અમર્યાદ તકો – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૨)


મીત્રો,

અનંત શક્યતાઓથી ભરેલા આપણા જીવનમાં શું તકો નથી આવતી? અરે રોજે રોજ તક આવીને આપણાં બારણે ઉભી રહે છે – કાશ આપણે તે બારણું ખોલવા જેટલો પુરુષાર્થ કરી શકતા હોત !

કેટલાયે લોકો સમગ્ર જીવન એક જ ઘરેડમાં, એક ધારી રીતે , એના એ જ જુના પુરાણા રીવાજો, માન્યતાઓ અને પ્રવૃત્તિમાં ગુજારી દેતાં હોય છે. ઈશ્વરની આ અજાયબ સૃષ્ટિમાં રોજે રોજ નવું નવું બને છે. આ સૃષ્ટિમાં જાત જાતના પક્ષીઓ અને પ્રાણીઓ છે, સમુદ્રો, નદીઓ, ખળ ખળ કરતાં ઝરણાઓ, સુસવાટા મારતો પવન, કે શીતળતા અર્પતી હવાની લહેરખીઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, ફળો, ફુલો, તરેહ તરેહના દેશ, પ્રદેશ, જાતી પ્રજાતીઓ અને કેટ કેટલું છે અહીં જાણવા માટે – માણવા માટે. પણ પણ પણ આપણે આપણાં ઘરના બારી બારણાં બંધ કરીને જાતે જાતે જ તેમાં પુરાઈ રહીએ – ન કોઈને મળીએ, ન કોઈની સાથે વાત કરીએ, ન તો આપણી હાજરી પણ કળાવા દઈએ – આવું એકાકી જીવન જીવનારાના તો મગજ બહેર મારી જાય.

આપણાં ભારત વર્ષમાં જ્યારે આરણ્યક સંસ્કૃતિ હતી ત્યારે કેટકેટલાં ચિંતકો થયા, તેમણે જુદી જુદી રીતે પ્રકૃતિ પાસેથી જ્ઞાન મેળવ્યું અને એક સંસ્કૃતિનો વિકાસ કર્યો. આજે આપણે જુની સંસ્કૃતિના ગાણાં ગાવાની બદલે રોજ નવું નવું શીખી, જાણી, જીવનને આનંદથી માણતા જઈને જગત સાથે કદમ તાલ મેળવતા જવાની જરૂર છે. ક્યાં સુધી આપણાં જુના પુરાણા, એકના એક ચવાઈને કુચ્ચો થઈ ગયેલા વિચારોને વાગોળતા રહેશું? વહેતું જળ હંમેશા તાજગી અને જીવન બક્ષે છે જ્યારે બંધિયાર પાણી દૂષિત થઈને ગંધાઈ ઉઠે છે. આપણું જીવન વહેતા જળની જેમ, ખળ ખળ વહેતા ઝરણાંની માફક કીલ્લોલતું હોવું જોઈએ.

આનંદ મેળવવા માટે ઘરમાં બેસીને ટીવી, વીડીયો જોયા કરવાને બદલે ખરેખર તો પ્રકૃતિના સાનિધ્યમાં પહોંચી જવું જોઈએ. ટીવી, વીડીયો તમને કોકની જીંદગી બતાવશે જ્યારે પ્રકૃતિના ખોળે તમે તમારી જીંદગી જીવી શકશો. તેનો અર્થ તેમ નથી કે માહિતિ પ્રાપ્તિ માટે ટીવી – વિડીયો ઉપયોગી નથી પણ આનંદ પ્રાપ્તિ માટે તો ટીવી વીડીયો કરતાં પ્રકૃતિ અનેક ગણી સહાયક બનશે.

આપણે અઠવાડીયે ઓછામાં ઓછા ૨૪ કલાક તો એવી રીતે ફાળવવા જોઈએ કે જ્યારે આપણે ખુલ્લા દીલે, હળવા મને, તરવરાટ ભર્યા તનથી અને લાગણી સભર હ્રદયથી કુદરતના અસીમ ખોળે ઉછળ કુદ કરી શકીએ.

આપણે આપણાં મનની બારી સદાયે ખુલ્લી રાખવી જોઈએ. નવા નવા વિચારોની પ્રાપ્તિ અને પ્રિય મિત્રો સાથે ગુજારેલો અલ્પ સમય પણ આપણને તાજગી બક્ષશે. જ્યારે આપણું મન નબળું હોય છે – વિચારવાની બારી બંધ હોય છે ત્યારે આપણને બધું મુશ્કેલ લાગે છે. જ્યારે મન સંતુલિત હોય છે ત્યારે કેટલીક પરિસ્થિતિઓ પડકારરુપ લાગે છે પણ જ્યારે મન મજબૂત હોય છે ત્યારે પ્રત્યેક પરિસ્થિતિ એક તક લાગે છે.

તો મીત્રો, આપણાં મનને હંમેશા નવા નવા વિચારોથી તાજગી સભર બનાવીને રોજે રોજ આવતી તકોને ઝડપીને જીવનને ભરપુર આનંદથી માણશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: