પ્રેમ – શબ્દ સમજવો બહુ મુશ્કેલ છે.
પ્રેમ વિશે પુસ્તકોના પુસ્તકો લખાયા છે. કાવ્યના કાવ્યો રચાયા છે. લડાઈઓ થઈ છે. બલીદાનો દેવાયા છે અને લેવાયા છે. ટુંકમાં પ્રેમના નામે જે કાઈ થયું છે તે ભાગ્યે જ પ્રેમ હોય છે. ઘણી વખત અત્યંત મોહ પ્રેમનો અંચળો ઓઢી લે છે. પ્રેમ હોય ત્યાં સમજણ હોય, કાળજી હોય, વિકાસ હોય, જ્ઞાન હોય, એકબીજાને બંધનરુપ નહીં પણ એકબીજાને સહાયરૂપ થવાની ભાવના હોય, માલીકી ભાવ નહીં પણ સહઅસ્તિત્વની સાહજીકતા હોય.
સમવયસ્ક સ્ત્રી પુરુષો વચ્ચે ઉદભવતું આકર્ષણ તે પ્રેમ નથી. પ્રેમ એટલે વિશાળતા, સમસ્ત અસ્તિત્વ પ્રત્યે લગાવ. માળી પોતાના બાગને ચાહે, મા પોતાના બાળકને ચાહે, બાળકો પોતાની માતાને ચાહે, પત્નિ પોતાના પતિને અને પતિ પોતાની પત્નિને ચાહે, ભાઈ બહેનને અને બહેન ભાઈને ચાહે, મિત્રો એકબીજાને ચાહે, દેશવાસીઓ અન્ય દેશવાસીઓને ચાહે, સમગ્ર માનવો સમગ્ર માનવજાતને ચાહે, પ્રકૃતિને ચાહે, તેના સર્જનહારને ચાહે – આ બધોયે પ્રેમ છે. પ્રેમમાં જે કાઈ છે તેને જાળવી રાખવાની ભાવના છે, કશું ખંડીત કરીને નહીં પણ જે કાઈ છે તેને વધારે વિકસીત કરવાની ઈચ્છા હોય છે.
અને ગમે એટલું લખ્યાં પછીએ છેવટે તો કહીશ કે પ્રેમ કહી શકાતો નથી – અનુભવી શકાય છે.
પ્રેમને વ્યાખ્યા નથી કેવળ સંદિગ્ધ અનુભવ છે તેથી સમજાવવો અઘરો લાગે છે,
આપની વાત સાચી છે – જેવી રીતે મુંગી વ્યક્તિ ગોળ ખાય તો કહી ન શકે તેવી રીતે પ્રેમ ઈંદ્રિયાતિત હ્રદયપ્રદેશમાં થતી અથવા તો ઈંદ્રિયોને પેલે પાર થતી અનુભુતી હોવાથી ઈંદ્રીયો દ્વારા તે વર્ણવી શકાતી નથી.
સાચેજ આપની વાત સાથે ૧૦% સહમત કે પ્રેમ કહી શકાતો નથી – અનુભવી શકાય છે.
૧૦૦% સહમત , ભૂલ થી ૧૦ લખાઈ ગયું હતું દરગુજર કરશો.
પ્રેમ એટલે બે વ્યક્તિ વચ્ચે ૧૦% થી શરુ કરીને ૧૦૦% સુધી સહમતિ સાધવાનો પ્રયાસ. આપના પ્રતિભાવ પરથી પ્રેમની એક નવી વ્યાખ્યા જડી આવી.