મીત્રો,
આપ સહુ જાણો છો કે આ બ્લોગ મેં મારા વિચારો પ્રદર્શીત કરવા માટે બનાવ્યો છે. કોઈએ તેની સાથે સહમત થવાની કે ન થવાની આવશ્યકતા નથી. આ વિચારોમાંથી આપને કશાક ઉપયોગી લાગે તેવા વિચારો ગ્રહણ કરીને બાકીના વિચારોને આપ છોડી દઈ શકો છો. અશિષ્ટ ન હોય તેવા આપના સર્વ પ્રકારના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે.
બાહ્ય પરિસ્થિતિ પર આપણો કાબુ ઘણો ઓછો હોય છે. બહાર શું બનશે તે નક્કી કરવાનું આપણાં હાથમાં હોતું નથી. બાહ્ય પરિસ્થિતિ પ્રત્યે કેવો પ્રત્યાઘાત આપણા અંત:કરણમાં ઉઠે તે માટેની કેળવણી આપણે આપણી જાતને આપી શકીએ.
શ્રીમદ ભગવદ ગીતાના આધારે મનુષ્ય યોની તે મધ્યમ પ્રકારની યોની છે. પશુ યોની નિમ્ન પ્રકારની અને દેવ યોની ઉચ્ચ પ્રકારની યોની છે. મૃત્યુ સમયે આપણે જે પ્રકારના ગુણથી પ્રભાવીત હોઈએ તે પ્રકારનો નવો જન્મ આપણે પ્રાપ્ત કરીએ છીએ. જો સત્વગુણમાં સ્થીત હોઈએ અને મૃત્યુ થાય તો આપણે દેવ યોની અને ઉર્ધ્વ લોકમાં જઈએ, જો રજોગુણમાં સ્થીત હોઈએ અને મૃત્યુ થાય તો ફરી પાછા પૃથ્વી લોકમાં મનુષ્યરુપે અવતરીએ અને જો તમોગુણમાં સ્થીત હોઈએ અને મૃત્યુ થાય તો પશુ યોનીમાં જન્મ થાય. આ વાત શાસ્ત્રોક્ત રીતે કહી છે – મારી પાસે પુરાવા નથી – માનવી હોય તો માનવી ન માનવી હોય તો યે કશો વાંધો નથી.
મનુષ્ય યોનીમાં હોવાને લીધે આપણે દેવો કરતાં ઓછા સામર્થ્યવાળા અને પશુઓ કરતા વધુ સામર્થ્યવાળા છીએ. મનુષ્યોમાં પણ ઘણાં આપણાથી ચડીયાતા અને ઘણાં આપણાથી ઉતરતી કક્ષાના લોકો છે. ટુંકમાં તેમ સમજીએ કે આપણે એક એવા જંક્શન પર ઉભા છીએ કે જ્યાંથી દરેક સ્ટેશને જવાની ગાડી મળે તેમ છે.
પ્રકૃતિના ૩ ગુણો છે. સત્વ, રજ અને તમ. સત્વ ગુણ શુદ્ધ છે અને સુખની સાથે બાંધે છે. સત્વગુણની વૃદ્ધિથી બુદ્ધિ ધારદાર બને છે અને કોઈ પણ વિષય તરત સમજાઈ જાય છે. રજોગુણ થોડો મલીન છે અને તે ખુબ પ્રવૃત્તિ કરાવે છે. તેની વૃદ્ધિથી લોભ થાય છે અને પાપ કહી શકાય તેવી અથવા તો સ્વાર્થી પ્રવૃત્તી તરફ તે દોરી જાય છે. તમોગુણ અંધકારમય ગુણ છે. આળસ અને પ્રમાદ દ્વારા તે જીવને અધોગતી તરફ લઈ જાય છે.
