મીત્રો,
પ્રેરણા અને પ્રોત્સાહન શિર્ષક હેઠળ કોઈ એક વિચારને પકડીને તેના વિશે વિસ્તારથી મારી ભાષામાં આવડે તેવું લખવું તેમ વિચાર કર્યો હતો અને તેના પરીપાક રુપે થોડા લઘુ લેખો લખ્યા પણ હતાં. પરંતુ આપણે જાણીએ છીએ કે સમય જ્યારે પ્રતિકુળ હોય ત્યારે આપણી ઈચ્છા પ્રમાણે બની શકતું નથી. બન્યું એવું કે એકાએક મારા ચક્ષુ પટલ પર અંધકારના કાળા ઓળા ઉતરી આવ્યાં અને હું મારી એક આંખની બાહ્ય દૃષ્ટિ લગભગ ગુમાવી ચુક્યો. આ અરસામાં કોમ્પ્ય઼ુટર સામે બેસવાનું યે શક્ય ન હતું તો લેખ કેવી રીતે લખવા? આંખને બચાવવા મેં મરણીયો પ્રયાસ આદર્યો. જાત જાતના ટેસ્ટ અને નિષ્ણાંત ડોક્ટરોએ કહ્યાં તેટલા સઘળાં ઉપચાર કર્યાં. છેવટે ડોક્ટરોએ હાથ ઉંચા કરી દીધાં અને કહ્યું કે હવે તમારી આંખની દૃષ્ટિ પાછી લાવવાનું અમારા હાથમાં નથી – કુદરત પર છોડી દ્યો. અને આમ હવે મેં એક આંખને કુદરત પર છોડી દીધી છે અને બીજી આંખથી કામ ચલાવું છું. કોમ્પ્ય઼ુટર સામે પણ જરુર પુરતું એક આંખે કાર્ય કરી લઉ છું.
આજનો વિચાર છે “તમારી જાતમાં શ્રદ્ધા રાખો – દરેક બાબત શક્ય છે”. આપણે લોકો જાત જાતની શ્રદ્ધા ધરાવતાં હોઈએ છીએ. વાસ્તવમાં શું શ્રદ્ધાથી કાર્ય થાય છે? તેનો આધાર આપણે કોના પર શ્રદ્ધા રાખીએ છીએ તેના ઉપર છે. ધારો કે આપણે કુદરત પર શ્રદ્ધા રાખીને વીચારીએ કે કુદરત એક દિવસ જરુર મારા પર કૃપા કરશે અને મને ન્યાલ કરી દેશે. તો શું ખરેખર કુદરત તેમ કરે ખરી? ના, કુદરત તેના નીયમ પ્રમાણે વર્તે છે. આપણાં શરીરમાં ઉત્પન્ન થયેલી કોઈ પણ તકલીફ સામે રક્ષણ કરવાની કુદરતી શક્તિ ગોઠવાયેલી હોય છે પણ તે અમુક માત્રામાં તકલીફ હોય ત્યાં સુધી કામ આપે. તકલીફ જ્યારે હદથી વધારે વધી જાય ત્યારે બાહ્ય ઉપચાર કે બાહ્ય સહાય જરૂરી બને. જો કે આ બાહ્ય ઉપચાર કે બાહ્ય સહાય પણ કુદરતને તેના નીયમ અનુસાર આપણા શરીરને મદદરુપ થવા પુરતી જ હોય છે.
ધારો કે આપણે આપણી કોઈ સમસ્યા માટે બીજી કોઈ વ્યક્તિ કે કહેવાતા દેવતા કે કોઈ અગમ્ય શક્તિ પર શ્રદ્ધા રાખીએ તો શું તેમના તરફથી મદદ મળી શકે ખરી? આનો જવાબ હા અને ના બંને છે. ધારો કે બીજી વ્યક્તિને આપણાં પ્રત્યે સહાનુભુતિ હોય અને તે આપણી તકલીફ દૂર કરવાનું જાણતી હોય તો તે તેમ કરવામાં મદદ કરે અન્યથા નહીં. તે જ રીત દેવતાઓનું જો ખરેખર અસ્તિત્વ હોય અને જો તેમના કાર્યક્ષેત્રમાં આપણને મદદ કરવાનું આવતું હોય અને તેમને આપણી ઉપર કોઈ પણ કારણે સ્નેહ હોય તો તેમ કરે અન્યથા નહીં. કોઈ અગમ્ય શક્તિ આ કાર્ય કરે કે કેમ તે કહેવું પણ મુશ્કેલ છે. એક વાત તો નિશ્ચિત છે કે સહુ કોઈ પોતાની જાતને તો ચાહ્તું જ હોય. વળી પોતાના શ્રેય અને પ્રેયની ખેવના તો દરેક રાખતું જ હોય. વળી પોતાની શું સમસ્યા છે તે પોતા સીવાય વધારે સારી રીતે કોણ જાણતું હોય? તેથી પોતાની જાત પર જો શ્રદ્ધા રાખવામાં આવે તો આપણે આપણને મદદ કરવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ તેથી આત્મશ્રદ્ધા ક્યારેય નીષ્ફળ નથી જતી.
અહીં બીજો વિચાર છે કે દરેક બાબત શક્ય છે. તેનો જવાબ પણ Yes/No દ્વારા આપી શકાય. ધારો કે હું આત્મશ્રદ્ધા રાખું તો શું મારી દૃષ્ટિ પાછી આવી શકે? અથવા તો આકાશમાંથી તારા તોડી લાવી શકું? અથવા તો રાતો રાત સર્વજ્ઞ બની જઈ શકું? આનો જવાબ ચોક્કસ જ ના હોવાનો. પણ હું મારા મનને કેળવી શકું? મારા ચા પીવા વગેરે જેવા વ્યસનો પર કે કોમ્પ્ય઼ુટર અને બ્લોગલેખન/બ્લોગવાંચન વગેરે વ્યસનોને નાથી શકું? અથવા તો મારી તબીયત ધીરે ધીરે સુધારી શકું? તો તેના જવાબ ચોક્ક્સ જ હા હોવાના. તેથી દરેક બાબત શક્ય છે તેમ કહેવા કરતા તેમ કહી શકાય કે મારે માટે આવશ્યક તેવી દરેક બાબત શક્ય છે.
“જો તમને તમારી જાતમાં શ્રદ્ધા હશે તો તમારે માટે આવશ્યક તેવી દરેક બાબત શક્ય છે.”
મીત્રો, તો આજથી જ પોતાની જાતમાં શ્રદ્ધા રાખવાનું શરુ કરશું ને?