Daily Archives: 21/09/2011

વિજેતા – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૦)


મીત્રો,

શું વિજેતા જન્મે છે? ના, વિજેતા બનવું પડે છે. તે માટે પુરુષાર્થ કરવો પડે છે. રાજાનો દિકરો રાજા થાય તે જમાનો હવે ચાલ્યો ગયો છે. અહીં તમારે આગળ આવવા માટે સતત પ્રયાસ કરવો પડે, મહેનત કરવી પડે, કાર્ય કરવા પડે. ઉંચા કુળમાં કે સંપતિવાન તરીકે જન્મ્યા હો તેથી તમારો વિજય નિશ્ચિત નથી થઈ જતો. રાહુલ ગાંધી સોનાની ચમચી લઈને જન્મ્યા અને શ્રી નરેન્દ્ર મોદી સરકારી શાળામાં ભણીને સંઘર્ષ કરીને આજે મુખ્યમંત્રી પદે પહોંચ્યા – શું બંને વચ્ચે કોઈ ફરક નથી? ફરક કેમ નથી? લાખ ગાડાનો ફરક છે. આજે મોદી સાહેબની એક હાકલે લોકો પ્રેમથી દોડી આવે છે – રાહુલ ગાંધી પાસેથી પૈસાનું અને રાજકીય પીઠ બળ લઈ લ્યો અને કહો કે જાવ શેરીમાં જઈને ૫૦ માણસોને મળી આવો – તો કોઈ કામ પડતા મુકીને મળવાયે નહીં આવે.

જીવનમાં જેમણે જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે તેમણે પ્રયાસ કર્યો છે, રાત – દિવસ તપશ્ચર્યા કરી છે. કેટલાયે દોડવીરોએ રમતના મેદાનમાં કેટલીયે વાર દમ તોડ્યો છે ત્યારે તેમના હાથમાં ચંદ્રક શોભી ઉઠ્યા છે. જે પ્રજાએ સંઘર્ષ કર્યો, સતત કાર્યરત રહી, ઉત્સાહ અને જોમ પૂર્વક પોતાના ધ્યેય તરફ કુચ કદમ કરતી રહી તે પ્રજાના ચરણોમાં આજે બીજી પ્રજાઓ આળોટે છે. જે પ્રજાઓ અળસીયાની જેમ માત્ર ઉદર નીમીત્તે સળવળતી રહી. ન કશે ગઈ ન કશેથી કશું શીખી. ન તો પોતે કશું આપ્યું ન તો કોઈ પાસેથી કશું મેળવવાની ઝંખના રાખી તે પ્રજાઓ ની આજે વૈશ્વિક ફલક પર નોંધ પણ લેવાતી નથી.

કેટલાયે લોકો એવા છે કે જે વિજેતા બનવાની ઈચ્છા તો રાખે છે પણ તેમને પુછીએ કે ભાઇ વિજેતા બનવા માટે તે શું આયોજન કર્યું છે? શું દિન ચર્યા ગોઠવી છે? તે માટેની તમારી વ્યુહ રચના અને કાર્ય પદ્ધતિ શું છે? તો તેઓ માથું ખંજવાળતા કહે છે કે તે બધું વળી શું? રમતના મેદાનમાં જવાનું અને આવડે તેવું પરફોર્મન્સ દાખવવાનું અને જીતાય તો જીત્યા નહીં તો કાઈ નહી. આવી મનોદશાવાળા કદી વિજેતા ન થઈ શકે. વિજેતા બનવા માટે તો સતત મથવું પડે, ચોક્ક્સ અભ્યાસ કરવો પડે, જે પ્રકારનું પરીણામ જોઈતું હોય તે પ્રકારની મહેનત કરવી પડે. જેવો પાક લણવો હોય તેવા બીજ વાવવા પડે.

વિજેતા બનવાનો પ્રયાસ કરનારનો માર્ગ શું ફુલોથી પથરાયેલો હોય છે? બીલકુલ નહીં – તેના રસ્તામાં ઠેર ઠેર કંટકો પથરાયા હોય છે. કેટલાયે વિઘ્નસંતોષી કારણ વગર તેમની ટીકા કરવા માટે અને તેમને હતોત્સાહ કરવા માટે પોતાના અમૂલ્ય સમય અને શક્તિનું દાન કરી રહ્યાં હોય છે – જેથી વિજેતા ખરેખર વિજેતા બને ત્યારે તેને અહેસાસ થાય કે આવા વગર મફતના વિરોધીઓ ન હોત તો મારા વિજયની ય કોઈ કિંમત ન હોત. પરીણામે જ્યારે તે ચંદ્રકને ખુશીથી ચૂમતા હોય છે ત્યારે પેલા ઈર્ષાળું ટિકાકારોના હ્રદયમાં લ્હાય બળતી હોય છે.

આપણે હરીફાઈમાં ભાગ ન લઈએ, કદાચ વિજેતા ન બનીએ પણ પુરુષાર્થ કરનારા લોકોના રસ્તામાં વિઘ્નરુપ ન બનીએ તો યે આપણો દેશ આજે છે તેના કરતાં કેટલો યે આગળ નીકળી જાય.

વિજેતા બનનારને ચંદ્રક તો મળે છે પણ સાથે સાથે પોતે કશુંક સિદ્ધ કર્યું છે તેવું આત્મ-ગૌરવ પણ પ્રાપ્ત થાય છે.

મીત્રો, તો આજથી જ પોત પોતાના ક્ષેત્રમાં વિજેતા બનવા માટે પુરુષાર્થ શરુ કરશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 3 Comments

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૩૫)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.