી હોય છે. જ્યારે ખરેખર તે વ્યક્તિનું વ્યક્તિત્વ સર્વથા જુદું હોય છે.

અત્રે મદાલસા સંપૂર્ણ વેદાંતના સાર રુપે આ બધી વાતો અલર્કને સમજાવે છે:

જૈસે તરંગે ઝાગ બુદ બુદ – સિંધુસે નહીં ભિન્ન કુછ

તેવી રીતે માતા, પિતા, સખા વગેરે સંબંધો તો અનંત પરમાત્મામાં ઉત્પન્ન થયેલ પાણીની બુંદ જેવા છે. તે દરેકને જુદી જુદી મતિથી જોઈને કે આ ગરીબ છે / અમીર છે / ભણેલો છે / અભણ છે / સવર્ણ છે / ક્ષુદ્ર છે / દેશી છે / વિદેશી છે / હિંદુ છે / ઈસાઈ છે / મુસલમાન છે / સ્ત્રી છે / પુરુષ છે / બાળક છે / હોંશીયાર છે / મુરખ છે / કામનો છે / નકામો છે / આપણો છે / વિરોધી છે વગેરે વગેરે અનેક પ્રકારે વર્ગીકરણ કરવાથી તો રાગ-દ્વેષના દ્વંદ્વો જ વધે છે.

વાસ્તવમાં તો સર્વ કોઈ પરમાત્માનાં અંશરુપ છે અને હે અલર્ક તું પણ પરમાત્માનો અંશ હોવાથી તું તને અને સર્વને સુખસિંધુની બુંદ રુપે અનુભવ અને આ બુંદોમાં ભીન્નતાની કલ્પનાઓ છોડીને સુખસિંધુ રુપ બની જા.

Categories: અધ્યાત્મ / યોગ | Tags: | Leave a comment

વિચાર વલોણું

એક વખત એક વિચાર વલોણાં ફેરવીને મેલનો જથ્થો એકત્ર કરીને લોકોને દર્શાવતાં ભાઈએ માતાજીના પૂજકો ને જ માત્ર શા માટે વખોડો છો અન્ય ભણેલા ગણેલા પણ અભણ કરતાયે વધુ અંધ શ્રદ્ધાળું હોય છે તેને શા માટે ધોકાવતા નથી? તેવો પ્રશ્ન પુછ્યો. તેથી ભણેલા ગણેલા અંધશ્રદ્ધાળુંઓ હચમચી ગયા અને માતાજીના પૂજકો ગેલમાં આવી ગયાં.

તે લોકોને કોણ સમજાવે કે હે પુજકો ભણેલા ગણેલા ની સામે ધોકો પછાડવાથી કાઈ તમારી અંધશ્રદ્ધાને માન્યતા નથી મળી જતી. તમે ભણેલા હો / અમીર હો / ગરીબ હો કે અભણ હો પણ સમજ્યાં વગર જે કોઈ કાર્ય કરશો તેના પરીણામો માત્ર ને માત્ર તમારે ભોગવવા પડશે બીજા લોકોને તો માત્ર હસવાનું થશે.


એક કહેવત: કાગડા ભાઈને હસવું થાય ને દેડકા ભાઈનો જીવ જાય.


Categories: અવનવું | Tags: | Leave a comment

મદાલસા સ્તોત્ર (૫/૧૦)

વસ્ત્રવિનાશે યથા શરીરે
કસ્યાપિ નાસ્તિ વિનાશમતિ: |
કર્મરચિત ત્રિદેહ વિનાશે
નાસ્તિ તવાત્મનિ કા ચ ક્ષતિ || ૫ ||

જેવી રીતે વસ્ત્રનો વિનાશ થવાથી કોઈ તેમ નથી કહેતું કે મારો વિનાશ થઈ ગયો તેવી રીતે શરીરનો નાશ થવાથી વિનાશ થતો નથી.

જેવી રીતે સુતરના તાણાંવાણાંથી વસ્ત્ર બને છે અને કાળક્રમે ઘસાઈને નાશ પામે છે તે રીતે ત્રીદેહ (સ્થુળ, સુક્ષ્મ અને કારણ શરીરો) કર્મ દ્વારા રચાયેલા છે.

કર્મ ત્રણ પ્રકારના હોય છે. ૧.સંચિત ૨.ક્રીયમાણ ૩. પ્રારબ્ધ.

પૂર્વે કરેલા અને ન ભોગવાયેલા કર્મોને સંચિત કર્મ કહે છે. વર્તમાનમાં થઈ રહેલ કર્મોને ક્રિયમાણ કર્મો કહે છે. જન્મ સમયે સંચિત કર્મના જથ્થામાંથી જેટલો જથ્થો આ જન્મમાં ભોગવવા માટે લઈને આવ્યાં હોઈએ તેને પ્રારબ્ધ કર્મ કહે છે. કર્તાભાવથી કરવામાં આવેલ ક્રીયમાણ કર્મો નવું કર્માશય ઉત્પન્ન કરે છે ને સંચિતમાં જમા થઈને નવા જન્મ માટેના શરીરનું કારણ બને છે. આમ કર્મથી ઉત્પન્ન થયેલ ત્રીદેહ મળ્યાં કરે છે અને વિનાશ પામ્યાં કરે છે અને વળી પાછો મળે છે. દેહના નાશ થવાથી આત્મ તત્વની કશી ક્ષતિ થતી નથી.

ત્રણ શરીરો :

૧. સ્થુળ શરીર : સ્થુળ પાંચ મહાભુતો (આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વિ) નું બનેલું હોય છે.

૨. સુક્ષ્મ શરીર : પાંચ જ્ઞાનેન્દ્રિય (શ્રોત્ર, સ્પર્શ, ચક્ષુ, રસના અને ઘ્રાણ), પાંચ કર્મેન્દ્રિય (હસ્ત, પાદ, વાણી, ઉપસ્થ અને પાયુ) પાંચ પ્રાણ (પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન) તથા અંત:કરણ (મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) તેમ ૧૯ અંગો વાળુ હોય છે. સ્થુળ શરીરનો નાશ થાય છે. સુક્ષ્મ શરીર અને કારણ શરીર બીજા શરીરો ધારણ કરે છે.

૩. કારણ શરીર : આત્મસ્વરુપના અજ્ઞાનરુપ અવિદ્યા કે જે માયાનો અંશ છે તેમાંથી બને છે. વાસનાઓ રહે છે ત્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે અને વાસનાને અનુરુપ નવા નવા સ્થુળ શરીરો ધારણ કરવા માટેનું કારણ છે.

આત્મતત્વ સદાયે ઉત્પતિ અને વિનાશથી રહિત હોવાથી આ ત્રણે શરીરોની અસર આત્મા પર કશી થતી નથી.


નોંધ: આ વિષય પર વધુ જાણવા માટે આદિ શંકરાચાર્યજી રચિત તત્વબોધ જોવા અનુરોધ છે.


Categories: અધ્યાત્મ / યોગ | Tags: | Leave a comment

Blog at WordPress.com.