Daily Archives: 27/09/2011

હિંમત – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૪)


મીત્રો,

મને કોઈ પુછે કે એક મા કે બાપ પોતાના દિકરી કે દિકરાને ઉત્તમમાં ઉત્તમ કઈ ભેટ આપી શકે? તો હું આંખો મીંચીને જવાબ આપુ કે હિંમત. આસ્થા જ્યારે નાની હતી અને થોડું થોડું બોલતાં શીખેલી ત્યારે તે ઉઠે ત્યારે સહુ પ્રથમ અમે સ્વામી વિવેકાનંદનું આ વાક્ય બોલતા અને તે તેનું પુનરાવર્તન કરતી.

“ઊભા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો – અને જાણી લ્યો કે તમારા નસીબના ઘડવૈયા તમે પોતે જ છો.”

હિંમત – હિંમત અને હિંમત આ એક જ વાક્યમાં ઉપનિષદના સર્વ સંદેશાનો સાર આવી જાય છે. આ જગતમાં એક ડગલુંએ ભરવું હશે તો હિંમતની જરૂર પડશે. ૧૦૦૦ માઈલની મુસાફરી પુરી કરનારે પણ શરુઆત તો પ્રથમ પગલું ભરવાની હિંમતથી જ કરી હશે.

આપણાં સંતાનો માંદા હોય તો તેને દવા આપીએ અને સાથો સાથ કહીએ કે રોગ ચાલ્યો જશે જ – તું હિંમત રાખજે. આપણા સંતાનો પરીક્ષાની તૈયારી કરતાં હોય કે પરીક્ષા આપતા હોય તો તેને પ્રોત્સાહન આપતા કહેશું દિકરા મન દઈને વાંચ, હું તારી સાથે જાગીશ, હું ઈન્ટરનેટ પર બેસવાનું કે બીજા કાર્ય પડતા મુકીને ય તને સાથ આપીશ કારણ કે આ જગતમાં તું મને સહુથી વધુ પ્રિય છો – તું હિંમત રાખીને અભ્યાસ કર, પરિક્ષા આપ – જરુર સફળ થઈશ જ.

અરે જો મારા દિકરાનો જન્મ દિવસ હોય તો હું તેને દુન્યવી ભેટ અને મનગમતો ખોરાક તો જરૂર આપું, તેને સારા સ્થળે ફરવા લઈ જાઉ અથવા તો તેના મિત્રોને બોલાવીને તે મીજબાની આપે તેવી ગોઠવણ કરી દઉ પણ સાથે સાથે તેના માથે હાથ મુકીને આશીર્વાદ આપતાં કહું કે દિકરા આ જગતમાં જો તારે પ્રત્યેક પરિસ્થિતિમાં ટકી રહેવું હશે તો ડગલે અને પગલે હિંમતની જરૂર પડશે તેથી તું જીવનના કોઈ પણ તબક્કે હિંમતના આ મહાન ગુણને તારાથી અલગ કરતો નહી. અરે દિકરા તારી પ્રેમાળ માને તું હંમેશા વહાલ કરજે કે જે તારા સુખ માટે રાત દિવસ ઉજાગરા કરે છે. તારા આ પિતા જ્યારે નીરાશ થઈ જાય કે કશીક મુશ્કેલીમાં ચિંતાતુર દેખાય ત્યારે તું તેના વાંસે હાથ ફેરવીને હિંમત આપજે અને કહેજે કે પપ્પુ હિંમત રાખવાનું તો હું તમારી પાસેથી શીખ્યો છું અને તમે કેમ આજે ઢીલાં પડી ગયા છો?

જીવનનું એવું ક્યું ક્ષેત્ર છે કે જ્યાં હિંમત વગર કામ થઈ શકે? એકે નહીં. દેશનું રક્ષણ કરવું હોય, કુટુંબનું ભરણ પોષણ કરવું હોય, ખેતી કરવી હોય, ઉધ્યોગ ધંધા ચલાવવા હોય, રાજકીય ક્ષેત્રે આગળ આવવું હોય, પર્વતો ચઢવા હોય, દેશ દેશાવર જવું હોય, કશુંક નવું શીખવું હોય, અરે કાઈ પણ નવું કરવું હોય, જે છે તેને જાળવવું હોય કે કશું વિસર્જન કરવું હોય – તો દરેકે દરેક કાર્યમાં હિંમતની જરૂ પડશે.

શોર ફીલ્મના બધા ગીતો મને ગમે છે પણ તેમાંયે “જીવન ચલને કા નામ” ગીત તો વિશેષ ગમે છે અને તેની આ કડી તો સહુથી વધુ પ્રિય છે.

હિંમત અપના દીન ધરમ હૈ
હિંમત હૈ ઈમાન
હિંમત અલ્લાહ
હિંમત વાહેગુરુ
હિંમત હૈ ભગવાન

કે ઈસપે મરતા જા મિત્રા..
કે સજદા કરતા જા મિત્રા..
કે શીશ જુકાતા જા મિત્રા..

જીવન ચલને કા નામ

મીત્રો, તો આજથી જ હિંમતને આપણો જીવનમંત્ર બનાવશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 2 Comments

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૪૪-૪૫)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.