Daily Archives: 30/10/2011
મારી સખી-કવિતા
મીત્રો,
દરેકનું જીવન અનેક ચઢાવ-ઉતાર વાળું હોય છે. મારા જીવનમાં યે ચઢાવ-ઉતાર ઓછા નથી આવ્યાં. છેલ્લાં પંદર વર્ષોમાં મારા જીવનમાં કવિતા જીવન-સંગીની બનીને આવી. તેણે મને શું નથી આપ્યું? આપણે ત્યાં પત્નિની વિભાવના જુદા જુદા કાર્ય દરમ્યાન જુદી જુદી કરવામાં આવી છે. જેમ કે :
..
કાર્યેષુ મંત્રી
કરણેષુ દાસી
ભોજ્યેષુ માતા
શયનેષુ રંભા
મનોનુકૂલા ક્ષમયા ધરિત્રી
…
એકની એક જીવનસંગીની અનેક ભૂમિકા નીભાવે છે.
કવિતા વિશે જ્યારે કશુંક કહેવાનું હોય તો કહી શકું કે તે મધુવનમાં આવી ત્યારથી અમારા જીવનમાં એક તાજગી પ્રવેશી છે. તેની હાજરી માત્રથી વાતાવરણ ભર્યું ભર્યું લાગે છે. તે ગુસ્સો કરે, વ્હાલ કરે, નીવેદન કરે, કશીક માગણી કરે, લાગણી વ્યક્ત કરે, રીસાય, ખીજાય, અબોલા લે કે કોઈ પણ ક્રીયા કરે તે દરેક વખતે તેની એક છટા, તેનું એક માધુર્ય એક લાવણ્ય પ્રગટ થાય.
એક ખાનગી વાત કહી દઉ કે તે જ્યારે પ્રસન્ન હોય ત્યારે હું સ્વસ્થ રહું છું અને મારા કાર્યો ઉત્સાહથી કરી શકું છું. જો તે છંછેડાઈ ગઈ હોય કે રીસાઈ ગઈ હોય તો મારા ગાત્રો ગળી જાય છે. હું અસ્વસ્થ થઈ જાઉ છું. હું ફરી પાછો ત્યારે સ્વસ્થ થઈ શકું છું કે જ્યારે તે પુન: પ્રસન્ન થાય.
સમગ્ર મધુવન પરિવારને તેણે સ્નેહ-પૂર્વક એક તાંતણે બાંધી લીધો છે અને અમારા કુટુંબના કેન્દ્ર સ્થાને રહીને તેણે જીવનને જીવવાલાયક બનાવી દીધું છે.
અંતે એક મુક્તક કહીને વિરમું :
ત્યાં લગી આશ સૃષ્ટિની – જ્યાં લગી ઉગતા ફૂલો
જીંદગી જીવવા જેવી – જ્યાં લગી કવિના કુળો