મીત્રો,
આજે હું ખુબ આનંદમાં છું? કેમ? કારણ કે મને મારી જીંદગીની ગાડીના સાચા સારથી જડી ગયાં છે.
શું આપણે જાણીએ છીએ કે આપણો દેહ એક રથ છે. ઈંદ્રિયો ઘોડા છે. મન લગામ છે. બુદ્ધિ સારથી છે. અને જીવાત્મા રથી છે.
આપણે જાત જાતના અને ભાત ભાતના વાહનો ચલાવતા હોઈએ છીએ. દરેક ચાલક જાણે છે કે જો વાહનને ગંતવ્ય સ્થાને લઈ જવું હોય તો તેમાં પુરતું ઈંધણ હોવું જોઈએ, વાહન સક્ષમ હોવું જોઈએ, તેમાં એક્સીલરેટર અને બ્રેક હોવા જોઈએ. વાહન ચલાવવા માટે ગવંડર હોવું જોઈએ. આપણું ગવંડર આપણાં અથવા તો વિશ્વાસુ અને પ્રમાણીક વ્યક્તિના હાથમાં હોવું જોઈએ. ક્યાંક જવું હોય ત્યારે ખબર હોવી જોઈએ કે ક્યાં જવું છે.
આપણે રોજે રોજ કાઈક હંકારીએ છીએ અને સાથે સાથે કોઈના દ્વારા હંકારાઈએ પણ છીએ. બાળકને આજ્ઞા કરીએ, નોકરને સુચના આપીએ, મીત્રોને સલાહ આપીએ, ક્લાયન્ટને સેવા આપીએ આ દરેક વખતે આપણે સામેની વ્યક્તિને આપણી ઈચ્છા પ્રમાણે ચાલવા માટેના સંદેશા આપતા હોઈએ છીએ. તે જ રીતે પત્નિ સુચના આપતી હોય છે. ઘણી વખત અબોલા લેતી હોય અથવા તો વાસણ પછાડતી હોય છે. માતા પિતા સલાહ આપે છે. બાળકો ધમ પછાડા કરીને કશોક સંકેત કરતા હોય છે. ક્લાયન્ટ ફરીયાદ કરતા હોય છે. મીત્રો સલાહ આપે અથવા તો ખખડાવી નાખે આવે વખતે આપણે હંકારાતા હોઈએ છીએ.
હાંકવા અને હંકારાવાની ઘટનામાં આપણે બાહ્ય જગત પર કશોક આઘાત કરીએ છીએ અને બાહ્ય જગત આપણાં પર કશોક આઘાત કરે છે. આ આઘાતની સામે એક પ્રત્યાઘાત બાહ્ય જગતમાંથી અથવા તો આપણી અંદરથી ઉઠે છે. પ્રત્યેક આઘાત અને પ્રત્યાઘાત ચિત્તમાં એક સંસ્કાર છોડી જાય છે. સામ સામી લેવડ દેવડ વખતે આઘાત પ્રત્યાઘાત સામ સામેની વ્યક્તિ પુરતા મર્યાદિત રહેતા હોય છે જ્યારે સમાચાર માધ્યમો દ્વારા પ્રસરાવાતા સમાચારોના આઘાત અનેક લોકોના જન માનસમાં પ્રત્યાઘાત ઉત્પન્ન કરે છે.
એકની એક ઘટના જુદી જુદી વ્યક્તિના મનમાં જુદો જુદો તરંગ ઉત્પન્ન કરશે. નવરાત્રીના દાંડીયારાસ યુવાનોના હૈયા હિલ્લોળે ચડાવશે, બાળકોને તેની સાથે ખાસ નીસ્બત નહીં હોય, આધેડો પોતાના જુના દિવસો યાદ કરશે, ઉંમર વધી ગયેલા પણ દિલથી યુવાનો દાંડીયારાસ રમવાયે નીકળી પડશે પણ પગ એકી બેકી રમવા લાગશે તેથી એકાદ ચક્કર મારીને આપણે તો ભાઇ આજેય યુવાન છીએ અને ઘડપણ તો મારાથી હજુ દસ વર્ષ આગળ છે તેવું હાંફતા હાંફતા કહેશે.
આપણાં દ્વારા જગત, જીવ અને જગદીશ્વર સાથે વ્યવહાર થતો હોય છે. જગત પ્રતિક્રીયા કરે છે તેમાં ન્યુટનના નીયમ પ્રમાણે આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામા હોય છે. જીવો કેવી પ્રતિક્રીયા કરશે તે નક્કી નહીં તેથી જીવો સાથેના વ્યવહારમાં સાવચેત રહેવું જરૂરી છે. જગદીશ્વર પણ પ્રતિક્રીયા કરે છે અને તેની ચાવી થોડીક ભગવદ ગીતામાં બતાવી છે – જેમ કે:-
જેવા ભાવ થકી મને ભક્ત ભજે મારા;
તેવા ભાવે હું ભજું તે સહુને પ્યારા.
આ ઉપરાંત આર્ત,અર્થાર્થી,જીજ્ઞાસુ અને જ્ઞાની તેમ ચાર પ્રકારના ભક્તો જગદીશ્વરને ભજે છે તે સહુ ભગવાનને પ્રિય છે પણ તેમાં જ્ઞાની તો ભગવાન સાથે સંધાઈ ગયો છે એટલે કે એકરુપ થઈ ગયો છે તેમ ભગવાન કહે છે.
હવે ફરીથી આપણે દેહરુપી રથમાં આવીએ. મહાભારતમાં અર્જુન રાત્રે નીરાંતે સુઈ જતો હતો કારણ કે તેમણે પોતાના રથનું સુકાન ભગવાનને સોંપી દીધું હતું. આપણામાંથી ઘણાને ઉંઘની ગોળી લેવી પડતી હશે કારણ કે આપણે આપણો રથ તો સરખો સંભાળી નથી શકતા અને પાછા ગામ આખાના રથનો ભાર માથે લઈને ફરતા હોઈએ છીએ.
દેહરુપી રથમાં ઈંદ્રીયોરુપી ઘોડા છે તે બધી ઈંદ્રીયો જો પોતાના વિષયોમાં યથેચ્છ વિહાર કરે તો જરૂર રથને ખાડામાં નાખે પણ તેની પર કાબું રાખવા માટે મન રુપી લગામ (બ્રેક) આપવામાં આવી છે. આજની રાસાયણીક ભાષામાં જુદા જુદા રસાયણો જરુર પ્રમાણે મગજ (Brain) માંથી ઝરે છે અને જુદી જુદી પરિસ્થિતિ પર કાબુ રાખે છે. જો આ લગામ બરાબર હોય તો ગાડી બરાબર ચાલે. આ લગામ ક્યારે કેવી રીતે ઉપયોગમાં લેવી તે સારથી એટલે કે બુદ્ધિ નક્કી કરે છે. વિજ્ઞાન મન અને બુદ્ધિ વચ્ચે કોઈ ભેદ નથી પાડતું પરંતુ અધ્યાત્મ શાસ્ત્રએ મન અને બુદ્ધિ વચ્ચે અંતર છે તેમ દર્શાવ્યું છે. મનનું કાર્ય સંકલ્પ વિકલ્પ કરવાનું છે જ્યારે બુદ્ધિનું કાર્ય નીર્ણય લેવાનું છે. બુદ્ધિ પણ ત્રણ પ્રકારની હોય છે. ૧.સાત્વિક ૨.રાજસી ૩.તામસી – જેવી બુદ્ધિ તેવો નિર્ણય.
જો આપણે યોગ્ય રીતે ગાડી હંકારવી હશે અને જીવાત્મારુપી રથીને ચોક્કસ ગંતવ્ય સ્થાને પહોંચાડવો હશે તો બુદ્ધિરુપી સારથીને સુદૃઢ બનાવવો પડશે.
તો મીત્રો, આજથી જ આપણે આપણા બુદ્ધિરુપી સારથીને વધુને વધુ સાત્વિક બનાવવા માટે પ્રયત્ન શરું કરશું ને?