મનુષ્ય હોવાને લીધે આપણે રજોગુણની વૃદ્ધિવાળા છીએ એટલે કે આપણો અડધો ગ્લાસ ભરેલો છે. સત્વગુણ વાળા કરતા આપણે ઉતરતા અને તમોગુણ વાળા કરતા ચડીયાતા છીએ. અહીંથી જીદગીની ખરી મજા શરુ થાય છે. જો આપણે ઉર્ધ્વ બનવું હોય તો હકારાત્મક ગુણોને વિકસાવીને સત્વગુણમાં વૃદ્ધિ કરવી આવશ્યક બની જાય છે. જો ફરી પાછા મનુષ્ય તરીકે રહેવું હોય તો જેવા છીએ તેવા થોડા સારા અને થોડા ખરાબ રહીએ એટલે વાંધો નહીં આવે. અને જો પશુત્વ પ્રાપ્ત કરવું હોય તો આજથી જ કામ, ક્રોધ અને લોભને આપણા આભુષણો બનાવી દઈએ એટલે તરત – મનુષ્ય રુપે મૃગા: ચરન્તિ – મનુષ્યરુપે શિંગડા પુછડા વગરના પ્રાણી બની જઈશું.
આજનો મુખ્ય વિચાર હતો હકારાત્મકતા. હકારાત્મકતા શું છે? હકારાત્મકતા તે એક એવી દૃષ્ટિ છે કે જે દરેક બાબતમાંથી કશુંક સારુ શોધી કાઢે અને તેમાંથી આનંદ પ્રાપ્ત કરે અથવા તો રાજી થાય.
* ધારોકે હું ગરીબ છું અને માત્ર મને એક ટંક જમવાનું મળે છે તો હું રોદણાં રોવાને બદલે વિચાર કરું કે કઈ નહીં એક વખત તો જમવાનું મળે છે ને? તો આ હકારાત્મકતા છે.
* ધારો કે મારે કોઈ મીત્ર નથી માત્ર એક કુતરો મારો મીત્ર છે તો હું દુ:ખી થવાને બદલે વિચારું કે ભલેને કોઈ મનુષ્ય મારો મીત્ર ન હોય પણ એક કુતરો તો મારો મીત્ર છે ને? તો આ હકારાત્મકતા છે.
* ધારોકે હું માંદો છું અને મારું દર્દ એવું છે કે જેનો ઈલાજ ડોક્ટરો પાસે પણ નથી તો હું દુ:ખી થવાને બદલે વિચારું કે શેષ જીંદગી હું કશાક ઉપયોગી કાર્યમાં વીતાવીશ અને ભલેને મારો રોગ અસાધ્ય હોય પણ તેમ છતાં હું જીવી તો શકું છું ને? તો આ હકારાત્મકતા છે.
* ધારોકે હું બ્લોગર છું કે જેનો બ્લોગ બહુ ઓછા વાચકો વાંચે છે તો હું દુ:ખી થવાને બદલે તેમ વિચારું કે ભલેને કોઈ ન વાંચે તેમ છતાં મને લખવાનો આનંદ તો મળે છે ને? એકાદ બે મીત્રો વાંચે છે તે પણ મારા માટે તો ઘણું છે ને? તો આ હકારાત્મકતા છે.
ટુંકમાં હકારાત્મકતા તે મનને આપેલી એવી કેળવણી છે કે જે બાહ્ય જગતમાં જે કાઈ બને તેને હસતે મુખે સ્વીકારી શકે. તેની ઇચ્છા પ્રમાણે બને તો રાજી રાજી અને કદાચ તેમ ન બને તો યે પડી ભાંગવાને બદલે હિંમતપૂર્વક કહે કે ભલેને સફળ ન થયો તો યે પ્રયત્ન તો કર્યોને? તો આ હકારાત્મકતા છે.
હકારાત્મકતા વિશે લખવા કરતાં હકારાત્મકતા રોજે રોજ શીખવાની અને જીવનની અંદર અમલમાં મુકીને જીવનને નંદનવન બનાવવાની અમુલ્ય જડીબુટ્ટી છે. ઉપર ઈમેજમાં દર્શાવેલા અન્ય ગુણો હકારાત્મકતા ખીલવવા માટે ઘણા ઉપયોગી ગુણો છે.
મીત્રો, તો આજથી જ આપણે હકારાત્મક બનીને આપણું અને આપણાં સંપર્કમાં આવનારા સર્વ જીવોનું જીવન ખુશીઓથી છલકાવી દેવા માટે પ્રયત્નશીલ બનશું ને?
હકારાત્મકતા વિકસાવવા માટે નીચેનું પુસ્તક વાંચવા આગ્રહપૂર્વકની ભલામણ છે.