Daily Archives: 29/09/2011

સંઘ ભાવના (Team Work) – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૫)


મીત્રો,

ટોળું અને ટુકડી વચ્ચેનો તફાવત જાણો છો? ટોળું એટલે અનીયંત્રીત વ્યક્તિઓનો સમૂહ કે તે ક્યારે શું કરશે તે નક્કી નહીં. જ્યારે ટુકડી એટલે ચોક્કસ હેતુ કે ધ્યેય માટે એકત્રીત થયેલ વ્યક્તિઓનો સમૂહ. આપણાં દેશમાં માણસો ભેગા કરવા જેટલું સહેલું કામ બીજું એકે નથી. પરંતુ ચોક્કસ હેતુ માટે ચોક્કસ પ્રકારની ગુણવત્તા ધરાવતી વ્યક્તિઓ એકત્ર કરવી તે લોઢાના ચણા ચાવવા જેવું કાર્ય છે.

સાંપ્રત બે આંદોલનના ઉદાહરણ લઈએ તો સમજાશે કે એકમાં નીશ્ચિત ધ્યેય વગર એકત્રીત થયેલ ટોળું હતું જ્યારે બીજામાં સમજદાર અને સમર્પિત વ્યક્તિઓ દ્વારા ચોક્કસ હેતુ માટે કરવામાં આવેલ પ્રયાસ છે. પ્રથમ આંદોલન બાબા રામદેવનું હતુ કે જેને સરકાર દ્વારા આસાનીથી તોડી પડાયું. બીજા આંદોલનમાં સરકારે જેમ જેમ આંદોલનને તોડી પાડવા પ્રયાસ કર્યો તેમ તેમ સરકાર વધુને વધુ સાણસામાં સપડાતી ગઈ. બંનેમાં ઘણાં માણસો હતાં. પ્રથમ આંદોલનના નેતા વધારે લોકપ્રીય અને જાણીતા હતા જ્યારે બીજા આંદોલનના નેતા વધારે ચોક્કસ અને પ્રમાણિક હતાં. કહેવાનું તાત્પર્ય તે છે કે કોઈ પણ કાર્યને જો વ્યવસ્થિત પરીણામ પ્રાપ્ત કરવામાં રુપાંતરીત કરવું હોય તો જે તે કાર્ય માટે એકત્ર થયેલા માણસો યોગ્ય હોવા જોઈએ.

જાપાન અને આપણાં દેશની વસ્તી વચ્ચે કેટલો મોટો તફાવત છે. જાપાનમાં બધા નાગરીકો છે જ્યારે આપણે ત્યાં (સ્વાર્થી ?) વ્યક્તિઓના ટોળા. કોઈ ઉમદા હેતુ કે ધ્યેય વગર એકત્રીત થતાં માણસો કદાચ બાબરી મસ્જીદ તોડી શકે, ટ્રેનના ડબ્બા સળગાવી શકે, હુલ્લડ અને તોફાનો કરી શકે, માલ મિલ્કતને નુકશાન કરી શકે પરંતુ કશુંક હકારાત્મક, કશુંક સર્જનાત્મક કાર્ય કરવું હોય તો સબળ, સચોટ વિચારસરણી ધરાવતી વ્યક્તિઓની ટુકડી જ કામ લાગે.

આપણે ત્યાં TATA ને ઘણું પ્રતિષ્ઠિત ઉધ્યોગ ગૃપ ગણવામાં આવે છે. હું જ્યારે મીકેનીકલ એંજીનીયરીંગનો ડીપ્લોમાં કરતો હતો ત્યારે અમારે ત્યાં એક ગૃપ પોતાને TATA ગૃપ તરીકે ઓળખાવતું. TATA means Team Work.

સારું સોફ્ટવેર બનાવવું હોય, સારો વેપાર કરવો હોય, ઉત્તમ ખેતી કરવી હોય, સારી રીતે રાજ્ય કરવું હોય, સારી રીતે ફેક્ટરી ચલાવવી હોય કે કોઈ પણ કાર્ય સારી રીતે કરવું હોય તો સારી ટીમ જોઈએ.

ટીમના સભ્યોમાં હંમેશા એકબીજાને સહાયરુપ થવાની ભાવના હોવી જોઈએ. કાર્યનો હેતુ સમગ્ર ટીમના લાભમાં હોવો જોઈએ. ફેક્ટરીમાં વિધ વિધ વિભાગો હોય છે. આ દરેક વિભાગ એક બીજા સાથે તાલ મેલ મેળવીને કામ કરે છે અને પરીણામે સરસ નફો પ્રાપ્ત કરે છે. જે કારખાનાઓમાં Union લીડરો – વર્કરો અને મેનેજમેન્ટને લડાવી મારે છે તે કંપનીને થોડા સમયમાં જ ફડચામાં લઈ જવી પડે છે.

પર્વતારોહકો પણ Team માં પરવતારોહણ કરે છે. તેમનો હેતુ સર્વ પ્રથમ ટોચે પહોંચવાનો નહીં પરંતુ ટીમનો દરેક સભ્ય ટોચ સુધી પહોંચી શકે તે હોય છે.

મીત્રો, કુટુંબ, સમાજ, ગામ, શહેર, પ્રાંત, રાજ્ય, દેશ આ બધાં છેવટે તો મનુષ્યોના સમુહથી જ વિકાસ કે વિનાશ પામે છે ને? સારા, વિચારશીલ, વ્યવસ્થિત સદાચરણ ધરાવતાં વ્યક્તિઓ જ્યાં એકત્રીત થાય તે મીત્રો, કુટુંબ, સમાજ, ગામ, શહેર, પ્રાંત, રાજ્ય અને દેશ વિકાસ પામે છે અને જ્યાં વિઘાતક વિચારસરણી વાળા મનુષ્યો એકત્રીત થાય ત્યાં રકાસ અને પતન નોતરે છે.

જીવનના દરેક ક્ષેત્રે સહકાર અને સંઘભાવના જરૂરી છે પણ સાથે સાથે તે પણ જોવું જોઈએ કે સંઘમાં, ટુકડીમાં, સમુહમાં એકત્ર કરાયેલ સભ્ય પુરતી ગુણવત્તા ધરાવતો હોય.

મીત્રો, તો આજથી જ સબળ મીત્રોની ટીમ બનાવવા માટે આપણે યોગ્ય વ્યક્તિઓ પસંદ કરવાનું શરું કરી દઈશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.