યોગ્ય દિશા – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૧)

મીત્રો,

શું એવું બને કે મહેનત કરનારને જશની બદલે જુત્તા મળે? હા, એવું બની શકે – જો તમે યોગ્ય દિશામાં મહેનત ન કરી હોય તો. ધારો કે મારે અમદાવાદ જવું હોય અને હું મહુવા-રાજુલાના રુટ પર જતી બસમાં બેસી જાઉ તો શું થાય? હું ટીકીટભાડું ખર્ચું, બસમાં બેસવાનો સમય આપું અને તો યે અમદાવાદ રહેતા મારા સ્નેહીને મળવાને બદલે રાજુલાની જીનીંગ ફેક્ટરીએ પહોંચી જાઉ તો તેમાં વાંક કોનો? મેં પુરુષાર્થ કર્યો અને તો યે આવું વિપરીત પરીણામ? કારણ? ખોટી દિશા. મારે રાજધાની કે તન્ના ટ્રાવેલ્સમાં બેસવાની જરુર હતી તેને બદલે હું સ્ટેટ ટ્રાન્સપોર્ટની ખખડધજ બસમાં બેસી ગયો અને તે પણ પાછી ઉલટી દિશામાં જતી હોય તેવી.

જીવનના દરેક ક્ષેત્રમાં તેવું છે. આપણામાંથી દરેક લોકો કાઈ આળસુ નથી. ઘણાં લોકો ઘણો પુરુષાર્થ કરે છે છતાં જ્યારે તે સફળ થતાં નથી ત્યારે નિષ્ફળતાના કારણો શોધવાને બદલે ભાગ્યને દોષ દઈને માથે હાથ દઈને બેસી જાય છે. ઘણી ખરી નિષ્ફળતામાં જોવા મળશે કે યોગ્ય દિશામાં મહેનત ન કરી તે જ તેનું કારણ હતું.

ખુબ કાર્ય કરવાથી સફળતા મળે છે કે આપણે શક્તિમાન બનીએ છીએ તેવું નથી પણ યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં કાર્ય કરવાથી આપણે સુદૃઢ અને સફળ બનીએ છીએ. કેટલાયે લોકો આખી જિંદગી ગદ્ધા વૈતરું કરતાં હોય છે અને છતાં યે માંડ પંડ પુરતું રળતા હોય છે જ્યારે કેટલાક લોકો બુદ્ધિપૂર્વકના આયોજન દ્વારા કાર્ય કરતા હોય છે અને મબલખ કમાણી કરતાં હોય છે. તેથી ખુબ કામ કરવું એટલું મહત્વનું નથી જેટલું સમજણ પૂર્વક કાર્ય કરવું મહત્વનું છે.

અંગ્રેજો આપણાં દેશમાં આવ્યા, આપણાં જ માણસો પાસેથી, આપાણાં જ દેશના કાચા માલમાંથી ઉત્પાદન બનાવીને પોતાના દેશનો માર્કો લગાવીને આપણને જ મોંઘા ભાવે તેઓ વેચતાં. આમ આપણા પરસેવામાંથી તેઓ માલેતુજાર થતાં. વિકસિત દેશો અને મલ્ટીનેશનલ કંપનીઓ આજે પણ તેવું જ કરે છે ને? કાચો માલ આપણો, કારીગર આપણાં, ફેક્ટરી આપણી, ઉર્જા આપણી પણ મેનેજેમેન્ટ તેઓનું અને જે કઈ તગડો નફો મળે તેમાંથી આપણને ચાંગળુંક આપીને બાકીનું બધું પોતે જમી જાય છે.

આથી ઉલટું જે લોકોએ આયોજનપૂર્વક, યોગ્ય દિશામાં, સમજણ સાથે કાર્ય કર્યું તેઓ થોડીક મહેનતથીયે સફળતાના શિખરો આંબી શક્યાં. આપણે જે કાર્ય કરીએ તે આપણને દુ:ખી બનાવશે કે મજબૂત તેનો બધોએ આધાર આપણે યોગ્ય દિશામાં કાર્ય કરીએ છીએ કે નહીં તેના પર રહેલો છે.

તો મીત્રો, આજથી જ આપણે આપણું કાર્ય યોગ્ય દિશામાં કરવાનો પ્રયાસ શરું કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

Post navigation

One thought on “યોગ્ય દિશા – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૧)

Leave a comment

Create a free website or blog at WordPress.com.