Daily Archives: 20/09/2011

મહત્વાકાંક્ષા – પ્રેરણા અને પ્રોત્સાહન (૧૯)


મીત્રો,

શું તમારા જીવનમાં કોઈ મહત્વાકાંક્ષા છે? તો જરૂર તમને જીવન જોમ પૂર્વક જીવવાનું બળ મળશે. ધારો કે તમે કોઈ લેખક છો અને તમારી મહત્વાકાંક્ષા છે કે અનેક લોકો તમારા જીવનના અનુભવોમાંથી શીખે તો તમે તમારા લેખ વિચાર પૂર્વક લખશો. તેમાં તમારું પુરે પુરુ હ્રદય નીચોવીને લેખ દ્વારા તમારી લાગણી વ્યક્ત કરશો. તમારા નાના નાના એકાદ બે વાક્યો પણ તમારા વાંચકને હલબાલાવી મુકશે – વિચારતાં કરી દેશે. ધારો કે તમે કોઈ વૈજ્ઞાનિક છો અને તમારી મહત્વાકાંક્ષા છે કે મારે જગતને કશીક એવી શોધ આપીને જવું છે કે જેથી જગતના જીવો વધારે સારી રીતે જીવી શકે. તો તમે રાત – દિવસ સતત પ્રયોગ કરીને એવું એવું શોધી કાઢશો કે જેથી તમારી તે અવનવી શોધો માનવ જાત માટે આશિર્વાદ રુપ થઈ જાય. ધારોકે તમે બ્લોગર છો અને તમારી મહત્વાકાંક્ષા છે કે બ્લોગના માધ્યમથી હું ઉદ્દાત લાગણી, ઉચ્ચ વિચારો, હકારાત્મક વાતાવરણ ખડું કરવા માંગુ છું – તો તમે રોજે રોજ કે અનુકુળતાએ સમય કાઢીને તમારા બ્લોગ પર જીવનોપયોગી સાહિત્ય મુકશો કે જેમાંથી કશુંક તો વાંચનારને જરૂર સ્પર્શી જાય.

કેટલીયે વાર એવું બને છે કે આપણી જે મહત્વાકાંક્ષા હોય તે પુરી થવાની અણી પર હોય અને ધીરજ ખુટી જાય, પ્રયત્નો અટકી જાય અને છેક હાથમાં આવેલો પ્યાલો આપણે હડસેલી દઈએ કે ઢોળાઈ જાય અને તેથી જ તો જીવનના છેલ્લાં શ્વાસ સુધી તમારી મહત્વાકાંક્ષા પુરી કરવા માટે અથાગ પ્રયત્નો કરવા તેમાં જ બહાદુરી અને સફળતાની શક્યતાઓ રહેલી છે.

કેટલીક વખત એવું બને છે કે આપણે અયોગ્ય મહત્વાકાંક્ષા રાખીએ કે જે બીજા પર આધારીત હોય. જેમ કે મનુષ્યોનો એક સમુહ તેમ ઈચ્છે કે આ આખુંયે વિશ્વ મુસ્લીમ ધર્મ અંગીકાર કરી લે તો જગતમાં બધું સુપેરે ગોઠવાઈ જાય અથવા તો એક સમુહ તેમ વિચારે કે આ જગતના બધા લોકો જો ખ્રીસ્તી બની જાય તો આ જગત પહેલા કરતા અનેક ગણું વધારે રહેવા લાયક બની જાય. તેવી જ રીતે જાત જાતની માન્યતાઓ ધરાવતા લોકો તેમ ઈચ્છે કે જગતના બધા લોકો મારી જેવું માનવા લાગે તો તો કોઈ સમસ્યા જ ન રહે. તો ખેદ સાથે કહેવું પડે કે આવી મહત્વાકાંક્ષા પુરી ન થઈ શકે કારણ કે તે મહત્વાકાંક્ષા રાખવામાં પાયાથી જ ભૂલ કરવામાં આવી છે. મહત્વાકાંક્ષા તેવી હોવી જોઈએ કે જેમાં સ્વ નો વિકાસ હોય અને પરમાર્થનો પ્રયાસ હોય. તેમાં સામાને બદલવાની કે બદલો લેવાની ભાવના ન હોય પણ સામાને સ્વીકારવાની કે સહાયરુપ થવાની ભાવના હોય.

મહત્વાકાંક્ષા પુરી ન થાય કે થાય તો તેથી નીરાશ ન થવું જોઈએ કે હરખાઈ ન જવું જોઈએ. જો એક લક્ષ્ય સારી રીતે પાર પડે તો વધારે ઉંચો લક્ષ્યાંક રાખીને આગળ વધવું જોઈએ. જો સતત પ્રયત્ન કરવા છતાં નીષ્ફળતા મળે તો ક્યાં ભુલ થાય છે તે ભુલ શોધીને ફરી પાછો પ્રયાસ કરવો જોઈએ. ભુલ પકડાયા પછી લાગે કે મહત્વાકાંક્ષા જ ખોટા પ્રકારની રખાઈ ગઈ છે તો તે પ્રકારની મહત્વાકાંક્ષાને હસતા મુખે છોડી દેવાની તૈયારી રાખવી જોઈએ.

તો મીત્રો, આજથી જ આપણી મહત્વાકાંક્ષા પુર્ણ કરવા માટે એડી ચોટ્ટીનું જોર લગાવીને મચી પડશું ને?

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

હંસ: માનસરોવરની યાત્રાએ…. (૩૪)

Categories: પત્રો/પત્ર વ્યવહાર, વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.